જૈન સમાજની નવી પેઢીને ધર્મ સાથે જોડતી કડીનું કામ પરિવારની મહિલાઓએ કરવાનું છે: ટીમ જૈનમ્ મહિલા સભ્યો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
છેલ્લા અનેક વર્ષોથી રાજકોટનો સમસ્ત જૈન સમાજ જૈનમ્ના સથવારે ભગવાન શ્રી મહાવીર સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવ ખૂબ રંગેચંગે ઉજવે છે ત્યારે આ મહોત્સવ અંતર્ગત અનેકવિધ કાર્યક્રમની હારમાળા સર્જાવાની છે. ટીમ જૈનમ્ના મહિલા સભ્યોએ તમામ સમાજના લોકો તથા ખાસ જૈન સમાજના પરિવારોને વિવિધ ઉજવણીમાં જોડાવવા માટે હાકલ કરી છે. સમાજની નવી યુવા પેઢી ધર્મથી દૂર થતી જાય છે તેવા વાતાવરણ વચ્ચે નવી પેઢીને ધર્મની સમજ આપી આપણા સિદ્ધાંતો અને ધર્મ સાથે તેમને જોડતી મહત્ત્વની કડીનું કામ જૈન સમાજના પરિવારના મહિલા સભ્યોએ કરવાનું રહેશે. વિશેષમાં આ અંગે ટીમ જૈનમ્ના મહિલા સભ્યોએ જણાવ્યું હતું કે મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આગામી તા. 5-4-2025 ને શનિવારના રોજ ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધા અને તા. 6-4-2025 ને રવિવારના રોજ ઓપન રાજકોટ ચિત્ર સ્પર્ધા યોજાવાની છે. તેમાં જૈનેત્તરો પણ ખૂબ બહોળી સંખ્યામાં જોડાતા હોય છે ત્યારે જૈન સમાજના સભ્યો તરીકે મહિલાઓએ પોતે અને પરિવારના બાળકો, યુવાનો એમ તમામ લોકોને અવશ્ય જોડવા જોઈએ. આ સ્પર્ધામાં જોડાનાર તમામ સ્પર્ધકોને રોકડ પુરસ્કાર તથા સર્ટિફીકેટ આપવામાં આવશે. આ ઉપરાંત વિજેતાઓનું બહુમાન કરી વિશેષ ઈનામો આપવામાં આવનાર છે.
આ બંને સ્પર્ધામાં બનેલા રંગોળી અને ચિત્રોને તા. 6થી તા. 9 એપ્રિલ સુધી દરરોજ સાંજે 5થી રાત્રે 10-00 તમામ લોકો નિહાળી શકે તે માટે એક જાહેર પ્રદર્શનીના સ્વરૂપે પ્રદર્શિત કરવામાં આવશે. આ ઉપરાંત બાળકોની અતિપ્રિય એવી વેશભુષા સ્પર્ધા કે જેમાં બાળકો ભગવાન મહાવીરના જીવન પ્રસંગોને અનુરૂપ પાત્રો બનીને ભાગ લેતાં હોય છે તે પણ યોજાવાની છે. આ સાથે મહાવીર ભગવાન સ્વામીના બાળ સ્વરૂપને લાડ લડાવવાનો અનેરો અવસર એવો વિર પ્રભુનું પારણું નામક વિશેષ આકર્ષણ જોડાવવાનું છે. ભુપેન્દ્ર રોડ પર તા. 9 એપ્રિલના રોજ ખુલ્લુ મૂકાનાર આ આકર્ષણ જેમાં દર્શનાર્થીઓ ભગવાન મહાવીરના ચાંદીના પારણામાં બિરાજમાન બાળ સ્વરૂપને ઝૂલે ઝૂલાવવાનો અનેરો લ્હાવો લઈ શકશે.
આગામી તા. 10 એપ્રિલના રોજ મહાવીર સ્વામી જન્મ કલ્યાણકના પાવન દિવસે અનેકવિધ દર્શનીય ફ્લોટ જોડાવવાના છે ત્યારે આ ઉપરાંત કળશધારી બહેનોથી શોભતા ધર્મયાત્રા રાજકોટના વિવિધ રાજમાર્ગો પર વિહરવાની છે. ધર્મયાત્રાના રૂટ ઉપર ઠેર ઠેર બાળકો ધર્મયાત્રાના વધામણાં કરશે. ધર્મયાત્રા બાદ ધર્મસભા કે જેમાં સાધુ-સાધ્વીજી ભગવંતો પોતાના આશિષ પાઠવશે. રાજકોટના તમામ સમસ્ત જૈન સમાજના આ મહોત્સવમાં જોડાવવા નિમંત્રણ પાઠવેલું છે. આજરોજ મહત્ત્વની માહિતી આપવા માટે ‘ખાસ-ખબર’ની મુલાકાતે દિપ્તીબેન જીતેન્દ્રભાઈ કોઠારી, ઝરણાબેન વિભાશભાઈ શેઠ, કવિતાબેન પારસભાઈ શાહ, શિતલબેન અમીષભાઈ દેસાઈ, જાગૃતિબેન જીતુભાઈ લાખાણી, લીનાબેન અશોકભાઈ વોરા, શ્રદ્ધાબેન નિપુણભાઈ દોશી, કોમલબેન બાવીસી, તોરલબેન મહેતા, કોમલબેન વોરા, કવિતાબેન પારસભાઈ શેઠ તથા કોમલબેન મહેતા જોડાયા હતા.