દિનદહાડે થતી સફેદ માટીની ચોરી અને ઓવરલોડ ડમ્પર સામે કાર્યવાહીની માંગ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.7
મૂળી પંથકના અનેક વિસ્તારોમાં સફેદ માટીનું ખનન થઈ રહ્યું છે. જેમાં સરલા, સરા, દુધઈ, કરમાદ સહિતના ગામની સીમ વિસ્તારમાં ગૌચર અને સરકારી જમીનો પર ચાલતા હિટાચી મશીન દિન દહાડે જોવા મળે છે ત્યારે સરા ગામે ડેમ વિસ્તારમાં પણ સફેદ માટીનું ખનન છેલ્લા કેટલાય સમયથી નજરે પડે છે. ડેમમાં હિટાચી મશીન વડે સફેદ માટીનું ગેરકાયદે ખોદકામ કરી ડમ્ફર થકી મોરબી તરફ લઈ જવામાં આવે છે આ સફેદ માટીના ખનન નો ખેલ દિનદહાડે ચાલતો હોવા છતાં સ્થાનિક તંત્ર કાર્યવાહી કરવામાં રસ નહીં હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ સાથે સરા ગામે ડેમમાંથી ગેરકાયદે ખનન કરેલ સફેદ મટીને ઓવરલોડ ડમ્ફરમાં ભરીને મોરબી તરફ લઈ જતા સમયે પણ સ્થાનિક તંત્ર ખનિજ ભરેલા આ વાહનને રોકવા તસ્દી લેતું નથી. સ્થાનિકો જણાવે છે કે છેલ્લા કેટલાય સમયથી ચાલતા સફેદ માટીના ગેરકાયદે ખનન સામે અનેક રજૂઆતો કરી છે પરંતુ સ્થાનિક પોલીસથી માંડીને મામલતદાર સુધીના અધિકારીઓ ધ્યાન આપતા નથી જેના લીધે ધમધોકાર ખનન ચાલી રહ્યું છે. સફેદ માટીના ખનનને લીધે ડેમમાં વરસાદી પાણીનો સંગ્રહ થઈ શકતો નથી અને ભવિષ્યમાં ડેમ માત્ર કહેવા પૂરતો જ સીમિત રહી જાય તેવી સ્થિતિ ઉદ્ભવ રહી તેમ છે તે પૂર્વે સ્થાનિક તંત્ર આ ગેરકાયદેસર સફેદ માટીના ખનનને અટકાવી કાર્યવાહી કરે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરાઈ છે



