-ઘઉં-આટાના ભાવ આસમાને છતાં તે મેળવવા કલાકો લાઈનમાં ઉભા રહેવાની નોબત
ભયાનક આર્થિક સંકટનો સામનો કરી રહેલુ પાકિસ્તાન ભુખમરાના આરે હોય તેમ મોંઘવારી પરાકાષ્ટાએ પહોંચી છે. ઘઉં, લોટ, વિજળી સહિતની આવશ્યક ચીજોના ધરખમ ભાવથી લોકોને પેટ ભરવાનુ અસહ્ય બનવા લાગ્યુ છે.
- Advertisement -
ઘઉંમાં ધરખમ ભાવની સાથોસાથ ભયંકર અછત સર્જાઈ છે. 23 લાખ ટનની ખાધ સર્જાઈ છે. પાકિસ્તાનના અન્નપ્રધાન તારિક ચીમાએ સંસદમાં જ ઘઉંની મોટી અછતનો સ્વીકાર કર્યો હતો. ઘઉંની ડીમાંડ 23.7 લાખ ટનની સામે સ્ટોક 20.31 લાખ ટન છે અને તેને કારણે લોટ-આટાની મહામારી ઉભી થઈ છે.
પાકિસ્તાનના ખૈબર, સિંધ, બલુચીસ્તાન જેવા ભાગોમાં ઘઉંની અછત એટલી ભયાનક છે કે તે મેળવવા લોકો વચ્ચે મારામારી તથા ભાગદોડના ઘટનાક્રમો સર્જાવા લાગ્યા છે. પાકિસ્તાનમાં નાણાંકીય કટોકટી સર્જાયેલી જ છે. લોટના પેકેટ મેળવવા લોકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહે છે. સાથોસાથ ભાવ પણ વધી રહ્યા છે. આટા મીલના માલિકો તથા વેપારીઓ વચ્ચે પણ ઝપાઝપીના દ્રશ્યો ઉભા થઈ રહ્યા છે.