SNKના 500થી વધુ વાલીઓ એકઠાં થયા: કિરણ પટેલ સામે મોરચો માંડ્યો
FRCનાં નિયમોની એક..બે..અને ત્રણ.. કરી નાંખતા કિરણ પટેલ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં શિક્ષણ આપવામાં પાછળ ધકેલાતી જતી અને ફી વધારામાં અગ્રેસર રહેતી એસએનકે સ્કૂલ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષથી ફીમાં તોતિંગ વધારો ઝીંકી દીધો છે જેના પગલે વાલીઓમાં ભારે રોષ વ્યાપી ગયો છે. વાલીઓના બજેટને વેરવિખેર કરતા કમરતોડ ફી વધારાના મુદ્દે એસએનકે સ્કૂલના સંચાલક કિરણ પટેલ વિરુદ્ધ વાલીઓનો રોષ બેવડાયો છે. વર્ષ 2023-24થી 78 હજાર જેટલો વધારો કરી દેતા વાલીઓમાં દેકારો બોલી ગયો છે. જેને લઈને રાષ્ટ્રીય શાળા ખાતે 500થી વધુ વાલીઓએ એકઠા થઈને આગામી રણનીતિ ઘડવા માટેની ચર્ચા કરી હતી અને જો એસએનકે સ્કૂલના કિરણ પટેલ અસહ્ય ફી વધારાનો નિર્ણય પાછો નહીં ખેંચે તો સામે પક્ષે વાલીઓએ પણ સામૂહિક લિવિંગ સર્ટીફિકેટ પાછા ખેંચી લેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
કિરણ પટેલને ગમે તેમ કરીને પણ કમાઈ જ લેવું છે
શિક્ષણ એ સેવાનું ક્ષેત્ર છે પણ એસએનકે સ્કૂલના કિરણ પટેલે શિક્ષણને ધંધાનું ક્ષેત્ર બનાવી દીધું છે. એસએનકે સ્કૂલનું મસમોટું બ્રાન્ડિંગ કરી મનફાવે તેવી ફી ઉઘરાવી કિરણ પટેલે આ સેવાના ક્ષેત્રને કલંકિત કરી મૂક્યું છે. અનેક ધંધાઓ સાથે સંકળાયેલા કિરણ પટેલ ખુદને શિક્ષણ ક્ષેત્રના એવા સર્વેસર્વા સમજે કે તેમને એફઆરસીના નિયમો અને શિક્ષણાધિકારીના ઠરાવ તો ઠીક વાલીઓની પરિસ્થિતિ પણ અસરકર્તા નથી. ભૂગર્ભમાં ભરાયેલા રહેતા કિરણ પટેલે તમામ હદ વટાવી એસએનકેને સારું એજ્યુકેશન આપવાની જગ્યાએ મસમોટી ઈન્કમ કરવાનું સાધન બનાવી દીધું છે.
વધતી મોંઘવારી વચ્ચે ફી વધારો વાલીઓ માટે મરણતોલ ફટકો
- Advertisement -
જો ફી વધારો પાછો નહીં ખેંચાય તો સામૂહિક લિવિંગ સર્ટી પાછા ખેંચી લેવાની વાલીઓની ચીમકી
આવતીકાલે તા.19મીને રવિવારના રોજ એસએનકે સ્કૂલના મેનેજમેન્ટ સાથે વાલીઓની બેઠક યોજાશે. જેમાં વાલીઓ શાળા મેનેજમેન્ટને ફી વધારો પાછો ખેંચી લેવા રજૂઆત કરશે જો સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા ફી વધારો પરત નહીં લેવામાં આવે તો 500 જેટલા વાલીઓ પોતાના બાળકોના લિવિંગ સર્ટીફીકેટ સામૂહિક રીતે પરત લઈ લેશે અને ઉચ્ચકક્ષા સુધી આ અંગેની રજૂઆત પણ કરશે. એસએનકે સ્કૂલના વાલીઓની મળેલી મિટિંગમાં વ્યથા ઠાલવવામાં આવી હતી કે અત્યારે મધ્યમવર્ગીય માનવીઓ મોંઘવારીમાં પિસાઈ રહ્યા છીએ, નોટબંધીની કળ હજી માંડ વળી હતી ત્યાં કોરોના ત્રાટક્યો, વેપાર-ધંધા ઠપ્પ થઈ જતા આર્થિક સ્થિતિ ડામાડોળ થઈ ગઈ છે. વધતી જતી મોંઘવારી વચ્ચે એસએનકે સ્કૂલ દ્વારા 78 હજાર સુધીનો ફી વધારો ઝીંકી દેવાતા પડ્યા પર પાટુ સમાન ડામ આવ્યો છે જેથી આ ફી વધારો પરત નહીં ખેંચવામાં આવે તો સામૂહિક રીતે 500 વાલીઓ પોતાના બાળકોના લીવીંગ સર્ટીફીકેટ પરત લઈ લેશે.
બાલમંદિરની ફી 1.40 લાખ હતી જે વધારીને 2.13 લાખ કરી દેવાઈ!
એસએનકે સ્કૂલના સંચાલકોએ વાલીઓને ચાર પાનાની પીડીએફ ફાઈલમાં ફીનો ચાર્ટ પણ આપ્યો હતો. જેમાં ફીમાં 78 હજાર સુધીનો વધારો કરવામાં આવ્યો છે અને 2023-24ના નર્સરીથી ધોરણ 5 સુધીમાં 2.13 લાખ સુધી કરવામાં આવી છે. જેનાથી વાલીઓમાં દેકારો મચી જવા પામ્યો છે. જ્યારે નર્સરીમાં અગાઉ ફી 1.34 લાખ હતી તેમાં વધારો કરી હવે 1.87 લાખ અને બાલમંદિરમાં 1.40 લાખ હતાં તેમાં વધારો કરી 2.13 લાખ સુધી ફી કરી નાખવામાં આવી છે.
જિલ્લા શિક્ષણાધિકારી કૈલાએ હાથ ઊંચા કરી દીધા
જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ એસએનકે સ્કૂલના ફી વધારા મુદ્દે કહ્યું હતું કે, એફઆરસી દ્વારા ફી વધારો મંજૂર કરાયો હોય તો તે વસૂલી શકે પરંતુ તેના કરતા વધુ ફી વસૂલે તો ફી નિર્ધારણ કમિટીની કલમ મુજબ કાર્યવાહી થાય તો અમારી પાસે પગલાં લેવાની સત્તા નથી. જ્યારે એફઆરસીએ એવું કહ્યું કે, અમને વાલીઓની કોઈ ફરિયાદ મળી નથી.