નિકાસ પ્રતિબંધની અસરથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ડુંગળી ખરીદી પર રોક
નવી જાહેરાત બાદ જ ખેડૂતો યાર્ડમાં ડુંગળી લાવી શકશે
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં ડુંગળીના વધતા ભાવોથી ચિંતિત કેન્દ્ર સરકારે ગરીબોની કસ્તૂરી ગણાતી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે અને વેપારીઓ પર સ્ટોક મર્યાદા લાદી છે. ડુંગળીની નિકાસ પ્રતિબંધની સીધી અસર ગોંડલ માર્કેટ યાર્ડ પર થઈ છે. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી ગોંડલ યાર્ડમાં ડુંગળીની આવક બંધ કરાઈ છે. ગોંડલ માર્કેટ યાર્ડ દ્વારા લાલ ડુંગળીની આવકની જાહેરાત થાય ત્યાર બાદ જ ખેડૂતોએ ડુંગળી ભરીને લાવવાની રહેશે.
બજારોમાં ડુંગળીનો પુરવઠો વધારવા અને ભાવ ઘટાડવાના સરકારના પ્રયાસો નિષ્ફળ ગયા બાદ સ્થાનિક બજારમાં ડુંગળીના રીટેલ ભાવમાં તીવ્ર ઊછાળો જોવા મળી રહ્યો છે. દેશના કેટલાક ભાગોમાં ડુંગળીના રીટેલ ભાવ પ્રતિ કિલો રૂ. 60થી 80 છે. બજારમાં ડુંગળીના ઊંચા ભાવો ટકી રહેતાં કેન્દ્ર સરકારે રવિવારે ભાવ ઘટાડવા માટે કેટલાક પગલાં લીધા છે.
સરકારે સ્થાનિક સ્તરે ઉપલબૃધતા વધારવા માટે વધુ આદેશ ન અપાય ત્યાં સુધી તાત્કાલિક અસરથી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. વાણીજ્ય મંત્રાલયના એકમ ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) એ જાહેર કરેલા સરકારના જાહેરનામા મુજબ દરેક પ્રકારની ડુંગળીની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. સરકારના ડુંગળી નિકાસ પ્રતિબંધની સીધી અસર ગુજરાતના સૌથી મોટા ગોંડલ માર્કેટ યાર્ડ પર પડી છે. ગોંડલ માર્કેટ યાર્ડ દ્વારા લાલ ડુંગળીની નવી આવક પરનો પ્રતિબંધ લંબાવવામાં આવ્યો છે. જ્યાં સુધી યાર્ડ સત્તાધીશો દ્વારા ડુંગળીની આવક માટેનું નવું જાહેરનામું બહાર પાડવામાં ન આવે ત્યાં સુધી માર્કેટમાં ખેડૂતો ડુંગળી વેચાણ માટે લાવી શકશે નહીં.
ડુંગળીની નિકાસ પ્રતિબંધને કારણે ખેડૂતો મુશ્કેલમાં મુકાયા છે એક બાજુ કમોસમી વરસાદને કારણે ડુંગળીના પાકને નુકસાન થયું છે. જ્યારે બીજે બાજુ નિકાસ પ્રતિબંધને કારણે ડુંગળી પકવતા ખેડૂતોને બેવડી માર પડી છે.