સનાતન ધર્મમાં આસ્થા ધરાવનાર દરેક વ્યક્તિ માટે 108નો આંકડો (સંખ્યા) હંમેશાથી વિશેષ મહત્વપૂર્ણ રહ્યો છે.
-પરખ ભટ્ટ
યોગગુરૂ, સાધુ, મહાત્મા, ઋષિમુનિઓની મહાનતા દર્શાવવા માટે પુરાણકાળથી તેમનાં નામની આગળ ‘શ્રી શ્રી 108’નું સંબોધન જોડવાનો રિવાજ ચાલ્યો આવે છે. ઇશ્વરનું ધ્યાન ધરવા માટે તેમજ મંત્રોચ્ચારની ગણતરી રાખવા માટે ઉપયોગમાં લેવાતી મણકાની માળામાં 108 મોતી હોય છે. તમે જુઓ, મોટાભાગનાં ભારતીયો પોતાનાં મોબાઇલ નંબરોમાં તેમજ વાહનોની નંબર પ્લેટમાં પણ 108ને સમાવિષ્ટ કરે છે. લોકોની આ શ્રદ્ધાને મોબાઇલ કંપનીઓએ ધમધીકતો ધંધો બનાવી વેચવાનું શરૂ કરી દીધું છે. તમામ ધર્મોમાં શુભ મનાતાં અલગ-અલગ આંકડાઓની કિંમત ઉંચી રાખીને બજારોમાં તેને હજારો-લાખોનાં ભાવે વેચવામાં આવે છે.
માત્ર હિંદુ ધર્મમાં જ નહીં, પરંતુ શીખ, બૌદ્ધ અને જૈન ધર્મમાં પણ 108ને પૂજનીય ગણવામાં આવે છે. જાપાનીઝ સાધુઓ એમનાં નવા વર્ષનાં આગમન સમયે 108 વખત મંદિરની ઘંટડીઓ વગાડીને જૂનાં દિવસોને વિદાય આપે છે. કોઇપણ વડીલ પાસેથી ક્યારેય પંદર કે વીસ વખત અથવા 100 વખત મંત્રોચ્ચાર કરવાની વાત સાંભળી? નહીં ને! તો પછી પ્રશ્ન એ છે કે શા માટે 108ને આટલું બધું મહત્વ અપાય છે? વૈદિક માન્યતા મુજબ, 108ને બ્રહ્માંડનાં સર્જનનું ચિહ્ન માનવામાં આવે છે. ઇટ ઇઝ ધ બેઝિસ ઓફ ક્રિએશન! 108માંના દરેક સ્વતંત્ર અંકોનો પોતાનો એક અર્થ છે :
‘1’ : ઇશ્વર એક સનાતન સત્ય છે એનાં ચિહ્નરૂપે.
‘0’ : શુન્યવત ખાલીપાનું સાક્ષીરૂપ.
‘8’ : અનંત બ્રહ્માંડનાં પ્રતીકરૂપે. (અંગ્રેજી 8 ને લંબ દિશામાં રાખીને જુઓ તો ‘ઇન્ફિનિટી’ – અનંતનું ચિહ્ન સામે આવે.)
- Advertisement -
108 એ સમગ્ર અંક-પદ્ધતિનું સૂચક છે. શુન્ય (ઝીરો) અને 1 થી 8નું ચક્ર નિરંતર ચાલ્યા રાખે છે. બ્રહ્માંડમાં વહેતાં ઉર્જાનાં અસ્ખલિત પ્રવાહને 108 વડે પ્રદર્શિત કરવામાં આવે છે. કમ્પ્યુટરની બાઇનરી સિસ્ટમ 0 અને 1 પર આધાર રાખે છે. એ સિવાય પણ વૈજ્ઞાનિકોને મળેલા કેટલાક ખગોળીય પુરાવાઓ 108ની મહત્તાને વધુ પ્રામાણિકતાપૂર્વક સિદ્ધ કરે છે.
(1) સૂર્યનો વ્યાસ પૃથ્વીનાં વ્યાસ કરતાં 108 ગણો વધુ છે
સૂર્યનો વ્યાસ : 13,92,000 કિલોમીટર.
પૃથ્વીનો વ્યાસ : 12,756.28 કિલોમીટર.
(બંનેનો ભાગાકર કરીએ તો પરિણામસ્વરૂપ મળતી રાશિ છે, 109.11)
વૈજ્ઞાનિક સાધનોમાં રહી જતી ત્રુટિને કારણે 1.11નો મિનિટ તફાવત મળવો સ્વાભાવિક છે. આવું ખુદ વૈજ્ઞાનિકોએ પણ સ્વીકાર્યુ છે. આથી સૂર્યનાં વ્યાસ કરતાં પૃથ્વીનો વ્યાસ લગભગ 108 ગણો વધુ હોવાની વાતને અહીં વૈજ્ઞાનિક માન્યતા મળે છે.
- Advertisement -
(2) પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સૂર્યનાં વ્યાસ કરતાં 108 ગણું છે.
સૂર્યનો વ્યાસ : 13,92,000 કિલોમીટર.
સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર : 14,95,97,870.691 કિલોમીટર.
(બંનેનો ભાગાકાર કરતાં પરિણામસ્વરૂપ મળતી રાશિ, 107.469)
મેઝરમેન્ટ એરર (ક્ષતિ)ને ઉમેરી-બાદ કરી, રાઉન્ડ-ઓફ્ફ આંકડામાં ગણતરી કરીએ તો ફરી 108નો અંક પ્રાપ્ત થાય છે.
(3) પૃથ્વી અને ચંદ્ર વચ્ચેનું અંતર ચંદ્રનાં વ્યાસ કરતાં 108 ગણું વધુ છે.
ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર : 3,84,403 કિલોમીટર.
ચંદ્રનો વ્યાસ : 3474 કિલોમીટર.
(બંનેનો ભાગાકાર કરતાં મળતી પરિણામસ્વરૂપ રાશિ, 110.6514)
હવે તમે કહેશો કે, 2.65 મિનિટની ક્ષતિ તો બહુ વધારે ન કહેવાય!? ના, બિલકુલ નહીં. ચંદ્રની ભ્રમણકક્ષામાં જોવા મળેલા 11 ટકાનાં વેરિએશન (તફાવત)ને કારણે 2.65 મિનિટની ક્ષતિને અવગણવી પડે. આથી, અહીં પણ 108ને જ પ્રાધાન્ય આપી શકાય!
જ્યોતિષશાસ્ત્રમાં બાર રાશિઓ અને નવ ગ્રહનો ઉલ્લેખ છે. બાર અને નવનો ગુણાકાર કરીને પ્રાપ્ત થતી સંખ્યા 108 છે! વૈદિક જ્યોતિષશાસ્ત્રે ચારેય દિશાઓમાં પ્રવર્તમાન 27 નક્ષત્રો (27 ડ્ઢ 4 = 108) વિશે વિગતવાર વર્ણનો આપ્યા છે. આ એવા નક્ષત્રો છે, જે સમગ્ર બ્રહ્માંડને આવરી લે છે. વાસ્તવમાં, વૈજ્ઞાનિકો આજકાલ જેને ‘શોધ’નું નામ આપી રહ્યા છે એ પ્રકૃતિનાં તત્વોને અમુક-તમુક પ્રમાણમાં જોડી દેવાથી મળતી પ્રોડ્ક્ટ છે. એ તમામ વિશે આપણા ચાર વેદો (સામવેદ, ઋગ્વેદ, યજુર્વેદ અને અથર્વવેદ), નવ પુરાણ તેમજ 108 ઉપનિષદોમાં હજારો વર્ષ પહેલા લખી દેવાયું છે.
ચાર યુગોનાં સમયચક્ર પર વિશેષ ધ્યાન આપવા જેવું છે :
કળિયુગ : 4,32,000 વર્ષ : 4+3+2=9
દ્વાપરયુગ : 8,64,000 વર્ષ : 8+6+4=18, 1+8=9
ત્રેતાયુગ : 12,96,000 વર્ષ : 1+2+9+6=9
સતયુગ : 17,28,000 વર્ષ : 1+7+2+8=9
108નાં ત્રણેય અંક 1,0 અને 8નો સરવાળો કરીએ તો, ફરી 9 અંકની પ્રાપ્તિ થાય છે.
પૌરાણિક કાળમાં, ઋષિમુનિઓનું માનવું હતું કે માણસ માટે બાહ્ય સ્વચ્છતાની સાથોસાથ આંતરિક સ્વચ્છતા પણ એટલી જ વધુ અગત્યની છે. પ્રાર્થના, યોગ, ધ્યાન, પ્રાણાયામ, મંત્રોચ્ચાર એ આત્માનો ખોરાક છે. આયુર્વેદમાં જણાવ્યા અનુસાર, શરીરનાં 107 મર્મને અસરકર્તા એવી 108 નાડીઓને જાગૃત કરવા માટે શાસ્ત્રોમાં 108 વખત મંત્રોચ્ચારની વાત કહેવામાં આવી છે. ભૌતિક શરીરમાંથી સૂક્ષ્મ શરીરને આંબવાની પ્રક્રિયા દરમિયાન માણસનો આત્મા 108 પડાવ પાર કર્યા બાદ મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે, જેનાં પ્રતીકરૂપે 108!
રૂદ્રાક્ષ કે અન્ય કોઇપણ માળા 108 મણકાની બનેલી હોય છે. જે રીતે બ્રહ્માને આપણે સર્જનહાર, વિષ્ણુને પાલનહાર તરીકે સ્વીકાર્યા છે, એવી જ રીતે મહાદેવને વિનાશકારી સ્વરૂપમાં પૂજીએ છીએ. આમ છતાં તેમને નૃત્ય ઘણું પ્રિય છે. નટરાજનું ધ્યાન ધર્યા વગર તો એકેય સાંસ્કૃતિક કાર્યક્રમનો આરંભ નથી થતો. ભરતનાટ્યમમાં વર્ણવવામાં આવેલી 108 મુદ્રાઓ મહાદેવ દ્વારા નિર્મિત છે.