રાજકોટ હિરાસર એરપોર્ટમાં નોકરી કરે છે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શહેરમાં મેઘમાયાનગર તરીકે ઓળખાતા વિસ્તારમાં રહેતી પરિણીતા જોસનાબેન ઉર્ફે જશુબેનના તથા મહેશભાઈના લગ્ન વર્ષ 2000માં થયા હતા ત્યારથી બંને પતિ-પત્ની તરીકે સંબંધો ધરાવે છે અને સદર લગ્નજીવન થકી કોઈ સંતાન પ્રાપ્ત થયેલ નથી. લગ્ન બાદ જોસનાબેન ઉર્ફે જશુબેનને તેમના પતિને ત્યાં લગ્નજીવન વિતાવવા ગયેલા હતા જ્યાં પત્ની તથા પતિના બંનેના રિપોર્ટ કરાવતા પત્નીનો કોઈ દોષ નહીં હોવા છતાં સંતાન નહીં થતાં પતિ તથા તેમના પરિવારજનો અવારનવાર તે બાબતે મેણાંટોણા મારી ત્રાસ આપતાં અને પત્નીને એક દિવસ પહેરેલા કપડે ઘરની બહાર કાઢી મૂકેલી હતી. દરમિયાન સમાધાન બાદ ફરીથી લગ્નસંસાર ચાલુ કરેલો હતો ત્યાર બાદ પણ પતિ તથા તેમના પરિવારજનોના વર્તનમાં કોઈ સુધારો થયેલો નહીં અને અવારનવાર મારકૂટ કરી અત્યાચાર શરૂ કરેલા અને પતિએ પોતાની કમાણીમાં મોજશોખ કરી, અન્ય સ્ત્રીઓ પાછળ ખર્ચ કરતાં અને દેણુ થઈ જતાં પત્ની પાસેથી પિયરેથી પૈસા લઈ આવવા દબાણ કરી મારકૂટ કરી ફરી બીજીવાર પત્નીને કાઢી મુકેલી હતી. અને તેણીના પિયરેથી રકમ લઈ આવવા દબાણ કરતાં જેથી પરિણીતા અરજદાર બની રાજકોટ ફેમિલી કોર્ટમાંથી પતિ પાસેથી ભરણપોષણની રકમની માંગ કરતી અરજી કરેલી હતી.
પરિણીતાના વકીલ અજયસિંહ એમ. ચૌહાણએ વિગતવાર દલીલોને તથા નામદાર ઉચ્ચ અદાલતોએ આપેલા ચૂકાદાઓની વિગતવાર છણાવટ નામદાર અદાલત પાસે કરતાં નામદાર અદાલતે ચૂકાદાઓ ધ્યાને લઈને અરજદારની અરજી મંજૂર કરી પતિએ તેમની પત્નીને માસિક રકમ રૂા. 40,000 અંકે રૂપિયા ચાલીસ હજાર પુરા પતિએ ભરણપોષણ ચૂકવવા તેવો આદેશ પતિને કરેલ છે. અરજી ખર્ચના રૂા. 2,500 અલગથી મંજૂર કરેલા હતા. આ કેસમાં પરિણીતા જોસનાબેન ઉર્ફે જશુબેન મહેશભાઈ સોમેશ્ર્વરા તરફે રાજકોટના લગ્ન વિષયક કાયદાના નિષ્ણાત એડવોકેટસ અજયસિંહ એમ. ચૌહાણ, ડેનિશ જે. મહેતા તથા મદદનીશ તરીકે તુષાર ડી. ભલસોડ રોકાયેલા હતા.