‘ખાસ-ખબર’ ન્યૂઝની ટીમે પદ્મકુંવરબા હૉસ્પિટલમાં કરેલી રીયાલિટી ચેકમાં ચોંકાવનારી બાબત આવી સામે
ઓપીડી વિભાગના પ્રથમ માળે પુરુષના ટોયલેટમાં આવેલી બારીએથી દેશી દારૂની ખાલી કોથળી નાખતા હોવાનો આ રહ્યો પુરાવો…
- Advertisement -
સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ, તંત્ર બેદરકાર હોવાનો વધુ એક પુરાવો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલ, જ્યાં દર્દીઓને સારવાર મળવી જોઇએ, ત્યાં હવે દેશી દારૂની ખાલી કોથળીઓના ‘ઢગલા’ મળી આવ્યા છે! ખાસ ખબર ન્યૂઝની ટીમે કરેલી રીયાલીટી ચેકમાં અનેક ચોંકાવનારી બાબતો સામે આવી છે, જે હોસ્પિટલ તંત્રની બેદરકારીનો વધુ પુરાવો સામે આવ્યો છે. પદ્મકુંવરબા હોસ્પિટલના ઓપીડી વિભાગના પ્રથમ માળે આવેલા પુરુષ ટોયલેટની બારીએથી નિયમિત રીતે દેશી દારૂની ખાલી કોથળીઓ ફેંકાતી હોવાનો પુરાવો ખાસ ખબર ન્યૂઝની ટીમને મળ્યો છે. એટલે હવે સવાલ એ થાય કે આ નશો કરનારા છે કોણ? હોસ્પિટલનો સ્ટાફ કે હોસ્પિટલમાં ઘૂસી આવતા કોઇ આવારા તત્વો? જો હોસ્પિટલ તંત્ર આ બાબતથી અજાણ હોય તો એ સૌથી વધુ ચોંકાવનારી બાબત છે. અને જો જાણી જોઇને પણ આંખ આડા કાન કરતા હોય તો એ હોસ્પિટલના નિષ્ફળ મેનેજમેન્ટની પરાકાષ્ઠા ગણાય. આ પરથી એ પણ સાબિત થાય છે કે હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા માત્ર ‘નામની’ જ રહી ગઇ છે! દર્દીઓની સારવાર માટે બનેલી આ હોસ્પિટલ હવે સુરક્ષા માટે જ ખતરાનો બની રહી છે. સૌથી મોટો સવાલ એ છે કે હોસ્પિટલમાં આટલી મોટી માત્રામાં દેશી દારૂ પહોંચતો કેવી રીતે? શું સુરક્ષા ગાર્ડ પણ આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સામેલ છે? આ પહેલી વાર નહીં! થોડા દિવસ પહેલાં જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવી હતી. એટલે હવે લોકો કહી રહ્યા છે કે રાજકોટની સરકારી હોસ્પિટલો સારવારની જગ્યા નહીં પરંતુ દારૂના અડ્ડા બની રહ્યા છે! દર્દીઓ જ્યાં સ્વસ્થ થવા આવે છે, ત્યાં આવા નશીલા પદાર્થોનું સેવન થવું એ સરકારના સ્વાસ્થ્ય વિભાગ માટે મોટી ચિંતાનો વિષય છે.



