કિન્નર આચાર્યની તડાફડી
તમે ક્યારેય કોઈ આંદોલનમાં જોડાતાં યુવાનને નિહાળ્યો છે? એ આખી પૃથ્વીનો ભાર લઈને ફરતો હોય તેવી તેની મનોસ્થિતિ હોય છે અને બોડી લેન્ગ્વેજ હોય છે. એ ખરેખર એવું માનતો હોય છે કે તેનાં થકી કોઈ ક્રાન્તિ થઈ જશે, સમાજમાં મોટું પરિવર્તન આવી જશે. કશું થતું નથી. વાસ્તવમાં દરેક મોટું આંદોલન એક સમુદ્રમંથન હોય છે અને તેમાંથી વિષ અને અસૂરો સિવાય બીજું કશું નિપજતું નથી.
આંદોલનોનો દોરી સંચાર દૈત્યોનાં હાથમાં જ હોય છે અને મંથન થકી નીકળે છે પણ દૈત્યો જ. ગુજરાતમાં ખેડૂત આંદોલન ચલાવવા, ઉગ્ર બનાવવા પ્રયત્નો થઈ રહ્યાં છે. આવા સંજોગોમાં નજીકનાં ભૂતકાળમાં થયેલાં આંદોલનો અને તેમાંથી નિષ્પન્ન થયેલાં રાક્ષસો વિશે જાણવું જોઈએ.
- Advertisement -
જનલોકપાલ આંદોલનમાંથી અરવિંદ કેજરીવાલ જેવો દંભી અને ભ્રષ્ટ નેતા નીકળ્યો. પ્રશાંત ભૂષણ, મનીષ સિસોદિયા જેવાં ડાબેરી દૈત્યો નીકળ્યા. દેશને નવાં જ પ્રકારનું શરાબ કૌભાંડ જોવા મળ્યું, દિલ્હીને આપ કોર્પોરેટર સ્પોન્સર્ડ હૂલ્લડો વેઠવા પડ્યા. મુસ્લિમ તુષ્ટિકરણ અને હિન્દુ દ્વેષે તમામ હદો વટાવી દીધી. જનલોકપાલ આંદોલનમાં જે-તે સંસ્થાનાં લાખો લોકો મૂર્ખ બની ગયા અને કેજરીવાલ-સિસોદિયા જેવાં તકવાદી તથા તકલાદી લોકોએ પોલિટિકલ કરિઅર બનાવી લીધી.
પાટીદાર અનામત આંદોલનનાં માઠાં ફળ તો ગુજરાતે દાયકાઓ સુધી ભોગવવા પડશે. કેટલાંક ભોળા અને લાખો મૂર્ખ યુવાનો એવું માનતાં હતાં કે, આંદોલન તેમનાં કલ્યાણ માટે અને ઉજ્જવળ ભવિષ્ય માટે થઈ રહ્યું છે પરંતુ એવું કશું નહોતું. આંદોલન કેટલાંક લોકો પોતાનું રાજકીય ભવિષ્ય ઘડવા માટે કરી રહ્યાં હતાં. ગામમાં જેને કોઈ ઉધારમાં બીડી પણ ન આપતાં હોય અને દસ રૂપિયાનું છોટા રીચાર્જ પણ ભાઈબંધો કરાવી દેતાં હોય તેવાં લોકો ફોર્ચ્યુનરમાં ફરવા લાગ્યા. સુરતમાં રહેતી કેટલીય લુખ્ખી લાશોમાં જાણે નાણાંના પ્રાણ ફુંકાયા. આવા લોકો જમીનથી બે મીટર ઉંચા ચાલવા લાગ્યા. આજે પણ આ બધી ખહ દરેક સમાજને નડી રહી છે. આંદોલનમાંથી અનેક યુવાઓ અને મહિલાઓએ ઘર ભરી લીધાં અને નકલી નેતા-નેતી બની ગયાં.
બધાં સોશિયલ મીડિયાનાં નેતાઓ છે, કોઈ જમીન સાથે જોડાયેલાં નથી. બધાં સોશિયલ મીડિયાનાં ડિજિટલ આગેવાનો છે. આ લોકોનો પાયાનો સિદ્ધાંત અરાજકતા છે. આવું જ ક્ષત્રિય આંદોલન પછી થયું. ગામનાં ઉતાર જેવાં લોકો નેતા-નેતી બની ગયા અને સ્ટેજ પર ચડી ગયા. આંદોલનમાં આવું જ થાય છે. મુગ્ધ-ભોલા લોકો ઉલ્લુ બની જાય છે અને અસૂરો અમૃત પી જાય છે.