રાજુલાના ધાતરવડી ડેમ-2માં રહસ્યમય સંજોગોમાં માછલીઓના મોત, તપાસની માંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
રાજુલા શહેરના બાયપાસ રોડ પર આવેલા ધાતરવડી ડેમ-2 માં અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં જળતળ ઉપર જોવા મળતાં સ્થાનિક લોકો અને જીવદયા પ્રેમીઓમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. કુદરતી સંપત્તિના મહત્વપૂર્ણ સ્ત્રોત ગણાતા આ ડેમમાં માછલીઓના સામૂહિક મોતની ઘટનાથી લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ ડેમ સિંચાઈ વિભાગના નિયંત્રણ હેઠળ આવે છે, પરંતુ આ ઘટના અંગે હજુ સુધી તંત્ર દ્વારા કોઈ સત્તાવાર માહિતી કે નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. સિંચાઈ વિભાગ દ્વારા કયા કારણોસર માછલીઓ મૃત્યુ પામી છે તે અંગે તાત્કાલિક તપાસ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠવા પામી છે. આ ઘટના પાછળનું સાચું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, અને શ્રાવણ માસની પવિત્રતામાં આવી ઘટના આઘાતરૂપ બની છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે તંત્રએ આ ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક નમૂનાઓ મેળવી વિજ્ઞાનલક્ષી તપાસ શરૂ કરવી જોઈએ, જેથી નુકસાનના મૂળ કારણો સામે આવી શકે. આ બાબતે રાજુલાના ભાજપના અગ્રણી અજયસિંહ ગોહિલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, શહેરના બાયપાસ પર આવેલ ધાતરવડી ડેમ-2 માં અસંખ્ય માછલીઓ મૃત હાલતમાં જોવા મળી હતી. મૃત હાલતમાં માછલીઓ જોવા મળતાં શહેરીજનો પણ ચોંકી ઉઠ્યા હતા. ત્યારે આ બાબતે સિંચાઈ વિભાગ સહિત જવાબદાર તંત્ર ગંભીરતા સમજીને કયા કારણોસર માછલીઓ મરી ગયેલ છે તે અંગે તપાસ કરવામાં આવે તેમજ ડેમની સફાઈ કરવામાં આવે તેવી તેમની માંગણી છે.



