પાક.ના સંરક્ષણ મંત્રીએ કહ્યું- અમે અમેરિકાના ઈશારે 30 વર્ષથી આ ગંદુ કામ કરી રહ્યા છીએ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે સ્વીકાર્યું છે કે તેમનો દેશ છેલ્લા 30 વર્ષથી આતંકવાદીઓને ટેકો અને તાલીમ આપી રહ્યો છે. તેમણે કહ્યું કે તેઓ અમેરિકા અને પશ્ર્ચિમી દેશો માટે આ ‘ગંદા કામ’ કરી રહ્યા છે.
ખ્વાજા આસિફે શુક્રવારે બ્રિટિશ અખબાર ધ સ્કાયને આપેલા ઈન્ટરવ્યૂમાં આ વાત કહી હતી. બ્રિટિશ એન્કર યાલ્દા હાકિમે તેમને પૂછ્યું હતું કે શું પાકિસ્તાન આતંકવાદી જૂથોની પ્રવૃત્તિઓ માટે જવાબદાર છે? આ અંગે તેમણે કહ્યું કે વૈશ્ર્વિક શક્તિઓએ પોતાના હિતો માટે પાકિસ્તાનનો ઉપયોગ કર્યો.
ખ્વાજા આસિફે પણ સ્વીકાર્યું કે આતંકવાદીઓને ટેકો આપવો કે તાલીમ આપવી એ એક મોટી ભૂલ હતી. અમે આની સજા ભોગવી રહ્યા છીએ. તેમણે કહ્યું, જો અમે સોવિયેત યુનિયન સામેના યુદ્ધમાં જોડાયા ન હોત અને 9/11ના હુમલા પછી જે પરિસ્થિતિઓ ઊભી થઈ તે ન થઈ હોત, તો પાકિસ્તાનનો રેકોર્ડ બેદાગ હોત.
પાકિસ્તાનના વિદેશ મંત્રીએ આતંકવાદીઓને ‘સ્વતંત્રતા સેનાની’ કહ્યા
પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે પહેલગામ હુમલાના આતંકવાદીઓને ‘સ્વતંત્રતા સેનાની’ કહ્યા છે. ડારે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું- આપણે આભારી રહેવું જોઈએ કે આ પણ સ્વતંત્રતા સેનાનીઓ હોઈ શકે છે. જોકે અમે નથી જાણતા કે તેઓ કોણ છે. મને લાગે છે કે તેઓ પોતાની નિષ્ફળતા અને પોતાના ઘરેલુ રાજકારણ માટે પાકિસ્તાનને દોષી ઠેરવી રહ્યા છે. ઇશાક ડાર પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન પણ છે. તેમણે કહ્યું કે જો ભારત પાસે આ હુમલામાં પાકિસ્તાનની સંડોવણીના કોઈ પુરાવા છે તો તેમણે તેને વિશ્ર્વ સમક્ષ રજૂ કરવા જોઈએ. ડારે કહ્યું કે ભારત વારંવાર પાકિસ્તાન પર આવી ઘટનાઓનો આરોપ લગાવે છે. આ વખતે પણ ભારતે એ જ રમત રમી છે.
- Advertisement -