અઢી લાખ લોકો વચ્ચે એક જ ટોઈલેટ અને તેમાં પણ પાણી નહીં!
- Advertisement -
પહેલી વખત જમીન પર બેસી ને પત્રકારોએ રિપોર્ટિંગ કર્યું
જિલ્લા વહીવટી તંત્ર વડાપ્રધાનના કાર્યક્રમના આયોજનમાં ઉણું ઉતર્યું હતું. સભા સ્થળ પર પત્રકારો માટે બેસવાની કોઈ વ્યવસ્થા જોવા મળી નહતી. જેને લઈને રાજકોટથી ગયેલા પત્રકારો નીચે બેસી ગયા હતા. જ્યારે આ વિશે સ્વયંસેવકોને પૂછતા જણાવ્યું હતું કે, જેણે હોસ્પિટલમાં દાન આપ્યું છે તેવા દાતા અને ઉદ્યોગપતિઓ માટે જ સોફામાં બેસવાની વ્યવસ્થા છે. આ ઉપરાંત 2.5 લાખની જનમેદની વચ્ચે એક જ ટોઈલેટ વાન મૂકવામાં આવી હતી. તેમાં પણ પાણીની વ્યવસ્થા ન મળતાં આવેલા શ્રોતાઓ મૂંઝાયા હતા.
- Advertisement -
વ્યવસાય નહીં પરંતુ સેવા : ક્રિટિકલ કેરમાં રોજનું 250 રૂપિયા ભાડું
ખાસ-ખબર સંવાદદાતા
હોસ્પિટલના સ્વપ્નદૃષ્ટા અને ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરત બોઘરાએ જણાવ્યું હતું કે 40 કરોડના ખર્ચે નિર્માણ પામેલી આ હોસ્પિટલમાં દર્દી પ્રવેશ કરશે ત્યારે તેને કોઈ નામાંકિત ખાનગી હોસ્પિટલમાં આવ્યાનો અહેસાસ થશે. જોકે અહીં સારવાર બાદ થનારો ખર્ચ અત્યંત પરવડે એવો રાખવામાં આવ્યો છે. અન્ય હોસ્પિટલમાં એન્જિયોપ્લાસ્ટી માટે દોઢ લાખ જેટલો ખર્ચ થાય છે ત્યારે અહીં માત્ર 40થી 60 હજારમાં જ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવશે. આ ઉપરાંત ક્રિટિકલ કેરમાં દાખલ દર્દી પાસેથી રોજનું રુ. 250, જનરલ વોર્ડના દર્દી પાસેથી રોજનું રુ. 150 ભાડું જ વસૂલાશે.
હા…મોદી ભલે પધાર્યા
વીરનગરની મહિલાઓ એક જ ડ્રેસ કોડમાં જોવા મળી હતી. માથે ગરબા લઈ મોદીનું સ્વાગત કર્યું હતું. જ્યારે કાર્યક્રમની શરૂઆતમાં લોકસાહિત્યકાર કીર્તિદાન ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવી હતી અને દેશ કા બેટા ઘર કો આયા, હા મોદીજી ભલે પધાર્યા…ગીત ગાયું હતું.
હોર્ડિંગ્સમાં સ્થાનિક નેતાઓ ગાયબ
વડાપ્રધાન મોદી દ્વારા આજે થયેલા હોસ્પિટલના ઉદ્ધાટનના હોર્ડિંગ્સ શહેરના મુખ્ય માર્ગો પર લાગેલા જોવા મળ્યા હતા. જેમાં ફક્ત પ્રદેશના ચહેરા જોવા મળ્યા હતા. જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને ભરત બોઘરા જોવા મળ્યા હતા જેમાં સ્થાનિક નેતાઓના નામ જોવા ન મળતા આશ્ર્ચર્ય સર્જાયું છે.