સૌરાષ્ટ્ર બોન્સાઈ ક્લબ દ્વારા 4 અને 5 જાન્યુઆરી બે દિવસ કાર્યક્રમ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સૌરાષ્ટ્ર બોન્સાઈ ક્લબ બોન્સાઈ આર્ટ પ્રેમી આર્ટિસ્ટોનો એક નાનો સમૂહ છે. આ કલબ સૌરાષ્ટ્રભરમાં આર્ટનો પ્રચાર અને પ્રસાર કરવા માટે છેલ્લા પાંચ વર્ષથી કાર્યરત છે. ક્લબમાં હાલ કુલ મળીને 400થી વધુ સભ્યો છે અને તે ગુજરાતનું એકમાત્ર આ પ્રકારનું ક્લબ છે. ક્લબ દ્વારા આર્ટના વધુ પ્રચાર અને પ્રસાર અર્થે બોન્સાઈ પ્રદર્શનનું આયોજન થઈ રહ્યું છે. ગયા વર્ષે પણ જાન્યુઆરી-24માં આ પ્રદર્શનનું આયોજન થયું હતું જેને સૌરાષ્ટ્રભરના બોન્સાઈ ચાહકો દ્વારા ખૂબ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો ત્યારે 4-1-2025 અને તા. 5-1-2025ના રોજ બે દિવસીય પ્રદર્શનનું આયોજન રાજકોટના રેસકોર્સમાં સ્વિમિંગ પુલની બાજુમાં ફનસ્ટ્રીટ ખાતે કરવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં જાહેરજનતાને બોન્સાઈ આર્ટની ટેકનિક, પ્રિ-બોન્સાઈ પ્લાન્ટ, બોન્સાઈ ટુલ્સ, બોન્સાઈ માટેના પોટ્સ તેમજ ખાતર ઉપલબ્ધ કરવામાં આવશે. આ કાર્યક્રમ માટે સૌરાષ્ટ્ર બોન્સાઈ ક્લબના ચેતનભાઈ સિંધવ, વિનોદરાય મોઢા અને સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.



