કચેરી ન હોવાને કારણે ગામમાં કોઇના ઘરે બેસીને સરકારી કામ કરવું પડે છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
સાયલા તાલુકાના ગામડાઓના લોકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે.આવવા જવા માટે પૂરતી એસટી બસની સુવિધા નથી. પીવાના પાણીની મોટી મુશ્કેલી છે. ગામના વિકાસ માટે પંચાયતનું બિલ્ડિંગ સારું હોવું તે ખૂબ જરૂરી છે. જ્યાં બેસીને પંચાયતનો સારી રીતે વહીવટ કરી શકાય પરંતુ સાયલા તાલુકાના 14 ગામની પંચાયતના બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોવાને કારણે ગામના વિકાસના કામો કરવામાં તો મુશ્કેલી પડી રહી છે સાથે સાથે લોકોના કામો પણ થઇ શકતા નથી.
- Advertisement -
સાયલા તાલુકાની 14થી વધુ ગ્રામ પંચાયત ઘરની સ્થિતિ બિસમાર જોવા મળી રહી છે. મનરેગા હેઠળ ગ્રામ પંચાયત ઘરના કામોમાં અડાળા-પીપળીયા, સડીયાળી, લોયા, નડાળા-દેવગઢ, નાગડકા, ઢીકવાળી અને ઓવનગઢ ગામની પંચાયત કચેરીના અધૂરા કામથી સરપંચ અને ગ્રામજનો પણ પરેશાન છે. તલાટીને બેસવાની કચેરી ન હોવાના કારણે ગામના ખાનગી ઘરમાં બેસીને દફ્તરી કામ કરવું પડે તેવી સ્થિતિ જોવા મળે છે. તલાટી માટે મહત્વના દસ્તાવેજો અને દફતરો રામભરોસે મૂકવા જેવી સ્થિતિએ તલાટીઓમાં પણ ભય જોવા મળે છે.
આ બાબતે સરકારે નરેગા યોજના હેઠળ એજન્સીઓને કામ આપીને જોબકાર્ડથી મજૂરી સહિતના આયોજન હેઠળ પંચાયત ઘર બનાવવાના આદેશ થતા નરેગા યોજના હેઠળ કોટડા, કાશીપરા, રાતડકી, કંસાળાની ગ્રામ પંચાયતનું કામ શરૂ થયું છે. ખાસ કરીને 7 ગ્રામ પંચાયતોમાં જમીન સહિતના પ્રશ્નોને કારણે અટવાયા છે. અંદાજે 13 લાખના એસ્ટિમેન્ટ સાથે જર્જરિત ગ્રામ પંચાયતમાં કાર્યવાહી શરૂ થઇ હતી. પરંતુ મટિરિયલના ભાવ વધારાના કારણે કામ અટવાયા હતા. પરંતુ હાલમાં આરએન્ડબીએ સૂચિત ભાવ વધારો કરતા 14 ગ્રામ પંચાયતના મંજૂરી માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. સાયલા તાલુકાના ગામડાના લોકો અનેક સમસ્યાનો સામનો કરી રહ્યા છે.