હવે વૈશ્વિક સંસ્થાઓ પાસેથી નાણાકીય ભંડોળ મેળવી શકશે: પાક. ત્રાસવાદ સામે કાર્યવાહીનું દબાણ હટવાનો ભય
ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં ત્રાસવાદની ‘નિકાસ’ કરી રહેલા પાકિસ્તાનને ચાર વર્ષ બાદ પ્રથમ વખત ફાયનાન્સ એકશન ટાસ્ક ફોર્સના ગ્રે લીસ્ટમાંથી બહાર કરવામાં આવતા ભારતે આકરા પ્રત્યાઘાતમાં જણાવ્યું હતું કે ગ્રે લીસ્ટમાં હોવાના કારણે પાકિસ્તાન પર જે આર્થિક નિયંત્રણ આવી ગયા હતા તે દૂર થતા તે આતંકીઓ સામે નિર્ણાયક કામગીરી કરશે કે કેમ તે અંગે પણ પ્રશ્ર્ન છે.
- Advertisement -
પેરિસમાં મળેલી બેઠકમાં પાકિસ્તાનને ફાયનાન્સીલ ટાસ્ક ફોર્સના ગ્રે લીસ્ટમાંથી બહાર મુકવાનો નિર્ણય લેવાયો હતો. તા.20 અને 21 ઓક્ટોબરના સિંગાપુરમાં જે બેઠક મળી હતી તેમાં આ નિર્ણય લેવાતા હવે પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ, એશિયન ડેવલોપમેન્ટ બેંક, યુરોપીયન બેંકમાંથી નાણાકીય મદદ મળશે.
પાકિસ્તાનના અર્થતંત્રની જે ખરાબ હાલત છે તેમાં તેને રાહત મળશે. ભારતે ગઇકાલે તે અંગે પ્રતિભાવ આપતા કહયું કે ગ્રે લીસ્ટમાંથી બહાર આવ્યા બાદ પાકિસ્તાન આતંકવાદીઓ સામે તેની કાર્યવાહી ચાલુ રાખશે તેવી આશા છે.
ભારતના વિદેશ વિભાગના પ્રવક્તાએ આકરા શબ્દોમાં કહ્યું આ ગ્રે લીસ્ટમાં હોવાના કારણે અત્યાર સુધી પાકિસ્તાનમાં આતંકી સંગઠનો અને તેની સામે જોડાયેલા એકમો સામે દેખાવ પૂરતી પણ કાર્યવાહી થતી હતી. પરંતુ હવે આ પ્રકારના લીસ્ટમાંથી પાકિસ્તાન બહાર નીકળતા તે ત્રાસવાદી સંગઠનો સામે કાર્યવાહી યથાવત રાખશે તેવી આશા છે.