દિવાળીના તહેવારો માટે ફટાકડાના વેચાણ અને ઉપયોગ અંગે જાહેરનામું બહાર પડાયું
રાત્રે 8થી 10 સુધી જ ફટાકડા ફોડી શકાશે: ઑનલાઈન વેંચાણ પર પ્રતિબંધ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
સુપ્રીમ કોર્ટના આદેશ અને જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને સુરેન્દ્રનગર જિલ્લામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ આર.કે. ઓઝા દ્વારા ફટાકડાના વેચાણ અને ઉપયોગ સંબંધિત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જે તા. 05/11/2025 સુધી અમલમાં રહેશે.
જાહેરનામા મુજબ, ભારે ઘોંઘાટ અને વાયુ પ્રદૂષણ કરતા ફટાકડા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માત્ર ગ્રીન અને માન્યતા પ્રાપ્ત ફટાકડા (જે ઓછા ઉત્સર્જન ઉત્પન્ન કરે છે)ના ઉત્પાદન અને વેચાણની પરવાનગી અપાઈ છે. ફટાકડાનું વેચાણ ફક્ત લાયસન્સધારક વેપારીઓ જ કરી શકશે અને તમામ ઈ-કોમર્સ વેબસાઈટ પરથી ઓનલાઈન વેચાણ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ અને ધાર્મિક સ્થળોની 100 મીટરની ત્રિજ્યામાં તેમજ જાહેર રસ્તા/ફૂટપાથ પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ચાઈનીઝ તુક્કલ અને આતશબાજ બલૂનના વેચાણ અને ઉડાડવા પર પણ પ્રતિબંધ મૂકાયો છે. જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા-2023 મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
સમય મર્યાદા
દિવાળી અને અન્ય તહેવારો: રાત્રે 8 થી 10 કલાક સુધી.
ક્રિસમસ અને નૂતન વર્ષ: રાત્રે 11:55 કલાકથી 12:30 કલાક સુધી.



