રિદ્ધિસિદ્ધિ ઇન્વેસ્ટમેન્ટના નામે ઓફિસ ખોલી નાણાં ઉઘરાવ્યા હતા: ઈંઙઈ કલમ 420 હેઠળ પણ પાંચ વર્ષની કેદ અને રૂ. 5 હજાર દંડ
જુદા જુદા 5 કેસમાં એક જ આરોપીને 5 વર્ષની જેલ, એક લાખનો દંડ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં રિદ્ધિસિદ્ધિ ઈન્વેસ્ટમેન્ટના નામે ઉંચા વળતર માટે લલચાવી જુદા-જુદા પાંચ થાપણદાર સાથે રૂ.1 કરોડથી વધુ રકમની ઉચાપત કરવાના જીપીઆઇડી એક્ટ હેઠળના ગુનામાં અદાલતે આરોપી પલક પ્રફુલભાઈ કોઠારીને પાંચ કેસમાં પાંચ વર્ષની જેલની સજા અને રૂ.1 લાખથી વધુ રકમનો દંડ કર્યો છે. જીપીઆઇડી એક્ટ હેઠળ સજા થયાનો આ પ્રથમ કિસ્સો છે. આ કેસની વિગત એવી છે કે, રાજકોટના ડો.યાજ્ઞિક રોડ પર માધવ કોમ્પ્લેક્સમાં રિદ્ધિસિદ્ધિ ઇન્વેસ્ટમેન્ટના નામે ઓફિસ ખોલી આ નાણાં સંસ્થામાં રોકાણ કરવાથી પાંચથી છ ટકાનું વળતર મળશે તેવી લાલચ આપી પલક કોઠારીએ દીપક ગોહેલ, કિરણ ગોહેલ, દીપક ટાંક. વિદ્યુત ભૂષણદેવ અને ભરત ગોહેલ નામના રોકાણકારો પાસેથી રૂ.1 કરોડથી વધુની ડિપોઝિટ લીધી હતી. જે બાદ કોઈજાતનું વળતર નહીં મળતા પાંચેય રોકાણકારોએ જીપીઆઈડી અધિનિયમ સેક્શન 3, 4 હેઠળ ફરિયાદ નોંધાવી હતી.
જે કેસ ચાલી જતી સરકારી વકીલ એસ.કે. વોરા તેમજ એજીપી કમલેશ ડોડીયા દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, આરોપી પલક પ્રફુલ કોઠારીએ લેખિત એગ્રીમેન્ટ કરી થાપણદારોને વિશ્વાસમાં લઈને કરોડો રૂપિયાની ઉચાપત કરી છે. કોઈપણ થાપણદારના નામનો એકપણ શેર પલક કોઠારીએ લીધો નથી ત્યારે તે થાપણ તરીકે જ લીધા હોવાનું માનવાનું રહે છે.
જ્યારે સરકારી વકીલની દલીલો ધ્યાનમાં લઇ અદાલતે આરોપી પલક પ્રફુલ કોઠારીને તકસીરવાન ઠરાવી જીપીઆઈડી એક્ટ હેઠળની કલમ મુજબ પાંચ વર્ષની સજા ટકારી હતી અને રૂ.1 લાખથી વધુ દંડનો હુકમ કર્યો હતો. રાજકોટમાં જુદા જુદા પાંચ કેસોમાં એક જ આરોપીને પાંચ પાંચ વર્ષની જેલ તેમજ એક લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તેમજ આઇપીસી કલમ 420 હેઠળ પણ પાંચ વર્ષની કેદ અને રૂ. 5 હજાર દંડનો હુકમ પણ કર્યો છે. સમગ્ર કેસ ડીજીપી એસ.કે વરા તેમજ કમલેશ ડોડીયા દ્વારા ચલાવવામાં આવ્યો હતો તેમજ સહાયક તરીકે એડવોકેટ ઉર્વી આચાર્ય રોકાયા હતા.
વર્ષ 2022માં છેતરપિંડીનો સમગ્ર મામલો પ્રદ્યુમનનગર પોલીસ મથકે પહોંચ્યો હતો
આરોપીએ મૂળ રકમ કે વળતર કંઈ જ પરત નહીં કરી ઉચાપત કરી હતી. આ અંગે વર્ષ 2022માં પ્રદ્યુમનનગર પોલીસ મથકે મામલો પહોંચ્યો હતો. જેમાં પોલીસે ગુજરાત (નાણાકીય સંસ્થાઓમાં) થાપણદારોના હિતરક્ષણ બાબત અધિનિયમ સેકશન 3, 4 હેઠળ ફરિયાદ નોંધાઈ હતી.જે બાદ પ્રદ્યુમનનગર પોલીસ મથકના તત્કાલીન પીએસઆઈ કે.એસ.ભગોરા દ્વારા તપાસના અંતે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.



