આજે બ્રાહ્મ મુહૂર્તમાં ધ્યાન પૂર્ણ કર્યા બાદ મારા મનમાં એક સહજ પ્રશ્ન ઊઠ્યો, ’મારો આજનો આખો દિવસ કેવો જશે? આજે મારે બે ખાનગી કાર્યક્રમોમાં હાજરી આપવા જવાનું છે, કોલમનો એક એપિસોડ લખવાનો છે, મારા પૌત્રની સાથે રમવાનું છે ઇત્યાદિ કાર્યો કરવાનાં છે. આ બધું સરસ રીતે પાર પડશે કે એમાં કંઇ વિઘ્ન આવશે?’
આ પ્રશ્ર્ન ખરેખર તો એક દિવસ માટે નહીં પણ બાકી બચેલા આયુષ્યના તમામ દિવસો માટે પૂછવા જેવો છે. અધ્યાત્મ અંગેની મારી સમજણ મને આવો જવાબ આપે છે: ’જેવાં મારાં કર્મો હશે તેવું ફળ મને મળશે. જો મેં લોકોના મનમાં મારા માટે દુર્ભાવ ઉત્પન્ન થાય તેવાં કાર્યો કર્યાં હશે તો તેમના તરફથી મને દુર્ભાવ જ મળશે. જો મેં સદ્ભાવ કેળવ્યો હશે તો મને સદ્ભાવ મળશે. મનુષ્યનાં કર્મો જ એનું ભવિષ્ય નક્કી કરે છે. છૂટી ગયેલા દિવસો અને જાણ્યે-અજાણ્યે થઇ ચૂકેલાં કર્મો ઉપર આપણો કાબૂ નથી, પરંતુ હવે પછીના દરેક દિવસના પ્રત્યેક કર્મ ઉપર મારી આધ્યાત્મિક સભાનતાનો પ્રભાવ રહેશે. જો આવું બને તો મારો આવનારો દરેક દિવસ માંગલ્યભર્યો બની રહેશે.
- Advertisement -
ગઇકાલે સાંજે મારા જીવનનો સૌથી પહેલો મિત્ર યોગેશ મળી ગયો. એ પણ મારી જ ઉંમરનો છે. અમે જ્યારે મિત્રો બન્યા ત્યારે છ વર્ષના હતા. આજે પણ અમારી દોસ્તી એવી ને એવી પ્રગાઢ રહી છે. અધ્યાત્મની વાત છેડીને તેણે મને પૂછ્યું, ’તું આટલી સાધના કરે છે તો તને પરમાત્માનાં દર્શન થયાં છે?’
મેં જવાબ આપ્યો, ’હું પરમ શિવભક્ત છું. પૂરી લગનથી શિવજીની આરાધના કરું છું. જો તું મને એવું પૂછતો હોય કે મને ગળામાં સર્પ વીંટાળેલા અને જટામાં ચંદ્ર ધારણ કરેલા ભસ્મધારી મહાદેવના સાકાર સ્વરૂપનાં દર્શન થયાં છે, તો હું ના પાડીશ. મને નિરાકાર, નિર્ગુણ શિવતત્ત્વ અને શક્તિતત્ત્વ એ બંનેની અનુભૂતિ ક્ષણે ક્ષણે અનુભવાતી રહે છે.’