ઈમરજન્સી વોર્ડમાં એ.સી. શોભાના ગાંઠિયા સમાન
પાણી પીવાના પરબથી લઈને વોર્ડમાં જ્યાં નજર પડે ત્યાં ગંદકી: દિવાલ પર ભેજના પોડા જોવા મળ્યા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
હોસ્પિટલ હંમેશાં દર્દીઓનું સ્વાસ્થ્ય સુધારવા માટે હોય છે પરંતુ શહેરની પદ્મકુંવરબા હોસ્પિટલમાં તો જ્યાં નજર પડે ત્યાં ગંદકીના ગંજ જોવા મળી રહ્યા છે. દિવાલ પર ભેજના પોડા, ઢાંકેલી દવા પર પડતું પાણી અને ઈમરજન્સી વોર્ડમાં તમામ એ.સી. શોભાના ગાંઠીયા સમાન છે. અહીં તો એક નહીં પરંતુ અનેક સમસ્યાઓ છે. આ હોસ્પિટલમાં પ્રસુતિ, નવજાત શિશુની સારવાર કરવામાં આવતી હોય છે. અહીં મહીને સરેરાશ 389થી વધુ પ્રસુતિ થાય છે. આમ તો રાજકોટની પદ્મકુંવરબા હોસ્પિટલને ગૌરવપૂર્ણ પ્રથમ સ્થાન મળ્યું છે, પરંતુ માત્ર ચોપડે જ મળ્યું હોય આ પ્રથમ સ્થાન એવું લાગી રહ્યું છે. અહીં જે તસવીરમાં નજરે પડે છે તે હોસ્પિટલ તંત્રની બેદરકારી છે. બાળકો અને માતાના સ્વાસ્થ્ય સાથે રમત કરવામાં આવી રહી છે.
- Advertisement -
હવે વાત કરીએ તો આ હોસ્પિટલમાં પીવાના પાણીની પરબ પાસે જ ગંદકી સાથે અનેક ખાલી બોટલો પડી છે, એટલું જ નહીં પરંતુ વોર્ડમાં અનેક જગ્યાઓ પર દિવાલ પર ભેજ આવતા મોટા પોડા દેખાઈ રહ્યા છે અને આ નબળી દિવાલ ગમે ત્યારે ધરાશાયી પણ થઈ શકે છે એટલું જ નહીં ત્યાં પૂરતી દવાઓ પણ ન મળતા બહાર મેડિકલ સ્ટોરમાંથી દવા લેવા માટે કહેવામાં આવતા દર્દીઓ પણ હેરાન થાય છે. વધુમાં પદ્મકુંવરબા હોસ્પિટલમાં ઢાંકેલી દવા પર ગંદુ પાણી પડી રહ્યું છે, છતની દિવાલોમાં મસમોટા ભૂવા પડ્યા છે. જો આ દિવાલ દર્દી પર પડે તો દર્દીના તો રામ રમી જાય. ઈમરજન્સી વોર્ડમાં એ.સી. તો છે પરંતુ એક પણ એ.સી. ચાલુ નથી. તમામ એ.સી. શોભાના ગાંઠીયા સમાન છે. દર્દીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આટલી બધી ગંદકી હોસ્પિટલના તંત્રને કેમ દેખાતી નથી? અથવા તો દેખાય છે તો આંખ આડા કાન કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.