20 હજારથી વધુ નાગરિકોના આરોગ્ય સાથે ચેડાં: ખેડૂતોના પાકને નુક્સાન થવાની શક્યતા
અગાઉની ફરિયાદ છતાં GPCB નિષ્ક્રિય: સિંચાઈ વિભાગ હરકતમાં, અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદની કાર્યવાહી
ખાસ-ખબર ન્યૂઝ વિરપુર
- Advertisement -
યાત્રાધામ વિરપુર નજીક સરિયામતી નદી પર આવેલ થોરાળા ડેમમાં અજાણ્યા શખ્સો દ્વારા ટેન્કર મારફતે કેમિકલ યુક્ત પ્રદૂષિત પાણી નાખવામાં આવતા ડેમનું પાણી પ્રદૂષિત થયું છે. આ ડેમમાંથી વિરપુર, પીઠડીયા અને થોરાળા ગામ સહિત આશરે 20 હજારથી વધુ નાગરિકોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે, તેમજ ખેડૂતો સિંચાઈ માટે આ જ પાણીનો ઉપયોગ કરે છે. પ્રદૂષણની આ ઘટનાથી ગ્રામજનો અને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ, પ્રદૂષિત પાણીના કારણે લોકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે અને ખેડૂતોના પાકને પણ નુકસાન થવાની શક્યતા છે. વિરપુર ગામના સરપંચ રમેશભાઈ સરવૈયાએ જણાવ્યું કે, અગાઉ પણ પ્રદૂષણ મામલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(GPCB)ને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી કોઈ અસરકારક પગલાં લેવાયા નથી. પાણીના સેમ્પલ વારંવાર લેવાયા છતાં આજદિન સુધી રિપોર્ટ જાહેર થયો નથી.ઘટનાની જાણ થતા સિંચાઈ વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા. સેક્શન ઓફિસર જે.પી. રાબડીયાએ જણાવ્યું હતું કે ડેમમાં કેમિકલ પદાર્થ નાખવામાં આવ્યો હોવાની પ્રાથમિક પુષ્ટિ થઈ છે. આ અંગે GPCBને જાણ કરવામાં આવી છે તેમજ અજાણ્યા શખ્સો સામે વીરપુર પોલીસમાં ફરિયાદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગ્રામજનો અને ખેડૂતોની સ્પષ્ટ માંગ છે કે પ્રદૂષણ માફિયાઓ સામે કડક પગલાં લેવાય, પાણીનું નિયમિત ચેકિંગ થાય અને ડેમને પુન:પ્રદૂષિત થવાથી બચાવવા માટે કડક સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવામાં આવે.



