ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.23
બેંકમાંથી લોન લઈ ભરપાઈ ન કરનાર ડિફોલ્ટર માટે ફરી એકવાર સજા સાથે દાખલારૂપ ચુકાદો સુરતની કોર્ટે આપ્યો છે. વિગતથી જોઈએ તો રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની સુરત શાખાએ સોરઠીયા ઈમ્પેક્સના પ્રોપરાઈટર વિજયભાઈ તુલસીભાઈ સોરઠીયાને રૂા. એક કરોડ આઠ લાખનું ધિરાણ અપાયેલ હતું. થોડા સમય બાદ આ ખાતુ ડિફોલ્ટર (એનપીએ) થયું હતું. ખાતેદારે વસુલી પેટે રૂા. 84,57,418નો ચેક આપેલો તે પરત ફર્યો હતો.
જેથી બેંકે તા. 13-2-2020ના સોરઠીયા ઈમ્પેક્સના પ્રોપરાઈટર વિજયભાઈ તુલસીભાઈ સોરઠીયાની સામે સુરતની નેગોશીયેબલ કોર્ટમાં ચેક રિટર્નનો કેસ દાખલ કર્યો હતો. ખાતેદારે ચેક રિટર્નની મૂળ રકમ જેટલી રકમ જમા કરાવી ન હતી. આથી ચીફ જ્યુડીશીયલ મેજિસ્ટ્રેટ નામદારની કોર્ટે ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 હેઠળ સોરઠીયા ઈમ્પેક્સના પ્રોપરાઈટર વિજયભાઈ તુલસીભાઈ સોરઠીયાને એક વર્ષની જેલની સજા અને ચેક રિટર્નના વળતરરૂપે રૂા. 84,57,418ની રકમ ચૂકવવાની સજા ફરમાવી હતી. જો સોરઠીયા ઈમ્પેક્સના પ્રોપરાઈટર વિજયભાઈ તુલસીભાઈ સોરઠીયા આ રકમ ન ચૂકવે તો વધારાના છ માસની કેદની સજા ફરમાવી હતી. ચેક રિટર્નના કેસની આ કામગીરીમાં બેંક વતી એડવોકેટ મનીષભાઈ ધ્રાંગડ અને ફરિયાદી લાલજીભાઈ રાદડીયા હતા. ચેક રિટર્નના કેસમાં એક વર્ષની જેલની સજા અને વળતરનો ચુકાદો આવતાં બેંકના અન્ય બાકીદારોમાં ફફડાટ અને ગભરાટ ફેલાઈ ગયો છે.