રહેણાંક પ્લોટ પર કોમર્શિયલ બાંધકામ અને તે પણ મંજૂરી વગર ઊભું કરાયું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.14
ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ પર સર્વે નંબર 1163 વળી જમીન પર રહેણાક હેતુસર બીન ખેતી કરી પ્લોટિંગ પાડવામાં આવ્યા હતા અને આ પ્લોટિંગ પડી સમયાંતરે પ્લોટ વેચાણ કરી જમીનના ભાગીદાર મનસુખભાઇ પટેલ દ્વારા પોતાના ભાગના ચાર જેટલા પ્લોટને પાર્ટીપ્લોટ બનાવવા માટે ભાડે આપવામાં આવ્યા હતા. પ્લોટના માલિક મનસુખભાઈ પટેલ દ્વારા પાર્ટીપ્લોટ માટે ચારેય પ્લોટ ભાડે આપ્યા પરંતુ આ પ્લોટ કોઈ જાતનો ખુલાસો કર્યા વગર ભાડે રાખનારને કૂવામાં ઊતરીને વરત વાઢયા હતા એટલે કે પ્લોટ ભાડે આપનારે પાર્ટી પ્લોટની બાંધકામ પૂર્ણ કરી નાખ્યા બાદ આ પ્લોટ રહેણાક હેતુના હોવાનો ખુલાસો થયો હતો. આ અંગે “ખાસ-ખબર” દ્વારા અનેક અહેવાલો પ્રસિધ્ધ થતા અંતે પ્લોટને રહેણાક હેતુમાંથી કોમર્શિયલ હેતુમાં ફેરફાર કરવા માટે દોડધામ પણ શરૂ કરી હતી
- Advertisement -
પરંતુ તે સમયે વળી નવું ગતકડું નિકળ્યું હતું જેમાં મનસુખભાઇ પટેલના પ્લોટની બાજુમાં ક્રમ નંબર 1નો પ્લોટ પર પાર્ટીપ્લોટનું બાંધકામ થયું હોવાનું સામે આવ્યું હતું જે પ્લોટ નિવૃત પીએસઆઇની માલિકીનો હતો. જેથી હવે પાર્ટી પ્લોટમાં મોટાભાગનું બાંધકામ પૂર્ણ થયા બાદ અડધો અડધ બાંધકામ નિવૃત પીએસઆઇના પ્લોટ પર હોવાના લીધે પોતાના પ્લોટમાંથી બાંધકામ હટાવવા નીવૃત પીએસઆઇ દ્વારા જણાવતા તેઓની સાથે પણ બેઠક કરી હતી જોકે બેઠકના અંતે હજુસુધી કોઈ નિર્ણય આવ્યો નથી છતાં બાકી રહેલું બાંધકામ કરવાનું ચાલુ રાખતા માલુમ પડ્યું હતું કે આ રહેણાક પ્લોટમાં કોમર્શિયલ બાંધકામ થયું તે પણ મંજૂરી વગર ઊભું કરાયું છે. જે અંગે ધ્રાંગધ્રા નગરપાલિકાના ચીફ ઓફિસરની ધ્યાને આવતા ટાઉન પ્લાનિંગના અધિકારીને સ્થળ તપાસ કરી કાર્યવાહીના આદેશ આપ્યા છે. ત્યારે હાલ તો રહેણાક હેતુ જમીન પર કોમર્શિયલ બાંધકામ અને એમાંય મંજૂરી વગરનું બાંધકામ હોવાથી આ પાર્ટીપ્લોટનું બાંધકામ જ ગેરકાયદેસર હોવાને લીધે પાલિકા તંત્ર દ્વારા નવનિર્મિત પાર્ટી પ્લોટ પર કેવા પગલા ભરવામાં આવે છે? તે જોવું રહ્યું.