મોટર એક્સિડન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલનો ઐતિહાસિક ચૂકાદો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
2013ની સાલમાં રાજકોટની દૂધની ડેરી પાસે, અતુલ શક્તિ રિક્ષા નં. જીજે09વાય 723 અને મોટર કાર નં. જીજે11એસ 9171 વચ્ચે અકસ્માત થયેલ હતો. જેમાં મોટર કારનો ઈન્સ્યોરન્સ ન હતો અને તે સમયે અકસ્માતમાં સંડોવાયેલા વાહન અતુલ શક્તિ રિક્ષામાં પેસેન્જર તરીકે બેઠેલા સુરેશભાઈ કરસનભાઈ ચાઉંનું ગંભીર ઈજાઓને કારણે મૃત્યુ પામેલા અને તેમના વારસદારોએ રાજકોટ મોટર એક્સિડન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલમાં ક્લેઈમ કેસ નં. 895-2013થી વળતર મેળવવા માટે ક્લેઈમ કેસ દાખલ કરેલો, જેમાં રૂા. 30,58,616 જે વાર્ષિક 9 ટકા વ્યાજ સાથે રૂા. 55,46,094 ચૂકવવાનો હુકમ નામદાર કોર્ટ દ્વારા કરવામાં આવેલ અને આ રકમ વાહનના કબજેદાર અને માલીક સામે સંયુક્ત અને વિભક્ત રીતે રકમ જમા કરાવવા માટે હુકમ કરવામાં આવેલો છે. ઉપરોક્ત કામમાં ક્લેઈમ કેસના સામાવાળાઓ માલીક તથા કબજેદાર દ્વારા કોર્ટના હુકમ મુજબની રકમ અરજદારને ચૂકવેલ નહીં કે નામદાર કોર્ટમાં જમા કરાવેલ નહીં જેથી ગુજરનારના વારસદારો દ્વારા કોર્ટના હુકમ મુજબની વસૂલી માટે દરખાસ્ત નં. 107-2022થી કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અને જે કામમાં સામાવાળા નં. 1 મીઠાભાઈ પ્રાગજીભાઈ છાયાણી (રહે. જસદણવાળા) હાજર થયેલા અને દરખાસ્તના કામમાં અરજદાર દ્વારા સામાવાળા નં. 1 મીઠાભાઈ પ્રાગજીભાઈ છાયાણીની મીલકત-ખેતીની જમીન ટાંચમાં લેવાની અરજી કરવામાં આવેલી તેમજ તે મિલકત અન્ય કોઈ વ્યક્તિને વેચાણ ન કરી શકે કે કોઈના નામે તબદીલ ન કરી શકે તે અંગે અરજી આપવામાં આવેલી અને આ અરજી સામે મીઠાભાઈ પ્રાગજીભાઈ છાયાણીએ ચાલુ કેસ દરમિયાન પોતાની મિલકત વેચાણ કે ટ્રાન્સફર કરશે નહીં તેવી બાંહેધરી નામદાર કોર્ટ સમક્ષ આપેલી હતી.
- Advertisement -
ઉપરોક્ત પ્રક્રિયા દરમિયાન આ કામના સામાવાળા નં. 1 મીઠાભાઈ છાયાણીએ ગુજરાત હાઈકોર્ટમાં સિવિલ એપ્લીકેશન નં. 01-2023થી રાજકોટ કોર્ટમાં દાખલ થયેલ દરખાસ્ત સામે સ્ટે મેળવવા માટે અરજી કરેલ જેમાં ટ્રાયલ કોર્ટના હુકમ મુજબ રકમ જમા કરાવવાનો નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ કામના સામાવાળા નં. 1ને હુકમ કરેલો હતો, જેનો પાલન આ કામના સામાવાળા નં. 1 દ્વારા કરવામાં આવેલો નહીં અને વધુમાં પોતાની માલીકીની જસદણ મુકામે આવેલી ખેતીની જમીન સર્વે નં. 1270/7 પૈકી 6ની ખેડવાણ જમીન પોતાના પરિવારના નામે તબદીલ કરી પોતાનો હક્ક કાયમી માટે જતો કરેલો આમ મીઠાભાઈ પ્રાગજીભાઈ છાયાણીએ કાવતરુ ઘડીને અને કાયદાની દ્રષ્ટિએ માન્ય નથી તેવુ કૃત્ય કરેલુ અને નામદાર હાઈકોર્ટના નિર્દેશ મુજબ રાજકોટની નામદાર ટ્રીબ્યુનલ સમક્ષ રકમ જમા કરાવવામાં નિષ્ફળ રહીને રાજકોટની માનનીય ટ્રીબ્યુનલને પણ ગેરમાર્ગે દોરેલ હતી. ઉપરોક્ત કામમાં મીઠાભાઈ છાયાણીએ એક વખત કોર્ટમાં પોતાની મીલકત જે તે સ્થિતિમાં રાખશે તેવી બાંહેધરી આપેલ અને ત્યારબાદ મીલકતમાંથી પોતાનો હક્ક જતો કરેલ, તેમજ નામદાર ગુજરાત હાઈકોર્ટના નિર્દેશનું પાલન કરેલ નહીં, રાજકોટ ટ્રીબ્યુનલને ગેરમાર્ગે દોરેલ જેથી અરજદાર રાહુલ સુરેશભાઈ ચાઉં દ્વારા ક્રિમીનલ પ્રોસીજર કોડ 340, 195(1) (બી) તેમજ ભારતીય દંડ સંહિતાની કલમ 206, 207, 120(બી) (વી) મુજબ શિક્ષાપાત્ર ગુન્હાઓ અંગેની ફરિયાદ દાખલ કરવા માટે રાજકોટની માનનીય ટ્રીબ્યુનલને ડીસ્ટ્રીક્ટ કોર્ટના રજિસ્ટ્રારને મીઠાભાઈ છાયાણી સામે ફરિયાદ દાખલ કરાવવા લેખિતમાં રજૂઆત કરેલ.
ઉપરોક્ત ફરિયાદને ધ્યાને લઈ નામદાર ટ્રીબ્યુનલે ખાસ નોંધ લીધેલ કે સામાવાળા નં. 1 મીઠાભાઈ છાયાણીએ પોતે જાણતા હોવા છતાં કે તેમના સામે હુકમ થયેલો છે અને પોતે કોર્ટમાં મીલકત ટ્રાન્સફર નહીં કરે તેવી બાંહેધરી આપેલી છે તેમની મીલકત અંગે નામદાર ટ્રીબ્યુનલ દ્વારા જપ્તી વોરંટ કાઢવામાં આવશે અને ટ્રીબ્યુનલ દ્વારા કલેકટરને ઈસ્યુ કરવામાં આવેલ રીકવરી સર્ટિફીકેટની અમલવારી ન થવા દેવા માટે પોતાની મીલકત ટ્રાન્સફર કરેલ છે અને ગુજરાત હાઈકોર્ટના હુકમ મુજબની રકમ અરજદારોને નહીં ચૂકવી ભારતીય દંડ સંહિતાની કલમ 206, 207, 120 (બી) વી. હેઠળના શિક્ષાપાત્ર ગુન્હાઓ મુજબનો ગુન્હો કરેલ હોવાનું જણાય આવતુ હોય જેથી નામદાર ડીસ્ટ્રીક્ટ કોર્ટના રજિસ્ટ્રારને ક્લેઈમ કેસ નં. 895/2013ના સામાવાળા નં. 1 મીઠાભાઈ છાયાણી વિરુદ્ધ આઈ.પી.સી. કલમ 206, 207, 120(બી) મુજબના ગુનાની ધોરણસરની ફરિયાદ રજિસ્ટર કરાવવી અને તે અંગેનો રીપોર્ટ નામદાર કોર્ટને કરવો. આ કામમાં અરજદાર વતી એડવોકેટ અજય કે. જોષી તથા પ્રદિપ આર. પરમાર રોકાયેલા હતા.