ખાસ-ખબર સંવાદદાતા
ભારતના પાડોશી દેશોમાં આજકાલ ભૂખમરી અને પાયમાલીની સ્થિતિઓ જ સર્જાઈ રહી છે. શ્રીલંકાની કફોડી સ્થિતિ, પાકિસ્તાન અને બાંગ્લાદેશની વણસતી જતી આર્થિક સ્થિતિ બાદ હવે નેપાળમાં પણ ખાદ્યાન્નની અછત વર્તાઈ રહી છે. નેપાળના વેપારીઓએ ભારતમાંથી ડુંગળી, બટાટા અને અન્ય શાકભાજીની આયાત કરવાનું બંધ કરતા ત્યાં હાહાકાર મચી ગયો છે.
નેપાળના વેપારીઓએ જણાવ્યું કે ત્યાંની સરકારે ગત મહિને આ ખાદ્ય ઉત્પાદનો પર 13 ટકા વેટ લગાવ્યો છે જેને પગલે આયાત કરવાનું બંધ કરી દીધું છે. વિપક્ષી સાંસદોએ નેપાળ સરકારના પગલાની આકરી ટીકા કરતા દલીલ કરી કે તે ઓછી આવક ધરાવતા પરિવારોને ખોરાક માટે પાયમાલ બનાવવા સમાન છે.
- Advertisement -
પહેલાથી જ આસમાને આંબેલ મોંઘવારીથી પ્રભાવિત થયેલા લોકોના દુખમાં આ પગલાથી વધુ વધારો થશે. 29 મેના રોજ સંસદમાં રજૂ કરાયેલા ફાઇનાન્સ બિલ અનુસાર ભારતમાંથી આયાત કરવામાં આવતા ડુંગળી, બટાકા અને અન્ય શાકભાજી અને ફળો પર હવે 13 ટકા વેટ લાગશે. નાણામંત્રી પ્રકાશ શરણ મહતે આ પગલાનો બચાવ કરતા કહ્યું કે તેનો ઉદ્દેશ્ર્ય સ્થાનિક ખેડૂતોને બચાવવા અને આયાતમાં ઘટાડો કરવાનો હતો. ગત વર્ષે નેપાળે ભારતમાંથી 1,73,829 ટન ડુંગળીની આયાત કરી હતી.