– ગુજરાતમાં 19 ડેમો સંપૂર્ણપણે છલકાયા
છેલ્લા બે દિવસના સારા વરસાદ બાદ સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું જોર ધીમુ પડયું છે ત્યારે રાજકોટના જળાશયોમાં પાણીની ધીમી આવક થઇ છે. તો રાજયના ડેમોમાં 38 ટકાથી વધુનો જળસંગ્રહ થયો છે.
- Advertisement -
ભાદર ડેમમાં 0.20 ફુટ પાણી આવતા ડેમની સપાટી 17.70 ફુટ, આજી-2માં 0.95 ફુટ પાણી આવતા 16.40 ફુટ, આજી-3માં 1.0ર ફુટ પાણી આવતા 17.10 ફુટ, ન્યારી-1માં 0.16નો વધારો થતા 17.60 ફુટ, છાપરવડીમાં 0.33 ફુટ પાણી આવતા સપાટી 8.70 ફુટ થઇ છે. તો પ્રદ્યુમન પાર્ક, રાંદરડા વિસ્તારમાં જે પાણી વપરાય છે તે લાલપરીમાં 0.16 ફુટ પાણી આવતા સપાટી 11.40 ફુટ થઇ છે.
રાજયના લગભગ તમામ તાલુકાઓમાં શ્રીકાર વર્ષાને પરિણામે રાજ્યમાં આજે સવારે આઠ કલાકની સ્થિતિએ કુલ 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 38.61 ટકા પાણીનાં જથ્થાનો સંગ્રહ થયો છે. ગત વર્ષે આ સમયે 37.16 ટકા સામે આ વર્ષે 44.38 ટકા જળાશયો ભરાયા છે તેમ, સ્ટેટ ફ્લડ ક્ધટ્રોલ સેલે જણાવ્યું છે.
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના 55.17 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. જયારે ગુજરાતના 19 જળાશયો 100 ટકાથી વધુ એટલે સંપૂર્ણ છલકાયા છે. 29 જળાશયોમાં 70 ટકાથી 100 ટકા, 25 જળાશયો 50 થી 70 ટકા તેમજ 54 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે ભરાયા છે.
- Advertisement -
રાજ્યમાં 100 ટકા એટલે કે સંપૂર્ણ છલકાયા હોય તેવા જળાશયોમાં અમરેલી જિલ્લાનું મુંજીયાસર, ધાતરવાડી, વાડિયા, સંક્રોલી, સુરજવાડી, ગીર સોમનાથનું મચ્છુન્દ્રિ, જુનાગઢનું ઉબેન, હસનપુર, મોટા ગુજેરીયા, રાજકોટનું મોજ, સોદવદર, કચ્છનું કંકાવટિ, ગજાનસર, કાલાગોગા અને ડોન, જામગનરનું વઘાડીયા, સપાડા અને રૂપારેલ તેમજ તાપી જિલ્લાના ડોસવાડા જળાશયનો સમાવેશ થાય છે.
આ સિવાય હાલમાં ઉતર ગુજરાતના કુલ 15 જળાશયો 48.72 ટકા, મધ્યગુજરાતના 17 જળાશયો 30.89 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયો 35.39 ટકા, કચ્છના 20 જળાશયો 50.95 ટકા, તેમજ સૌરાષ્ટ્રના કુલ-141 જળાશયોમાં 47.18 ટકા પાણીનો જથ્થો સંગ્રહાયો છે. રાજ્યના દૈનિક 5000થી વધુ કયુસેક પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં 43,076 કયુસેક, દમણગંગામાં 6,872 અને હિરણ-2માં 5,199 કયુસેક પાણીનો સમાવેશ થાય છે.