વીસમી સદીનાં એક મહાન આધ્યાત્મિક ગુરુ, યોગી અને સંત જેમણે પોતાના જીવન પર્યંત વિશ્ર્વભરમાં ક્રિયાયોગનો પ્રચાર-પ્રસાર કર્યો હતા
- Advertisement -
સ્વામી પરમહંસ દ્વારા વાયએસએસ નામક આધ્યાત્મિક સંસ્થાનો પાયો પશ્ચિમ બંગાળનાં દિહિકામાં નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ રાંચી સહિત પૂરા ભારત અને સમસ્ત વિશ્વમાં અને ખાસ તો યોગદા સત્સંગનું મુખ્ય આંતરરાષ્ટ્રીય કેન્દ્ર અમેરિકાનાં લોસ એન્જલસમાં નાખવામાં આવ્યું
ગોરખપુર ખાતે જન્મેલા પરમહંસ યોગાનંદ વીસમી સદીનાં એક મહાન આધ્યાત્મિક ગુરુ, યોગી અને સંત છે જેમણે પોતાના જીવન પર્યત વિશ્વભરમાં ક્રિયાયોગનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. પોતાની આત્મકથા ‘યોગી કથામૃત’ તથા સ્વય લિખિત પુસ્તકો, પ્રવચનો અને શિક્ષા દ્વારા પરમહંસ યોગાનંદે ક્રિયાયોગ દ્વારા ઈશ્વર સાક્ષાત્કાર અને જીવન જીવવાની વિધિઓની ભેટ આપણે સૌને આપી છે. આ સાથે જ આજથી એક સદી પૂર્વે ઈ.સ. 1917માં પરમહંસ યોગાનંદે યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઈંડિયાની સ્થાપના કરી હતી. વાયએસએસનાં નામથી જાણીતી આ સંસ્થા શૈક્ષણિક સંકુલો, સ્વાસ્થ કેન્દ્રોમાં સેવા કાર્ય સિવાય સામાજિક જવાબદારીનાં ભાગરૂપે અસરગ્રસ્ત લોકો માટે સહાય કાર્ય કરે છે. મહાવતાર બાબાજીથી લાહિડી મહાશય અને તેમનાથી યુક્તેશ્વરજીથી પરમહંસ યોગાનંદને મળેલા ક્રિયાયોગનાં દિવ્ય વારસા સમા આધ્યાત્મિક ખજાનાનો વાયએસએસ સંસ્થામાંથી આજે કરોડો લોકો લાભ લઈ પોતાનું જીવન પરિવર્તિત કરી રહ્યા છે. જેમાં પરમહંસ યોગાનંદની આત્મકથા ‘યોગી કથામૃત’નો ફાળો સવિશેષ છે. સ્વામી પરમહંસ દ્વારા વાયએસએસ નામક આધ્યાત્મિક સંસ્થાનો પાયો પશ્ચિમ બંગાળનાં દિહિકામાં નાખવામાં આવ્યો હતો. ત્યારબાદ રાંચી સહિત પૂરા ભારત અને સમસ્ત વિશ્વમાં અને ખાસ તો યોગદા સત્સંગનું મુખ્ય આંતરરાષ્ટ્રીય કેન્દ્ર અમેરિકાનાં લોસ એન્જલસમાં નાખવામાં આવ્યું. પશ્ચિમનાં દેશોમાં યોગદા સત્સંગ ‘સેલ્ફ રિયલાઈજેશન ફેલોશિપ’ એસઆરએફ નામથી ભારતીય યોગ અને અધ્યાત્મની વૈજ્ઞાનિક પદ્ધતિઓ સાથે શિક્ષા આપે છે. જ્યારે કલકત્તા સ્થિત દક્ષિણેશ્વર આશ્રમનાં મુખ્ય કેન્દ્ર મારફત ભારત, નેપાળ, શ્રીલંકામાં ક્રિયાયોગ દ્વારા પ્રાણાયામની વૈજ્ઞાનિક પદ્ધતિઓ સાથે શિક્ષા આપવામાં આવે છે. ભારતમાં મુખ્ય રાંચી, નોયડા, દ્વારહાટ, જગતપુરી આશ્રમ સહિત 200થી વધુ ધ્યાન કેન્દ્રો ધરાવતી યોગદા સત્સંગ સોસાયટીનાં ગુજરાતમાં રાજકોટ, અમદાવાદ, બરોડા જેવા મુખ્ય શહેરોમાં ધ્યાન કેન્દ્રો કાર્યરત છે. દેશ-દુનિયામાં યોગ વિશેની જાગૃતતા છેલ્લાં બે-પાંચ વર્ષમાં ફેલાઈ છે જ્યારે પરમહંસ યોગાનંદ અને તેમની સંસ્થા 125 વર્ષોથી ભારતીય યોગ પરંપરાનું મહત્વ અને જરૂરિયાત નિસ્વાર્થભાવે નિષ્ઠાપૂર્વક જણાવી રહ્યા છે.
- Advertisement -
પરમહંસ યોગાનંદજીએ પાર્થિવ શરીરનો ત્યાગ કરીને મહાસમાધિમાં પ્રવેશ કર્યો હતો
ઈ.સ. 1920માં અમેરિકાનાં બોસ્ટનમાં આયોજીત ઈંટરનેશનલ કોંગ્રેસ ઓફ રિલિજીયસ લીબ્રલ્સને સંબોધિત કરી પરમહંસ યોગાનંદે દુનિયાને ભારતનાં ધર્મ, અધ્યાત્મ અને દર્શનથી પરિચિત કરાવ્યા. તેઓનાં આજથી એક સદી પૂર્વે કરેલા સંબોધન ધ્યાનમાં લઈ વર્તમાન સમયમાં વિશ્વ બંધુત્વ, ભાઈચારા અને માનવતાની સ્થાપનામાં યોગની જરૂરિયાતનું મહત્વ સમજીને સંયુક્ત રાષ્ટ્ર સંઘએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઘોષણા કરેલી છે. ‘પ્રેમાવતાર’ તરીકેનું બિરુદ મેળવનાર સ્વામી યોગાનંદે દુનિયાને આપેલી ધ્યાન અને યોગ ક્રિયાનું અનુસરણ આજે વિશ્વભરમાં થઈ રહ્યું છે. પરમહંસ યોગાનંદ સ્થાપિત વાયએસએસનાં ધ્યાન કેન્દ્રો શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે ધ્યાનનું મહત્વ અને ફાયદાઓનો ફેલાવો કરી રહ્યા છે. સ્વામી યોગાનંદે પોતાના જીવન દરમિયાન એક લાખથી વધુ લોકોને ક્રિયા યોગની શિક્ષા આપેલી છે. જેમનું એ કાર્ય આજે તેમના દ્વારા સ્થાપિત સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે. પતંજલિનાં અષ્ટાંગ યોગનાં આઠ યોગને ક્રમશ: યમ અર્થાત નૈતિક સદાચાર, નિયમ અર્થાત ધર્માચરણ, આસન અર્થાત શરીરની ઉચિત સ્થિતિ, પ્રાણાયામ અર્થાત પ્રાણ નિયંત્રણ, પ્રત્યાહાર અર્થાત ઈન્દ્રિયોને બાહ્ય વિષયોથી વિમુખ કરી આંતરિક દિશામાં લઈ જવી, ધારણા અર્થાત એકાગ્રતા અને ધ્યાન, સમાધિ અર્થાત પરાચૈતન્યનો અનુભવ એ યોગની મુખ્ય વૈજ્ઞાનિક પદ્ધતિ છે. યોગના આ આઠ માર્ગમાં ઈશ્વરાભૂતિનો સાક્ષાત્કાર કરાવનાર માનવતાની સેવાનાં આદર્શ પરમહંસ યોગાનંદજીનું સ્થાન સદીનાં મહાન સંતમાં થાય છે.
સ્વામી યુક્તેશ્વરગિરિ, જેમણે યોગાનંદજીના જીવનના આધ્યાત્મિક પાયાને સુદ્રઢ કર્યો હતો, વાસ્તવમાં અત્યંત ગર્વનો અનુભવ કરતાં હશે કે તેમના પ્રિય અને પ્રમુખ શિષ્ય, જેમને પ્રેમના અવતાર અથવા પ્રેમાવતાર ના રૂપે ઓળખાય છે; તેમણે પોતાની પાછળ આટલી મહાન વિરાસત મૂકી છે. બાકી બીજું બધું પ્રતીક્ષા કરી શકે છે, પરંતુ આપની ઈશ્વરની શોધ પ્રતીક્ષા નહીં કરી શકે! આ શબ્દોની સાથે યોગાનંદજીએ સંપૂર્ણ વિશ્વને આ આહવાન કર્યું કે આપના જીવનના મહાનતમ ઉદ્દેશ્યની પૂરતી માટે પ્રયાસ પ્રારંભ કરી દો અને આપના જીવનનના ઉદ્યાનને અનાવશ્યક નીંદણથી મુક્ત કરો.
યોગાનંદજીની શિક્ષાઓ વૈજ્ઞાનિક ધ્યાનની પ્રાચીન પ્રણાલી, ક્રિયાયોગ પર કેન્દ્રિત છે. સંપૂર્ણ વિશ્વના હજારો એસઆરએફ/વાયએસએસ દીક્ષિત ક્રિયાવાન ભક્ત નિયમિત રૂપે આ પ્રાચીન પ્રવિધિનો અભ્યાસ કરે છે અને જીવન તથા મૃત્યુના ચક્રથી મુક્તિ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે, જે અન્યથા અનિવાર્ય છે. પ્રાણાયામની આ પ્રવિધિ દ્વારા પ્રાણશક્તિનું નિયંત્રણ થાય છે તથા સામાન્ય રૂપથી બહારની તરફ અને પાંચ જ્ઞાનેન્દ્રિઓમાં પ્રવાહિત થતી પ્રાણશક્તિ અંતર્મૂખી થઈને મેરુદંડ તેમજ મસ્તિષ્કમાં પ્રવાહિત થવા લાગે છે. વર્તમાન સમયમાં પરમહંસ યોગાનંદનાં વિચાર અને ક્રિયા યોગથી કરોડો લોકો આકર્ષિત થઈ રહ્યા છે. યોગાનંદજી અને તેમની સંસ્થાનો ધ્યેય ક્રિયા યોગની સાચી સમજણ સાથે પૂર્વ અને પશ્ચિમનાં સમાજનો પરસ્પર સાંસ્કૃતિક અને ધાર્મિક દ્રષ્ટિકોણથી સાયુજ્ય સાધી આધ્યાત્મિક વિકાસ કરવાનો છે. આ વિકાસ એટલે દૈનિક, વૈજ્ઞાનિક અને ભક્તિમય જ્ઞાન સાથે ક્રિયા યોગનું ધ્યાન ધરવું. અને આ બધું જ શક્ય બન્યું મહાવતાર બાબાજી દ્વારા લાહિડી મહાશય અને લાહિડી મહાશય દ્વારા યુક્તેશ્વરગિરિ અને યુક્તેશ્વરગિરિ દ્વારા પરમહંસ યોગાનંદને અપાયેલી ક્રિયાયોગની દિક્ષા દ્વારા..
પ્રત્યેક વર્ષે માર્ચ મહિનામાં ભરતવર્ષના બે મહાન સંતોના મહાસમાધિ દિવસની ઉજવણી થાય છે. કાલાતીત ઉત્કૃષ્ઠ કૃતિ, કૈવલ્ય દર્શનમ ના લેખક, સ્વામી યુક્તેશ્વરગિરિ એ 9 માર્ચ, 1936ના દિવસે પૂરી, ઓડિશામાં પોતાના પાર્થિવ શરીરનો ત્યાગ કરીને મહાસમાધિમાં પ્રવેશ કર્યો હતો તથા એમના વિશ્વવિખ્યાત શિષ્ય, પરમહંસ યોગાનંદે 7 માર્ચ, 1952ના દિવસે બિલ્ટમોર હોટેલ, લોસ એંજલિસ, કેલિફોર્નિયા, અમેરિકામાં મહાસમાધિમાં પ્રવેશ કર્યો હતો. યોગાનંદજીએ મુકુંદ નામના એક કિશોર યુવકના રૂપે સ્વામી યુક્તેશ્વરજીના આશ્રમમાં પ્રવેશ કર્યો હતો અને તેમની દેખરેખ અને સંરક્ષક માર્ગદર્શન હેઠળ શિક્ષા પ્રાપ્ત કરી હતી. શ્રીરામપુર, બંગાળમાં સ્થિત સ્વામી યુક્તેશ્વરજીના આશ્રમમાં તેમના કઠોર પરંતુ પ્રેમમય પ્રશિક્ષણ વડે, આ ઉત્સાહી યુવા શિષ્યનું વ્યક્તિત્વ એક અદ્વિતીય ગુરુના રૂપમાં રૂપાંતરિત થઈ ગયું હતું. યોગાનંદજીના પશ્ચિમીજગતની યાત્રા અને યોગ ધ્યાન પર તેમના વ્યાખ્યાન, જેના કારણે અનંત: સંપૂર્ણ વિશ્વમાં આધ્યાત્મિક પુનર્જાગરણનો અભ્યુદય થયો, જે હવે એક ઈતિહાસ બની ગયા છે.
યોગાનંદજીએ અત્યંત નાટકીય પરિસ્થિતિઓમાં મહાસમાધિ (એક સંતનું પોતાના પાર્થિવ શરીરીથી સચેતન પ્રસ્થાન)માં પ્રવેશ કર્યો હતો. તેઓ સંયુક્ત રાજ્ય અમેરિકામાં ભારતના તત્કાલીન રાજદૂત ડોક્ટર વિનય રંજન સેનના સન્માનમાં આયોજિત એક સ્વાગત સમારોહમાં, મંત્રમુગ્ધ શ્રોતાઓની સામે, શક્તિશાળી, જોશપૂર્ણ અને ગરજતા સ્વરમાં એક ભાષણ આપી રહ્યા હતા. જ્યાં ગંગા, વન, હિમાલયની ગુફાઓ અને મનુષ્ય ઈશ્વરના સ્વપ્ન જુએ છે હું ધન્ય થયો; મારા શરીરે આ ભૂમિનો સ્પર્શ કર્યો. પોતાની કવિતા, જેનું શીર્ષક મારું ભારત હતું, તેના આ ઉત્સાહપૂર્ણ અને પ્રેરણાપ્રદ શબ્દોની સાથે જ, યોગાનંદજી જમીન પર ઢળી પડ્યા. તુરંત જ એમના નિર્જીવ શરીરને તેમના શિષ્યોએ ચારે તરફથી ઘેરી લીધું, જેમાં દયા માતાજી પણ હતાં, જે કાલાંતરમાં સેલ્ફ-રિયલાઈઝેશન ફેલોશિપ/ યોગદા સત્સંગ સોસાયટી ઓફ ઈન્ડિયા (એસઆરએફ/વાયએસએસ)ના ત્રીજા અધ્યક્ષ બન્યા. તમને જાણીને અચરજ નહીં જ લાગે કે, પરમહંસ યોગાનંદજીએ લોસ એંજલસમાં 7 માર્ચ 1952ના રોજ મહાસમાધી લીધી. મહાસમાધીનાં 20 દિવસ પછી 27 માર્ચ સુધી તેમનો દેહ કાંસાની પેટીમાં સચવાયો હતો. અગ્નિસંસ્કાર સમયે તેમનો મૃતદેહ જીવંત ગંધમુક્ત હતો તેવું અમેરિકન સંશોધકોએ નોટરી કરાવી સર્ટીફીકેટ આપ્યું છે!