રાજકોટ કેમિસ્ટ એસોસિએશનનો નવી ઘોડી, નવો દાવ
નવી ટર્મમાં વિવાદિત ચહેરાને પ્રમોશન: ઇમાનદારોને ઠેંગો
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
તાજેતરમાં જ રાજકોટ કેમિસ્ટ એસોસિએશનની ચૂંટણી પૂર્વે 25 સભ્યોની પેનલ બિનહરીફ થતા દવા બજારમાં રાહતની લાગણી ફેલાઇ હતી. જુના કૌભાંડી હોદ્દેદારોને નવી બોડીમાં સ્થાન નહિ અપાય એવી મૌખિક સહમતી બાદ સૌ સારાવાના થશે એવી આશા ઠગારી નીવડી છે. ગત ટર્મમાં મંત્રી પદે રહી વ્યાપક કૌભાંડ થકી એસો.ની આબરૂ અને સભ્યોનો ભરોસો ધૂળમાં રગદોળનાર એસો.ના પૂર્વ મંત્રી અનિમેષ દેસાઈને ગોરખધંધામાં ભાગીદાર હોવાની સાબિતી આપતા હોય એમ ઉપપ્રમુખનો હોદ્દો આપી દેવાતા દવા બજારમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. આગળ જતાં આ વિવાદ વધુ વકરે એવી આશંકા કેમિસ્ટ બજારમાં સેવાઇ રહી છે.
રાજકોટ શહેર કેમિસ્ટ એસોસિએશનની વ્હાઈ કોલર બિઝનેસની આબરૂ કોરોનાકાળમાં અમુક છાપેલા કાટલાઓને કારણે ધૂળમાં મળી ગઈ હતી. દવા, ઇન્જેક્શન સહિતના ભાવ, સ્ટોકમાં નિયંત્રણ કરી મસમોટું કૌભાંડ આચરાયું હતું. નાના મેડીકલધારકોને વ્યાપાર મળ્યો ન હતો અને હોદ્દેદારો સહિતના લોકોએ એક સર્કિટ બનાવીને લોકોને ખુલ્લેઆમ લૂંટયા હતા. રાજકોટ કેમિસ્ટ એસો.ના પૂર્વ અને હાલના પ્રમુખ મયુરસિંહ જાડેજાએ રિટેલર અને હોલસેલરો વચ્ચે સમાધાન બેઠક યોજીને એસો.ને બદનામ કરનાર કલંકિત એવા પૂર્વ મંત્રીને નવી બોડીમાં પડતા મુકવાનું મૌખિક વચન આપ્યું હતું. જો કે, મિત્રતાના દાવે કે ગોરખધંધામાં ભાગબટાઈ મળી હોય કે પછી અન્ય કોઈ કારણોવશાત પૂર્વ મંત્રીને ઉપપ્રમુખ બનાવી દેવાતા સભ્યોમાં તરેહ-તરેહની ચર્ચાએ જોર પકડ્યું છે.
- Advertisement -
કૌભાંડ કરનારને રૂખસતના બદલે ક્યાં કારણોસર શિરપાવ અપાયો છે એ તો સંશોધનનો વિષય છે, પણ નવા હોદ્દેદારોની નિમણુંકમાં કોઈને વિશ્વાસમાં લેવામાં ન આવ્યા હોવાનો કાન ફાડી નાંખે એવો ગણગણાટ શરૂ થયો છે. નવી બોડીમાં માત્ર હોદ્દાઓ બદલવામાં આવ્યા છે. પીઢ અને અનુભવી તથા તરવરિયા યુવાનોની બાદબાકી કરવામાં આવતા આવનારા દિવસોમાં નવા કૌભાંડ શરૂ થવાના જોખમી સંકેતો મળી રહ્યા છે ત્યારે સભ્યોની સર્વ સહમતીથી નવા હોદ્દેદારો નિમાય એવું એસો.ના સભ્યો ઇચ્છી રહ્યા છે.


