સ્વિગી ઈન્સ્ટામાર્ટમાં ગાંજા ફૂંકવાના રોલ તથા રોલ બનાવવાનાં કાગળો ઉપલબ્ધ
‘ખાસ-ખબર’એ રાજકોટમાં કર્યું અનોખું ઓપરેશન, સ્વિગીએ કાર્યાલય પર નશાનાં માલની ડીલિવરી કરી
- Advertisement -
ગુજરાતમાં હુક્કાબાર ઉપર ભલે પ્રતિબંધ હોય પરંતુ હુક્કાનો સામાન મોટાપાયે વેચાઈ રહ્યો છે. પ્રોહિબીશનના એક્ટ તળે રાજ્યભરમાં નશા સંબંધી દરેક વસ્તુઓના ઉત્પાદન અને વેંચાણની સખત મનાઈ છે પરંતુ રાજકોટમાં નશો કરવા માટેનો જરૂરી સામાન ઓનલાઈન વેંચાઈ રહ્યો છે. દુકાનો-કાફેમાં છાનેખૂણે વેંચાતો હુક્કો અને ગાંજો પીવાનો સામાન હવે ઓનલાઈન ફૂડ સ્વિગી એપમાં ખુલ્લેઆમ વેંચાવા લાગ્યો છે. આજકાલ તો ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ સ્વિગીમાંથી પણ હુક્કો અને ગાંજો ફૂંકવાનો સામાન મિનિટોમાં મગાવી શકાય છે.
‘ખાસ-ખબર’ દ્વારા રાજકોટમાં સ્વિગી દ્વારા પ્રતિબંધિત હુક્કા-ગાંજા પીવાના સામાનની ડિલિવરી કરવામાં આવતી હોવા અંગે સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે. આ સ્ટિંગ ઓપરેશનમાં ઓનલાઈન ફૂડ ડિલિવરી એપ સ્વિગી દ્વારા હાલમાં જ ખાણીપીણી ઉપરાંત અન્ય માલસામાનની ડિલિવરી પણ શરૂ થઈ હોય જેમાં પ્રતિબંધિત હુક્કા-ગાંજા પીવા માટેના જરૂરી સામાનની પણ ડિલિવરી કરવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
સ્વિગીની ફૂડ એપ પર ઈન્સ્ટામાર્ટ ઓપ્શન પર ક્લિક કરતા અલગઅલગ કેટેગરીમાંથી ઓનલાઈન ઘરબેઠા જીવન જરૂરી ચીજવસ્તુઓ ખરીદી શકાય છે, ગમે ત્યાંથી ગમે ત્યારે કઈ પણ મગાવી શકાય છે! સ્વિગીની એપમાં ઈન્સ્ટામાર્ટ પર ક્લિક કરતા ગ્રોસરી એન્ડ કિચેન બાદ દર્શાવેલી સ્નેક્સ એન્ડ ડ્રિંક્સ કેટેગરીમાં ’પાન કોર્નર’નું ઓપ્શન આપેલું છે જેમાં ગાંજો પીવા માટેના પ્રિ રોલ્ડ કોન્સ અને હુક્કાની એસેસરીઝન ઉપલબ્ધ છે!
- Advertisement -
જ્યાં હુક્કાનો માલસામાન વેચવા પ્રતિબંધ છે ત્યાં પણ ઓનલાઈન ફૂડ એપ સ્વિગી દ્વારા હુક્કો પીવાના પાઈપ, હુક્કો સળગાવવાનો કોલ તેમજ ગાંજો ફૂંકવાના રોલની ડિલિવરી કરવામાં આવે છે. આ અત્યંત ચોંકવનારી નહીં પરંતુ ચિંતાજનક બાબત કહી શકાય. કારણ કે, અગાઉ પણ આ પ્રકારની એપના ડિલિવરી બોય દ્વારા ગેરકાયદે નશાકારકપીણાની ડિલિવરી મારફતે યુવાધનને બરબાદ કરાતા હોવાનું કારસ્તાન પ્રકાશમાં આવ્યું હતું ત્યારે હવે સ્વિગી દ્વારા પ્રતિબંધિત હુક્કા-ગાંજાના સામાનની ડિલિવરી ક્યાંથી, કોના દ્વારા મંજૂરી મેળવી કરવામાં આવે છે એ જાણવાની ઉત્સુકતા પાનપાર્લરધારકો તેમજ હુક્કા-ગાંજાના બંધાણીઓ ઉપરાંત ખાસ-ખબરને પણ છે.
સ્વિગીમાંથી કઈ-કઈ વસ્તુઓ ડિલિવરી કરવામાં આવી?
સ્વિગી ફૂડ એપમાં શરૂ થયેલી નવી સર્વિસ ઈન્સ્ટામાર્ટનું હેડક્વાર્ટર શહેરના કસ્તુરબા રોડ પર આવેલું છે જ્યાંથી માત્ર દસ જ મિનિટમાં રૂ. 646 રૂપિયાના હુક્કા ફિલ્ટર પાઈપ, હુક્કો સળગાવવા માટેના કોલ-કોલસો, ગાંજા ફૂંકવા માટેનો તૈયાર રોલ અને રોલ બનાવવા માટેના કાગળ સહિત વગેરે વસ્તુઓની ‘ખાસ-ખબર’ કાર્યાલયે ડિલિવરી કરાઈ હતી.