શહેરના નામાંકિત અને આંતરરાષ્ટ્રીય કલાકારોની કૃતિઓ બે દિવસ માટે પ્રદર્શિત થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
કલા અને સંસ્કૃતિના વારસાને ઉજાગર કરવાના ઉદ્દેશ્ય સાથે રાજકોટ વિઝ્યુઅલ આર્ટિસ્ટ સોસાયટી દ્વારા શ્રી શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી ખાતે દ્વિ-દિવસીય કલા પ્રદર્શન ’રંગ-2025’ નું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રદર્શન શનિવાર, 20 સપ્ટેમ્બર અને રવિવાર, 21 સપ્ટેમ્બર દરમિયાન સવારે 10 થી રાત્રે 9 વાગ્યા સુધી કલાપ્રેમીઓ માટે ખુલ્લું રહેશે.
આ પ્રદર્શનમાં શહેરના અનેક નામાંકિત તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિપ્રાપ્ત કલાકારોની સાંપ્રત કૃતિઓ રજૂ કરવામાં આવશે. પ્રદર્શિત થનારી કૃતિઓમાં ઓઈલ કલર, વોટર કલર, એક્રેલિક કલર, પેન્સિલ, ઇન્ક અને ડિજિટલ માધ્યમોનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે કલાકારોની બહોળી અનુભવ અને વિવિધ કૌશલ્યને દર્શાવે છે. આ કલાકારોએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સન્માનો પ્રાપ્ત કર્યા છે. આ પ્રદર્શનમાં શહેરના અગ્રણી કલાપ્રેમીઓ અને બુદ્ધિજીવીઓ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહીને કલાકારોને પ્રોત્સાહિત કરશે. રાજકોટ વિઝ્યુઅલ આર્ટિસ્ટ સોસાયટી, જે છેલ્લા દસ વર્ષથી કલાકારોને પ્લેટફોર્મ પૂરું પાડવાનું કાર્ય કરી રહી છે, આ પ્રદર્શન દ્વારા શહેરની કલા અને કલાકારોને એક નવી ઓળખ અપાવવાનો પ્રયાસ કરી રહી છે. સંસ્થાના પ્રમુખ શ્રી સંજય કોરિયા અને ઉપપ્રમુખ શ્રી તુષાર પટેલ દ્વારા શહેરના યુવા કલાકારોને પણ આ પ્રવૃત્તિઓમાં જોડાવા અને રાજકોટનું નામ કલાક્ષેત્રે રોશન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ કલા પ્રદર્શન રાજકોટની કલા સંસ્કૃતિમાં એક નવું પરિમાણ ઉમેરશે અને કલાપ્રેમીઓ માટે એક અદ્ભુત અનુભવ બની રહેશે.
- Advertisement -