રાજકોટ નાગરિક સહકારી બેંક લિ. દ્વારા ‘નાગરિક બેંક આપણી બેંક’ વિષયક મોટિવેશનલ કાર્યક્રમ યોજાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના 73માં સ્થાપના દિન અવસરે ડો. વિશાલ ભાદાણીનું ‘નાગરિક બેંક આપણી બેંક’ વિષયક મોટિવેશનલ વક્તવ્ય યોજાયું હતું અને તેમાં બહોળી સંખ્યામાં નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
બેંકના ચેરમેન દિનેશભાઈ પાઠકે સ્થાપના દિવસની શુભકામના પાઠવતાં જણાવ્યું હતું કે બેંકનો અમૃત મહોત્સવ નજીકના વર્ષોમાં આવી રહ્યો છે. જનવિશ્ર્વાસની આરાધના કરતી આપણી બેંક હિંદુ સંસ્કૃતિનું પાલન કરે છે અને આ આપણી બેંકની વિશેષતા છે. આપણી બેંકનો અમૃત મહોત્સવ પણ કંઈક વિશેષ હશે. આપણે સહુ અત્યારથી જ વિચાર કરીએ કે બેંકના અમૃત મહોત્સવની ઉજવણી કેવી રીતે કરવી જોઈએ? અને આ ઉજવણી એવી હોવી જોઈએ કે શતાબ્દી ઉત્સવ વખતે તેનો ખાસ કરીને ઉલ્લેખ કરવામાં આવે. બેંકિંગની વાત કરીએ તો આપણી બેંક અત્યારે ટોપ પાંચ બેંકોમાં આવીએ છીએ. આપણે એવું શું કરીએ કે ટોપ-ત્રણમાં આવી શકીએ? હવેની હરિફાઈ ઘણી જ કઠિન રહેવાની છે. હજુ વધુ આગળ વધવા માટે આપણો વ્યવહાર ખૂબ જ મહત્ત્વનો છે. ખાતેદાર બેંકમાં આવે ત્યારે તેને મજા આવવી જોઈએ. તેનું કામ થશે અને જો તે ખુશ થશે તો બીજી વખત અવશ્ય આવશે. આ બધું જ સફળતાથી કરવા માટે એક વસ્તુ મહત્ત્વની છે આપણી પોતાની પ્રબળ ઈચ્છાશક્તિ. એક સૂત્ર છે, ‘નાગરિક બેંક આપણી બેંક.’
આપણી બેંક પ્રત્યે આ ભાવ અને વિશ્ર્વાસ મનમાં ઉભો થશે ત્યારે કોઈપણ વસ્તુ આપણને રોકી નહીં શકે. આપણી બેંક એક પરિવાર છે. પરિવાર કોને કહેવાય? પરિવારના સભ્યો એકબીજાની ચિંતા કરતા હોય, હુંફ આપતા હોય, ટેકો બનીને પડખે ઉભા રહેતા હોય ત્યારે પરિવાર બને છે. લોકભારતી યુનિવર્સિટી- સણોસરાના પ્રો. વાઈસ ચાન્સેલર ડો. વિશાલભાઈ ભાદાણીએ વક્તવ્યમાં જણાવ્યું હતું કે એક સૂત્ર કહેવાયું, નાગરિક બેંક આપણી બેંક. સહકાર આપવો એટલે શું? માધ્યમ બનવું, મોટા નહીં. રાજકોટ નાગરિક સહકારી બેંકનો કોઈપણ કર્મચારી પોતાનો પરિચય આપતી વખતે પોતાના નામની પહેલાં એટલું કહે કે હું રાજકોટ નાગરિક સહકારી બેંકનો કર્મચારી છું. આપણે છીએ, એટલે હું છું. વ્યક્તિઓ તો આવે ને જાય. પરંતુ સંસ્થાના મૂલ્યો શિરોમાન્ય હોય. સંસ્થાની વિચારધારાને અગ્રતાક્રમ આપીએ, તેને શિરોમાન્ય મૂલ્ય કહેવાય.
- Advertisement -
જ્યાં સુધી આપણા સહુના મનમાં અન્યને મદદ કરવી એવો ભાવ છે, ત્યાં સુધી વાંધો નથી. જે સંસ્થામાં મદદ માંગી શકાતી હોય ત્યાં પારદર્શી વહિવટ છે તેમ કહેવાય. વિશ્ર્વની પહેલી બેંકમાં જે થાપણ મૂકાઈ હશે તે પૈસાની નહીં વિશ્ર્વાસની હશે. અહીં જનવિશ્ર્વાસની આરાધના સૂત્ર એ જ દર્શાવે છે.
નાગરિક બેંક આપણી બેંક, એવો ભાવ ક્યારે આવે, બેંકના દરેક કર્મચારી કે પદાધિકારી એકબીજાને સર કે મેડમ નહીં, ભાઈ કે બહેન તરીકે સંબોધે. આ બેંકના મૂળમાં ભારતીય દર્શન છે. બેંક જો આ પહેલ કરશે તો નવી કેડી કંડારાશે. આ એક માનવીય સંબંધો છે. આ ત્યારે જ શક્ય બને કે દિલની ડીલ થાય. પરિવાર એટલે જેની ભાષામાં ભાવ હોય, ઓર્ડર નહીં. ભરોસો જ ભવ્યતા છે. હંમેશા મૂલ્યોનું જતન કરવું. જ્યારે આપણે નાના-નાના નિર્ણયો લેવા માટે કર્મચારીને પ્રોત્સાહન આપતાં નથી ત્યારે તે સંસ્થા તે કર્મચારીને પોતાની ક્યાંથી લાગે? સ્વતંત્ર નિર્ણય શક્તિ સાથે જવાબદારી પણ આવે છે. જો આવું હોય ત્યારે સંસ્થા ઉપર કંઈપણ મુસીબત આવે તો બધા જ કર્મચારી તેની સાથે ઉભા રહે છે. નાગરિક બેંક એવી પહેલ કરે કે સામાન્ય લોકોની આર્થિક વ્યવસ્થા જાળવવામાં મદદ કરે. આપણી હરિફાઈ કોઈ સાથે નહીં, પરંતુ મોટા ઉદ્દેશને સાકાર કરવા માટે છે.
બેંકના જનરલ મેનેજર વિનોદકુમાર શર્માએ હાર્દિક આવકાર આપતાં જણાવ્યું હતું કે આપણી બેંકની ઓળખ ‘નાના માણસની મોટી બેંક’ તરીકેની છે. આજના દિવસે આપણને એક તક મળે છે કે બેંક અત્યાર સુધીની યાત્રાને યાદ કરીને આગળની યાત્રા વધુ ને વધુ સરળ અને સફળ કેમ બનાવવી, આપણી સંસ્થા ફકત નાણાકીય વ્યવહાર કરતી સંસ્થા જ નથી પરંતુ વિશ્ર્વાસ અને માનવતાનું એક જીવંત પ્રતિક છે. ફકત 59 સભાસદોથી શરૂ થયેલી આપણી સંસ્થા આજે 3.50 લાખથી પણ વધુ સભાસદોનો વિશાળ પરિવાર ધરાવે છે. અન્ય મોટી સરકારી કે ખાનગી બેંકોની સરખામણીમાં આપણે માનવીય સ્પર્શ વધુ સારો જાળવી શક્યા છીએ. આપણા ખાતેદારને આપણે વધુ સારી રીતે સેવા આપી શકીએ ત્યારે તેને થશે કે આ બેંક બીજા કરતાં અલગ અને વધુ સારી છે. આપણી વાતો ભૂલી શકાય છે, આપણા કાર્યો પણ ભૂલી શકાય છે પરંતુ આપણી વર્તણુંક ક્યારેય પણ ભૂલી શકાતી નથી. આજના હરિફાઈના યુગમાં આ જ આપણી શક્તિ છે. આજના દિવસે આપણે એક નિયમ લઈએ કે સેવા આપણી ઓળખ રહેશે. પ્રામાણિકતા આપણી શક્તિ રહેશે અને સમાજ પ્રત્યેનું સમર્પણ આપણી પરંપરા રહેશે.
આ કાર્યક્રમમાં ડો. વિશાલભાઈ ભાદાણી ઉપરાંત બેંક પરિવારમાંથી દિનેશભાઈ પાઠક (ચેરમેન), જીવણભાઈ પટેલ (વાઈસ ચેરમેન), ડિરેકટરગણમાંથી હસમુખભાઈ ચંદારાણા, વિક્રમસિંહ પરમાર, બ્રિજેશભાઈ મલકાણ, ચિરાગભાઈ રાજકોટીયા, દીપકભાઈ બકરાણીયા, હસમુખભાઈ હીંડોચા, લલિતભાઈ વોરા, કીર્તિદાબેન જાદવ, જ્યોતિબેન ભટ્ટ, શૈલેષભાઈ મકવાણા (કો-ઓપ્ટ), વિનોદકુમાર શર્મા (જનરલ મેનેજર- સીઈઓ), બોર્ડ ઓફ મેનેજમેન્ટમાંથી સતીષજી ઉતેકર (ચેરમેન), કાર્તિકેયભાઈ પારેખ (વાઈસ ચેરમેન), જીમ્મીભાઈ દક્ષીણી, હંસરાજભાઈ ગજેરા, અર્જુનભાઈ શિંગાળા, દીપકભાઈ મકવાણા, રજનીકાંત રાયચુરા (ડી.જી.એમ.), શાખા વિકાસ સમિતિના સદસ્યો, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનો શુભારંભ શ્રી ભારતમાતા અને અરવિંદભાઈ મણીઆરની તસ્વીર સમક્ષ દીપ પ્રાગટ્યથી થયો હતો. આભારદર્શન હંસરાજભાઈ ગજેરાએ કર્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન રજનીકાંત રાયચુરાએ કર્યું હતું.
જનવિશ્ર્વાસની આરાધના કરતી આપણી બેંક હિંદુ સંસ્કૃતિનું પાલન કરે છે: દિનેશભાઈ પાઠક
આપણી સંસ્થા ફક્ત નાણાકીય વ્યવહાર કરતી સંસ્થા નથી, પરંતુ વિશ્ર્વાસ અને માનવતાનું એક જીવંત પ્રતીક છે: વિનોદકુમાર શર્મા



 
                                 
                              
        

 
         
        