અમદાવાદમાં પોસ્ટર સળગાવ્યાં-50ની અટકાયત: ઞઙમાં વક્ફ સુધારા બિલને સમર્થન આપનાર નમાજી સાથે મારઝૂડ
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
સંસદ દ્વારા વક્ફ સુધારા બિલ પસાર થવા સામે દેશમાં વિરોધપ્રદર્શનો ચાલી રહ્યાં છે. શુક્રવારની નમાઝ પછી પશ્ર્ચિમ બંગાળ, ગુજરાત, બિહાર, ઝારખંડ, તામિલનાડુ, તેલંગાણા, કર્ણાટક, આસામમાં મુસ્લિમો વિરોધ કરવા માટે રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા. આમાં મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશના તમામ 75 જિલ્લામાં પોલીસ હાઇ એલર્ટ પર છે. ફ્લેગ માર્ચ ચાલુ રહે છે. લખનઉમાં દરગાહ અને મસ્જિદો પર ડ્રોન દ્વારા નજર રાખવામાં આવી રહી છે. યુપી લઘુમતી આયોગના પૂર્વ અધ્યક્ષ અશફાક સૈફીને વક્ફ સુધારા બિલને સમર્થન આપવા બદલ જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી. તેમના સાળાને માર મારવામાં આવ્યો.
- Advertisement -
એ જ સમયે કેરળના મુનામ્બમમાં વક્ફ સાથે જમીન વિવાદમાં સંડોવાયેલા 50 લોકો ભાજપમાં જોડાયા. આ લોકોની મિલકત પર વક્ફ બોર્ડનો દાવો છે. આ લોકો છેલ્લા 6 મહિનાથી વક્ફનો વિરોધ કરી રહ્યા છે. અમદાવાદમાં મુસ્લિમ સમુદાયના સેંકડો લોકો રસ્તાઓ પર એકઠા થયા. તેમનાં પોસ્ટરો અને બેનરો પર લખ્યું હતું- વક્ફ બિલ પાછું લો, યુસીસીનો અસ્વીકાર કરો. લોકોના હાથમાં કાળી પટ્ટી બાંધેલી હતી. ભીડે “સરમુખત્યારશાહી નહીં ચાલે” ના નારા લગાવ્યા. પોલીસે 50 લોકોની અટકાયત કરી.
પશ્ર્ચિમ બંગાળના કોલકાતામાં પાર્ક સર્કસ ક્રોસિંગ ખાતે હજારો લોકો રસ્તાઓ પર એકઠા થયા. અહીં પણ લોકો વક્ફ બિલને નકારવાની માગણી સાથે બેનરો અને પોસ્ટરો લઈને વિરોધ કરી રહ્યા છે. કોલકાતામાં ઘણી જગ્યાએ વિરોધપ્રદર્શન ચાલી રહ્યાં છે. વક્ફ બિલના વિરોધમાં લોકોએ પ્લેકાર્ડ સળગાવ્યાં.
રાંચીમાં પણ હોબાળો ચાલી રહ્યો છે. લોકોએ કહ્યું હતું કે વક્ફ બિલ દેશ માટે યોગ્ય નથી, મુસ્લિમો માટે યોગ્ય નથી. બિહારમાં પણ લોકો બિલનો વિરોધ કરી રહ્યા છે.
ગુરુવારે મોડીરાત્રે રાજ્યસભામાં 12 કલાકથી વધુ સમય સુધી ચાલેલી ચર્ચા બાદ વક્ફ સુધારા બિલ પસાર થયું. બિલના પક્ષમાં 128 અને વિરોધમાં 95 મત પડ્યા. એક દિવસ પહેલાં લોકસભામાં પણ બિલ પર 12 કલાક ચર્ચા થઈ હતી. આ પછી 288 સાંસદે પક્ષમાં મતદાન કર્યું અને 232 સાંસદે વિરોધમાં મતદાન કર્યું.