નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ સ્પર્ધાઓ યોજાશે
વૈશ્ર્વિક કક્ષાએ પ્રતિનિધિત્વ કરી શકે તેવા છાત્રોની પસંદગી કરી જે-તે રમતની તાલીમ અપાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓ ખાતે આશરે 30,000થી વધુ વિધાર્થીઓ અભ્યાસ કરે છે. પ્રાથમિક શાળાઓના પ્રતિભાવંત છાત્રોને રમતગમત ક્ષેત્રે આગળ ધપવા યોગ્ય મંચ મળી રહે અને તેઓ રાજકોટનું ગૌરવ વધારે તેવા આશય સાથે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામ હાથ ધરવામાં આવેલો છે.
આ પ્રોગ્રામ હેઠળ છાત્રોને સીલેકટ કરી જે-તે રમતની તાલીમ આપવામાં આવશે. હાલ, ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામ હેઠળ શાળા કક્ષાએ છાત્ર પસંદગીની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલી છે, તેમ મેયર ડો. પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ. કમિશનર આનંદ પટેલ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમભાઈ પુજારાએ એક સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્ષ સંકુલ ખાતે વૈશ્વિક કક્ષાની રમતગમત સુવિધાઓનું નિર્માણ કરવામાં આવેલ છે. રાજકોટ મહાનગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓના વિધાર્થીઓ પૈકી પોટેન્શિયલ ધરાવતા છાત્રોનું સીલેકશન કરી, એસોસિએશનના કોચીસ દ્વારા તેઓને તાલીમ આપવામાં આવે તો ખુબજ સારા ખેલાડીઓ તૈયાર થઇ શકે તેમ છે.
આ ખેલાડીઓ ભવિષ્યમાં રાજકોટનું રાજય, દેશ તથા વૈશ્વિક કક્ષાએ પ્રતિનિધિત્વ કરે તે સંભવ બનશે.
ટેલેન્ટ હન્ટ પ્રોગ્રામમાં ફુટબોલ, હોકી, બેડમિન્ટન, ક્રિકેટ, એથ્લેટીકસ, સ્વીમીંગ, બાસ્કેટ બોલ, વોલીબોલ જેવી રમતોનો સમાવેશ કરવામાં આવેલ છે. આ 08 સ્પોર્ટસમાં પ્રત્યેક સ્પોર્ટસ દીઠ 40 ખેલાડીઓ (અંડર-10 ભાઇઓ 10 + અંડર-14 ભાઇઓ 10 = કુલ 20 ભાઇઓ તથા અંડર-10 બહેનો 10 + અંડર-14 બહેનો-10 = કુલ 20 બહેનો) સીલેકટ થશે. આમ તમામ 08 સ્પોર્ટસમાં અંડર 10 અને અંડર 14ના કુલ મળીને 320 ખેલાડીઓ
સીલેકટ થશે