RBL બેંકનું ક્રેડિટ કાર્ડ વાપરતાં પહેલાં ચેતી જજો!
મનીષ ભાયાણી નામનાં ઉપભોક્તાને થયો કડવો અનુભવ: બાકી રકમનાં ઊખઈં ધરાહાર નથી કરી આપતાં અને પરાણે વ્યાજ પડાવે છે!
- Advertisement -
બેઉ લુખ્ખેશો ધમકી આપે છે: ‘તારે જ્યાં જવું હોય ત્યાં જા, પોલીસમાં જઈશ તો પણ કોઈ અમારું કશું ઉખાડી નહીં શકે!’
વ્યાજખોરો વિરૂદ્ધની ઝુંબેશની જેમ રિકવરી રાક્ષસો સામે પણ રાજ્યવ્યાપી કડક કાર્યવાહી જરૂરી
રાષ્ટ્રીય અને સ્થાનિક બેંકમાંથી લીધેલી લોન અથવા ક્રેડિટ કાર્ડ બિલની ચૂકવણી ન કરવામાં આવે ત્યારે બેંક દ્વારા રિકવરી એજન્સીને બાકી નાણાંની વસૂલીની કામગીરી સોંપવામાં આવે છે. બેંકના બાકી પૈસા ઉઘરાવવા રિકવરી એજન્ટ દ્વારા ગ્રાહક સાથે ગેરવર્તણૂક કરવામાં આવ્યા હોવાના અનેક અલગ-અલગ કિસ્સાઓ વારંવાર જાણવા મળે છે. રિકવરી એજન્ટો કેટલીકવાર લોનની ચૂકવણી ન કરવાના કિસ્સામાં ગ્રાહકોને ધમકી આપી ગાળાગાળી કરે છે અને હેરાન-પરેશાન કરી મૂકે કરે છે. હાલ આવો જ એક કિસ્સો રાજકોટમાં સામે આવ્યો છે.
- Advertisement -
રાજકોટમાં મનિષ ભાયાણી નામના વેપારીએ આરબીએલ કંપનીનું ક્રેડિટ કાર્ડ લીધું હતું અને દર મહિને સમયસર ક્રેડિટ કાર્ડના બાકી પૈસાની ચૂકવણી કરતા આવ્યા હતા. ત્યારબાદ જ્યારે તેઓ ક્રેડિટ કાર્ડ બિલના પૈસાની ચૂકવણી ન કરી શક્યા ત્યારે તેમનો આરબીએલ કંપનીની રિકવરી એજન્સી જે.એમ. એન્ટરપ્રાઈઝના મયુરસિંહ અને સંજયસિંહએ સંપર્ક કર્યો. મનિષ ભાયાણીએ મયુરસિંહ અને સંજયસિંહના કહેવા મુજબ ક્રેડિટ કાર્ડની બાકી રકમનું વ્યાજ ભરવા લાગ્યું. થોડા મહિના બધું બરાબર ચાલ્યું પણ જ્યારે મનિષ ભાયાણીએ આરબીએલ બેંકની રિકવરી એજન્સી જે.એમ. એન્ટરપ્રાઈઝના મયુરસિંહ અને સંજયસિંહને બાકી રકમના ઈએમઆઈ કરી આપવા કહ્યું ત્યારે તેમને ગાળો સાથે ધાકધમકી મળી. આ મામલે મનિષ ભાયાણીએ જે.એમ. એન્ટરપ્રાઈઝના મયુરસિંહ અને સંજયસિંહ વિરુદ્ધ રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં એક અરજી કરી છે જેમાં જણાવ્યું છે કે, આરબીએલ ક્રેડીટ કાર્ડમાં મારૂં આઉટસ્ટેન્ડીંગ અમાઉન્ટ 80-90 હજાર છે જેનું દર મહીને મિનીમમ ચાર્જ ભરૂં છું તથા દર મહીને જે.એમ. એન્ટરપ્રાઈઝના મયુરસિંહ તથા સંજયસિંહ મારૂ કાર્ડ ફેરવીને તેનો ચાર્જ વસૂલીને પેમેન્ટ કરાવતા હતા લગભગ 8-10 મહીનાથી. પરંતુ એ ચાર્જ માત્ર વ્યાજ અને પેનલ્ટીમાં જ જતો હતો તેથી મેં સંજયસિંહને રીકવેસ્ટ કરેલી કે આ કાર્ડમાં મને ઈએમઆઈ કરી આપે તો વ્યાજના ચક્રમાંથી છૂટકારો મળે અને ઈએમઆઈમાં ધીમે ધીમે કાર્ડના નાણાં ચૂકવી શકું. 5-6 મહિનાથી રીકવેસ્ટ કરવા છતાં તેઓ ઈએમઆઈ કરી દેતા ન હતા. મારૂં કાર્ડ પણ ઘણાં સમયથી સંજયસિંહ પાસે જ છે. ગયા મહિને વધુ રીકવેસ્ટ કરવાથી મને કહ્યું કે આ મહીનેથી ઈએમઆઈ થઈ જશે, પરંતુ ઈએમઆઈ કરે તો તેમને દર મહીને મળતા રૂપિયા બંધ થઈ જાય એટલા માટે તે લોકો ઈએમઆઈ કરી દેતાં ન હતાં.
આજરોજ એમની એજન્સીના એક માણસનો મને કોલ આવ્યો અને આરબીએલ કાર્ડનાં પૈસા ભરવાનું કહેલું. મેં તેમને કહ્યું કે મને ઈએમઆઈની વાત થઈ હતી એ પ્રમાણે કરી આપે તો મારે માટે સરળ હપ્તે પૈસા પૂરા થાય. હું અત્યારે આર્થિક રીતે ખૂબ જ ભીંસમાં હોવાથી મેં રિકવેસ્ટ કરેલી પરંતુ એજન્સીના માણસે કહ્યું કે હું મયુરસિંહને કોન્ફરન્સમાં લઉં છું. ત્યાર પછી મયુરસિંહએ મને મા-બેનની ગાળો ભાંડીને જયાં હોય ત્યાંથી ઉપાડી લેવાની ધમકી આપેલી છે. મયુરસિંહે તેના માણસને ફરમાન આપ્યું કે આને ઉપાડી લઈને મારી પાસે હાજર કર, જેમફાવે તેમ ધમકી આપી છે. ત્યારબાદ સંજયસિંહનો ફોન આવેલો. એમણે પણ મનફાવે તેમ ધમકી આપતાં કહ્યું કે તારે પોલીસ પાસે જ જવાનું છે ને, તું તારે જા, અમે જોઈ લઈશું. બીજી વાત, એક મહીના પહેલાં પણ મયુરસિંહે મને ગાળો આપેલી, પરંતુ ત્યારે સંજયસિંહએ કહેલું કે હવે એવું નહીં બને. પણ આ મહીને બંને ભાઈઓ સંજયભાઈ તથા મયુરભાઈ મળીને મને જેમ ફાવે તેમ ગાળો આપી અને ધમકી આપી છે. આમ વ્હાઈટ કોલર વ્યાજખોર કહી શકાય તેવા જે.એમ. એન્ટરપ્રાઈઝ નામની રિકવરી એજન્સીના મયુરસિંહ અને સંજયસિંહ વિરુદ્ધ આરબીએલ ક્રેડિટ કાર્ડના કસ્ટમર મનિષ ભાયાણીએ રાજકોટ પોલીસ કમિશનરમાં અરજી કરી છે.
રિકવરી એજન્ટોથી પીડિત વ્યક્તિઓ ‘ખાસ-ખબર’નો મો. નં. 76982 11111 પર સંપર્ક કરે
રિકવરી એજન્ટ મયુરસિંહ અને સંજયસિંહે મનીષ ભાયાણીને આપેલી ધાક-ધમકીનો ઑડિયો સાંભળવા અહીં ક્લિક કરો…



