અફઘાનિસ્તાનની વિનંતી પર પાકિસ્તાન 48 કલાકના યુદ્ધવિરામ માટે સંમત થયું, અને હવે બોલ કાબુલની કોર્ટમાં છે કે જેથી આ મામલો શાંતિપૂર્ણ રીતે નક્કી થાય.
તાલિબાને પાકિસ્તાનને મુશ્કેલીમાં મૂકી દેતાં વડાપ્રધાન શાહબાઝ શરીફ ધર્મસંકટમાં ફસાયા છે. જે પાકિસ્તાન ભારત સામે રોફ જમાવવાનો નિષ્ફળ પ્રયાસ કરતું હતું, તે હવે અફઘાનિસ્તાન સામે નમતું જોખવાની સ્થિતિમાં આવી ગયું છે. તાલિબાનના સતત હુમલાઓને કારણે શાહબાઝ શરીફ હવે વાતચીત માટે ઉત્સુક છે. આટલું જ નહીં, પાકિસ્તાન પરના હુમલાઓ માટે તેણે ભારતને જવાબદાર ગણાવ્યું છે.
- Advertisement -
48 કલાકના સીઝફાયર પર બંને દેશોની સહમતિ
‘જિયો ન્યૂઝ’ના અહેવાલ મુજબ, વડાપ્રધાન શાહબાઝ શરીફે જણાવ્યું છે કે પાકિસ્તાન તાલિબાન શાસન સાથે યોગ્ય શરતોને આધીન વાતચીત કરવા તૈયાર છે. હાલમાં બંને દેશો 48 કલાકના સીઝફાયર માટે સહમત થયા છે. ગુરુવાર એટલે કે 16 ઑક્ટોબરના રોજ પાક-અફઘાન સરહદ પરના તણાવ પર આયોજિત કેન્દ્રીય કેબિનેટની બેઠકને સંબોધતા શાહબાઝે કહ્યું હતું કે, કાયમી સંઘર્ષ વિરામનો નિર્ણય હવે તાલિબાન શાસન પર નિર્ભર કરે છે.
પાકિસ્તાને અફઘાન હુમલા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું
- Advertisement -
પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝે અફઘાનિસ્તાનના હુમલાઓ માટે ભારતને જવાબદાર ઠેરવ્યું. તેમણે દાવો કર્યો કે ‘તાલિબાન શાસને ભારતના કહેવા પર પાકિસ્તાન પર હુમલા કર્યા છે.’ અહીં નોંધનીય બાબત એ છે કે આ હુમલો એવા સમયે થયો જ્યારે અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તકી ભારતની મુલાકાતે હતા. શાહબાઝે સાથે જ કહ્યું કે, ‘પાકિસ્તાન શાંતિ ઇચ્છે છે. આ હેતુથી, પાકિસ્તાને તેના વિદેશ મંત્રી ઇશાક ડાર અને રક્ષા મંત્રી ખ્વાજા આસિફને કાબુલ મોકલ્યા છે.’
તાલિબાને આપ્યો જડબાતોડ જવાબ
હવાઈ હુમલા બાદ પાકિસ્તાનને અફઘાનિસ્તાન તરફથી જોરદાર વળતો જવાબ મળ્યો. પત્રકાર દાઉદ જુનબિશે હાલમાં જ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી હતી, જે ખૂબ જ ચર્ચામાં રહી. આ તસવીરમાં તાલિબાનના લડવૈયાઓ પાકિસ્તાની સૈનિકની પેન્ટને બંદૂક પર લટકાવીને જીતનો ઉત્સવ મનાવતા જોવા મળ્યા હતા અને તેઓ પોતાની જીતનો દાવો કરી રહ્યા હતા. સાથે જ, એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાની સેના અફઘાનિસ્તાનની સરહદ પરની ચેકપોસ્ટ છોડીને ભાગી ગઈ હતી.
શરીફે જણાવ્યું હતું કે નાયબ વડા પ્રધાન ઇશાક ડાર, સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ અને અન્યો સહિત ઘણા ટોચના અધિકારીઓએ પ્રદેશમાં શાંતિ અને વિકાસ માટેની પાકિસ્તાનની ઇચ્છા વ્યક્ત કરવા વારંવાર કાબુલની મુલાકાત લીધી હતી.