ધર્મયાત્રામાં દર્શનીય, આકર્ષક, વિવિધ સંદેશ પાઠવતા ફ્લોટ્સ જોડાશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
આગામી તા. 10ના રોજ જૈનમ્ના સંકલન દ્વારા રાજકોટનો સમસ્ત જૈન સમાજ ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરવા જઈ રહ્યો છે ત્યારે આ ઉજવણીના ભાગરૂપે રાજકોટના સ્થાનકવાસી, દેરાવાસી, શ્રીમદ્ રાજચંદ્ર ટ્રસ્ટ તેમજ દિગંબર શ્રીસંઘો તથા જૈન સાથી સંસ્થાઓનાં આ ઉજવણીમાં જોડાવવાની છે ત્યારે જન્મ ક્લ્યાણકના દિવસે આયોજિત ધર્મયાત્રામાં વિવિધ પ્રકારના સંદેશાઓ પાઠવતા ફલોટ્સ આ વખતે નિહાળવા મળશે. આશરે 25 જેટલા ફ્લોટ અત્યારથી જ નક્કી થઈ ચૂક્યા છે.
- Advertisement -
જૈનમ્ના સંકલન થકી સમસ્ત જૈન સમાજ દ્વારા આયોજિત ધર્મયાત્રામાં આ વખતે 25 ફ્લોટ્સ જોડાવવાના છે જે અંગે કોર કમિટી મેમ્બર અમિતભાઈ દોશીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે આ વખતે ભગવાન સ્વામી ઉપર દેવો દ્વારા મેરુ પર્વત જન્મ અભિષેક, ભગવાનનો દિક્ષા મહોત્સવ, ભગવાન મહાવીર સ્વામી મલ્ટી સુપર સ્પેશ્યાલિસ્ટ ચિકિત્સક, ભગવાન મહાવીરના કલ્યાણકો જેવા અનેકવિધ વિષયો ઉપર આધારિત ફ્લોટ જે ખરેખર જોવાલાયક અને દર્શનીય બની રહેશે.
છેલ્લા ત્રણ વર્ષથી આયોજિત ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધાનું તથા ઓપન રાજકોટ ચિત્ર સ્પર્ધાનું આયોજન પણ આ વર્ષે કરવામાં આવ્યું છે. આગામી તા. 5-4 ને શનિવારના રોજ શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાન મંદિર, આકાશવાણી સામે, રેસકોર્સ પાસે, રાજકોટ ખાતે જુનિયર અને સિનિયર કેટેગરીમાં ભગવાન મહાવીરના જીવન પ્રસંગોને અનુરૂપ વિષય ઉપર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાગ લેવા માટે ફેનીલ મહેતા 9033722482, ચંદ્રેશ મહેતા 9825478446, ધર્મેશ બખાઈ 9376188127નો સંપર્ક કરી શકાશે. વિશેષરૂપે શ્રી વિરાણી બહેરા મુંગા શાળાના આશરે 20થી પણ વધારે બાળકો આ સ્પર્ધામાં ભાવભેર જોડાવાના છે. જેમાં ગ્રુપ એમાં 5થી 10, ગ્રુપ બી 10થી 15 વર્ષ અને ગ્રુપ સી 16થી વધુની ઉંમરના સ્પર્ધકો ભાગ લઈ શકશે. આ સ્પર્ધાને સફળ બનાવવા માટે કમિટીના સભ્ય સર્વે જુગલભાઈ દોશી, દિલીપભાઈ મહેતા, ઉમંગભાઈ ગોસલીયા, ફેનીલભાઈ મહેતા, કેતનભાઈ કોઠારી, રાકેશભાઈ શાહ, ચંદ્રેશભાઈ મહેતા, નિલેશભાઈ દોશી, ધર્મેશભાઈ બખાઈ, દિવ્યેશભાઈ ગાંધી, કોમલબેન મહેતા, પારસભાઈ શેઠ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.
ફ્લોટ સુશોભન, ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધા અને ઓપન રાજકોટ ચિત્ર સ્પર્ધા અંગે માહિતી પૂરી પાડવા ‘ખાસ-ખબર’ની મુલાકાતે જૈનમ પરિવારમાંથી જુગલ દોશી, ઉદય ગાંધી, કેતન કોઠારી, જીનેશ મહેતા, ધર્મેશ બખાઈ, ચંદ્રેશ મહેતા, પારસ શેઠ વિગેરે હાજર રહ્યા હતા.