કાળીનાં કાળાં કારનામા: રાજકોટમાં દેશી દારૂનાં અડ્ડાઓ ફરી ધમધમ્યા
ગુજરાતમાં દારૂબંધી છે તે વાત જાણીતી છે અને દારૂબંધી હોવા છતાં પણ ખુલ્લેઆમ દારુની રેલમછેલ ઉડે છે તે વાત પણ જાણીતી છે. રાજ્યમાં દારૂ પર પ્રતિબંધ હોવા છતાં બૂટલેગરો ખુલ્લેઆમ દારૂ વેચતા હોય તો આવા કિસ્સામાં ઉપરી પોલીસ અધિકારી સુધી સેટિંગ હોય તે બાબત સ્વાભાવિક બની જાય છે. દારૂની હેરાફેરી કરવા દેવાનાં હપ્તા ક્યાં સુધી જતા હશે તે પણ સમજી શકાય છે. વિપક્ષ અને જનતા સતત કહેતી રહે છે કે દારૂબંધી હોવા છતાં દારૂ વેંચાઈ રહ્યો છે તેના પર પ્રતિબંધ લગાવો. પણ સત્તાપક્ષ એવું કહેતો રહે છે કે ક્યાંય દારુ વેંચાતો નથી. જોકે ખાસ-ખબર દ્વારા ખુલ્લેઆમ દેશી દારૂનાં વેંચાણ-ખરીદનું એક સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું છે જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે દારૂબંધીની વાત વાસ્તવિક નથી, રાજકોટમાં ખુલ્લેઆમ જોઈએ તેટલો દેશી દારૂ મળી રહે છે.
‘ખાસ-ખબર’નાં સ્ટિંગ ઓપરેશનમાં દેશી દારૂનાં હાટડાઓનાં ચોંકાવનારા દૃશ્યો કેદ થયાં : સમગ્ર સ્ટિંગનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…
- Advertisement -
મહિલા બૂટલેગર કાળીબેન દેશી દારૂ નો ધંધો કરી રહી છે : પાણીના પાઉચ જેવા પાઉચમાં દેશી દારૂ નું રૂ પિયા 50માં વેંચાણ
આજીડેમ પોલીસ સ્ટેશન વિસ્તારની શરમજનક બાબત
રાજકોટના માર્કેટિંગયાર્ડથી લઈ પ્રદ્યુમનપાર્ક લાલપરી તળાવ પાસે આવેલા ટ્રાન્સપોર્ટ નગરમાં બૂટલેગર કાળીનાં ઘરમાં ખુલ્લેઆમ દારૂ વેંચાઈ-પીવાઈ રહ્યો છે જેના દૃશ્યો ખાસ-ખબરનાં સ્ટિંગ ઓપરેશનમાં જોઈ શકાય છે. આજીડેમ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ટ્રાન્સપોર્ટ નગરમાં ખુલ્લેઆમ દારૂનો બેરોકટોક વેપલો થઈ રહ્યો છે. બૂટલેગર કાળી અને તેનાં દીકરા દ્વારા ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાણ થઈ રહ્યું છે અને લોકો દારૂ ઢીંચતા જોવા મળી રહ્યા છે. આજીડેમ પોલીસ સ્ટેશનની હદમાં આ દારૂની હાટડીઓ ધમધમતી રહી છે છતાં પોલીસ હાથ પર હાથ રાખી બૂટલેગર કાળી પાસેથી હપ્તા વસૂલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ખાસ-ખબર દ્વારા ભૂતકાળમાં અનેક વખત દેશી દારૂના અડ્ડાઓનું સ્ટિંગ ઓપરેશન કરી દેશી દારૂના હાટડા બંધ કરાવવા અને પોલીસને હપ્તા ન ઉઘરાવવા માટેની આક્રમક પહેલ કરી છે. ફરી એકવખત જ્યારે દેશી દારૂના અડ્ડા ધમધમવાનું શરૂ થયું છે ત્યારે ખાસ-ખબર દ્વારા કરવામાં આવેલા આ સ્ટિંગ ઓપરેશન બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ કડક કાર્યવાહી કરી બૂટલેગરો પર તવાઈ બોલાવશે કે કેમ અને બૂટલેગર કાળીનાં દેશી દારૂનો અડ્ડો બંધ કરાવશે કે નહીં એ જોવું રહ્યું.
આજી ડેમ ડી સ્ટાફ મહિલા PSI એમ. ડી. વાળાનો ઉદ્ધત જવાબ
જૂનાં યાર્ડમાંથી પ્રદ્યુમન પાર્ક જતાં રસ્તામાં ચાલતાં આ દેશી દારૂનાં અડ્ડા વિશે ‘ખાસ-ખબર’એ આજી ડેમ પોલીસ સ્ટેશનનાં ડી સ્ટાફનાં મહિલા પીએસઆઈ એમ. ડી. વાળાને ફોન દ્વારા જાણ કરી હતી. જો કે, આ માહિતીથી તેમની કોઈ દુ:ખતી રગ દબાઈ ગઈ હોય તેમ તેમણે કહ્યું હતું કે, ‘…એ અમે જોઈ લેશું!’ આજે ફરી ‘ખાસ-ખબર’એ તેમને ફોન કરતાં તેમણે જણાવ્યું હતું કે, ‘ત્યાં અમે નીલ રેઈડ કરી હતી!’ વાસ્તવિકતા એ છે કે, આજે પણ અહીં ખુલ્લેઆમ દેશી દારૂની દેશી ક્લબ ચાલે જ છે અને તેમાં પોલીસની કૃપાદૃષ્ટિ ન હોય તેવું માનવાને કોઈ કારણ જ નથી.
- Advertisement -
કાળીનાં અડ્ડામાં દેશી દારૂ, બાઈટિંગ, કોલ્ડડ્રિંક્સ, ગ્લાસ સાથે બેસવાની સુવિધા
રાજકોટ માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા ટ્રાન્સપોર્ટ નગરનાં બૂટલેગર કાળીનાં મકાનમાં ખુલ્લેઆમ 50 રૂપિયામાં દેશી દારૂના પાઉચ વહેંચાઈ રહ્યા છે સાથે બાઈટિંગ અને કોલ્ડડ્રિંક્સ પણ વહેંચાઈ રહ્યું છે. જ્યાં દેશી દારૂ વહેંચાઈ રહ્યો છે ત્યાં બેસીને ખાવા-પીવાની સુવિધા પણ આપવામાં આવે છે જાણે કોઈ દેશી બાર હોય તેવા દ્રશ્ર્યો ખાસ-ખબરના સ્ટિંગ ઓપરેશનમાં જોઈ શકાય છે. આ સ્ટિંગ ઓપરેશનમાં એક વ્યક્તિ અને તેની માતા ઘરમાંથી જ પૈસા લઈ દેશી દારૂની થેલીઓ, કોલ્ડડ્રિંક્સ અને બાઈટિંગ આપતો નજરે પડે છે. પાણીના પાઉચ જેવા પાઉચમાં દેશી દારૂ સાથે જોઈતા બાઈટિંગના પડીકાં અને પ્લાસ્ટિકની બોટલમાં કોલ્ડડ્રિંક્સ મળી રહ્યું છે.
આજીડેમ પોલીસ કશું નહીં કરે, ઉચ્ચ અધિકારીઓએ કડક કાર્યવાહી કરવી પડશે
રાજકોટમાં મોટાભાગનાં વિસ્તારોમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. પોલીસ દારૂ પીધેલાઓને પકડે છે, પરંતુ તેનું વેંચાણ કરનારા બૂટલેગરો સુધી પોલીસના હાથ પહોંચતા નથી. કારણ કે, દેશી-વિદેશી દારૂ વેંચતા લોકો પોલીસને હપ્તાઓ આપી ખરીદી લે છે. આજીડેમ પોલીસની રહેમ નજર હેઠળ માર્કેટિંગ યાર્ડ પાસે આવેલા ટ્રાન્સપોર્ટ નગરમાં દારૂના અડ્ડાધારીઓ કેટલાય ઘર બરબાદ કરી રહ્યા છે. ટ્રાન્સપોર્ટ નગરમાં ખુલ્લેઆમ વેંચાતા દેશી દારૂના અડ્ડા વિરુદ્ધ આજીડેમ પોલીસ કશું પગલાં લેશે નહીં, માત્ર હપ્તા જ વસૂલશે તેથી હવે કોઈ ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા આ અંગે ઊંડી તપાસ હાથ ધરવામાં આવે તો દેશી દારૂના અડ્ડાઓ તો બંધ થાય જ એ સાથે ઘણા ઘર-પરિવાર પણ બરબાદ થતા બચી જશે.
મહિલા બૂટલેગર કાળી કરે છે દેશી દારૂનો ધંધો
રાજકોટ માર્કેટિંગ યાર્ડ વિસ્તાર અને આજીડેમ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ટ્રાન્સપોર્ટ નગરમાં કાળી અને સવી નામની મહિલા બૂટલેગર વર્ષોથી દેશ દારૂનો ધંધો કરતી આવી છે. સવી નામની મહિલા બૂટલેગરનું મૃત્યુ થઈ જતા હવે કાળી નામની મહિલા બૂટલેગર પોતાના ઘરમાંથી જ દેશી દારૂનો ધંધો કરે છે અને આ ધંધો ચલાવવા માટે આજીડેમ પોલીસને મોટો હપ્તો પણ ચૂકવે છે.


