જરૂરિયાતમંદ બાળકોનું અંગ્રેજી માધ્યમ શાળામાં ભણવાનું સ્વપ્ન પૂરૂં થશે
શિક્ષિત, તાલિમબદ્ધ અને અનુભવી શિક્ષકો દ્વારા વ્યક્તિગત માર્ગદર્શન અને શિક્ષણ અપાશે: એડમિશન પ્રક્રિયા શરૂ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં પંચનાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શિક્ષણ માટે સેવાયજ્ઞ શરૂ કરાયો છે જેમાં અત્યંત જરૂરિયાત વર્ગના બાળકો અંગ્રેજી માધ્યમ શાળામાં અભ્યાસ કરવાનું સ્વપ્ન પૂરું કરી શકે તે માટે શાળા શરૂ કરી છે. અહીં નર્સરીથી અભ્યાસ શરૂ કરી બાળકોને ઓડિયો વિઝ્યુઅલના માધ્યમથી અભ્યાસ કરાવવામાં આવે છે તેમજ ગમ્મત સાથે જ્ઞાન પીરસવામાં આવે છે.
આજના સમયમાં બાળકોના અભ્યાસ અને કારકિર્દી અંગે પ્રત્યેક વાલીઓ વધુ જાગૃત બન્યા છે ત્યારે શ્રી પંચનાથ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં શાળાના ટ્રસ્ટી દેવાંગભાઈ માકડ તથા ડાયરેક્ટર પલ્લવીબેન મહેતાના માર્ગદર્શન હેઠળ અનેક પ્રવૃત્તિઓ આયોજિત કરી બાળકોને વ્યક્તિગત માર્ગદર્શન આપીને વિવિધ કૌશલ્ય વિકસાવવાના પ્રયત્નો કરવામાં આવે છે.
શાળાની એક વર્ષની જ્ઞાનસભર યાત્રામાં આખા વર્ષ દરમિયાન પર્વોની રંગીન ઉજવણીથી લઈને રમતગમતની હરીફાઈઓ સુધી, બાળકો ઘણી મજા અને ગમ્મત થકી ઘણું શીખ્યા છે. એટલું જ નહીં, આ પ્રવૃત્તિઓ દ્વારા સહકાર, સર્જનાત્મકતા, લીડરશીપ, સેવા અને આત્મવિશ્ર્વાસ જેવા ગુણો પણ વિદ્યાર્થીઓમાં કેળવવામાં મદદ કરી છે. શાળામાં વિદ્યાર્થીઓને સમગ્ર વિકાસ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. શાળાના સંચાલકો અને શિક્ષકો વિદ્યાર્થીઓને તેમના સપના સાકાર કરવા માટે તૈયાર કરવા માટે સમર્પિત છે.
શ્રી પંચનાથ અંગ્રેજી માધ્યમ શાળામાં વિદ્યાર્થીઓનો નર્સરીમાં પ્રવેશ થતાં જ ભણતરની સાથે હિન્દુ ધર્મ અને રાષ્ટ્ર ભાવનાના સંસ્કાર સિંચન કરવાનો પંચનાથ સ્કુલના સંચાલકોનો મુખ્ય ઉદ્દેશ છે. આ ઉદેશના ભાગરૂપે શાળામાં ગુરુપૂર્ણિમાના અવસરે બાળકોને તેમની સરળ ભાષામાં ગુરુ વિશેનું મહત્વ સમજાવી અને બાળકોએ મંદિરમાં ગુરુ દતાત્રેય તથા શ્રી રણછોડદાસજી બાપુ વગેરે ગુરુદેવને ફૂલ અર્પણ કરાવીને પૂજા કરી હતી અને તેમના પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.
પંચનાથ સ્કુલ બાળકોને નાનપણથી જ રાષ્ટ્ર ભાવનાના સંસ્કાર સિંચન કરવાનો પ્રયાસ કરી રહી છે જેના ભાગરૂપે 15મી ઓગસ્ટ નિમિત્તે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં વાલીગણ, શાળાના શિક્ષકો, બાળકો તથા અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ સિવાય બાળકોએ કાલીઘેલી અંગ્રેજી ભાષામાં બેનમુન સ્પીચ આપી હતી, તમામ વિદ્યાર્થીઓએ એક સાથે દેશભક્તિનું ગીત ગાયુ હતું તેમજ કસરતના દાવ તેમજ સુંદર નૃત્ય રજૂ કર્યા હતા.
શ્રી પંચનાથ અંગ્રેજી માધ્યમ શાળામાં જન્માષ્ટમી નિમિત્તે સાક્ષાત બાલકૃષ્ણ સ્વરૂપ બાળકોએ મટકી ફોડની ભવ્યાતિભવ્ય ઉજવણી કરી અને રાસ ગરબાની સાથે ભારતીય સંસ્કૃતિને જીવંત રાખી હતી.
પંચનાથ સ્કુલમાં બાળકોને જીમ્નાસ્ટીક, ડાન્સ, વુમન એમ્પાવરમેન્ટ તેમજ કોમ્પ્યુટરથી કૌશલ્યના સર્વાંગી વિકાસ માટે અલગ સમય આપી ધ્યાન આપવામાં આવે છે. જેથી બાળકોમાં આત્મવિશ્ર્વાસ અને દરેક પ્રકારની ક્ષમતા તેમજ સ્વતંત્રતા કેળવાય છે. અહી બાળકોની આંતરિક શક્તિ ખીલી ઉઠે એવી પ્રવૃતિઓ કરાવવામાં આવે છે જેમાં બાળકો પણ આનંદથી ઉત્સાહભેર ભાગ લે છે અને સહકાર આપે છે.
બાળકોને જ્ઞાનની સાથે ગમ્મત પીરસવા અને બહારની દુનિયાથી સભાનતા કેળવવા માટે શ્રી પંચનાથ ઈંગ્લીશ મીડીયમ સ્કુલ દ્વારા ફન વર્લ્ડ પીકનીકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોને શાળાએથી જ બસમાં વ્યવસ્થિત રીતે ફન વર્લ્ડ પહોંચાડી ત્યાં અલગ અલગ રોમાંચક રાઇડનો આનંદ માણીને પીકનીકની મોજ કરાવી હતી અને એક મજેદાર દિવસ પસાર કર્યો હતો.
અહી શિક્ષકો નિષ્ણાત અને સહાયક છે, અને તેઓ વિદ્યાર્થીઓને તેમની ક્ષમતા પ્રમાણે શ્રેષ્ઠ બનવા પ્રેરણા આપે છે. અહી ફક્ત 25 વિદ્યાર્થીઓના પ્રત્યેક ક્લાસમાં શિક્ષિત, તાલિમબદ્ધ અને અનુભવી એવા 2 શિક્ષકો દ્વારા બાળકોને વ્યક્તિગત રીતે માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરવામાં આવે છે અને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપવામાં આવે છે.
અહીં બાળકોને મહિનાની ખૂબ જ નજીવા દરે એટલે કે ટોકન દરે અનુભવી શિક્ષકો દ્વારા અંગ્રેજી માધ્યમનું શિક્ષણ પૂરું પાડવામાં આવે છે અને તે પણ જો વિદ્યાર્થીની 100% હાજરી હોય તો વર્ષના અંતે પરત આપવામાં આવે છે. આવતા વર્ષમાં શ્રી પંચનાથ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં પ્રવેશ મેળવવા માટે એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે જેના ફોર્મ મેળવવા પંચનાથ મંદિરની ઓફીસ ખાતે સંપર્ક કરી શકાશે.