નિર્ણય રદ નહીં થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતભરમાં પોતાની પડતર માંગણીઓને લઈને વીસીઈ કર્મચારીઓ આંદોલન પર ઉતર્યા છે ત્યારે હવે સરકારે આ કર્મીઓની માંગ સ્વીકારવાના બદલે તેમને તાત્કાલિક અસરથી છુટ્ટા કરવાનો આદેશ આપતા હડકંપ મચી જવા પામ્યો છે. હવે જો તાલુકા વિકાસ અધિકારી કડક મિજાજ દાખવીને હડતાળ પર ઉતરેલા એકસાથે 42 જેટલા વીસીઈને છુટ્ટા કરી દેશે તો આગામી 17 ઓક્ટોબરના રોજ મોરબીના વીસીઈ કર્મચારીઓ દ્વારા ઉચ્ચ અને જલદ આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી વીસીઈ કર્મચારી મંડળ દ્વારા ઉચ્ચારવામાં આવી છે.
- Advertisement -
ગ્રામ પંચાયતમાં વિવિધ કામગીરી માટે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવતા મોરબી તાલુકાના વીસીઈ કર્મચારીઓએ ગત 8 સપ્ટેમ્બરથી પોતાની પડતર માંગણીઓને પૂર્ણ કરવા માટે સરકાર સામે બાંયો ચડાવી હતી અને અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા હતા એ વખતે પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. અલબત્ત આજે પણ વીસીઈની હડતાલને પગલે પ્રજા મુશ્કેલીનો સામનો કરી રહી છે ત્યારે હાલમાં સરકાર દ્વારા આ મામલે આકરો નિર્ણય લેવામાં આવ્યો હતો અને મોરબી તાલુકામાં હડતાલ પર ઉતરેલા 42 જેટલા કર્મીઓની તાત્કાલિક અસરથી હકાલપટ્ટી કરીને તેમના સ્થાને નવા વીસીઈ કર્મચારીઓની ભરતી કરવાનો આદેશ તાલુકા વિકાસ અધિકારીને આપવામાં આવ્યો છે. આ આદેશ મળતા જ હડતાળ પર ઉતરેલા વીસીઈ કર્મીઓમાં રોષની લાગણી ફેલાઈ હતી અને તેમના દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા ઘણા સમયથી વીસીઈ કર્મીઓ દ્વારા જે નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે તેને ધ્યાને લેવામાં આવે અને તેમની મૂળભૂત અને પાયાની જરૂરિયાત સમી પડતર માંગણીઓને પણ ધ્યાને લેવામાં આવે તથાં સરકાર દ્વારા તેમને છૂટા કરવાનો જે નિર્ણય લેવામાં આવ્યો છે તેને રદ કરવામાં આવે, જો તેમ નહીં થાય તો આગામી 17 ઓક્ટોબરના રોજ વીસીઈ કર્મીઓ દ્વારા ગાંધીચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી વીસીઈ કર્મીઓએ ઉચ્ચારી હતી.