સરકાર ધરખમ ડયુટી ઘટાડે તો ભાવ નીચા આવી શકે
અમેરિકા સામે ઝુકીને ભારત ડયુટી ઘટાડે તો રીટેઈલ માર્કેટમાં ભાવ નીચા આવી શકે
- Advertisement -
અમેરિકન ડ્રાયફ્રુટના ભાવ ઘણા ઉંચા છે
નિષ્ણાતોના મતે, જો ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી ટેરિફ વાટાઘાટોના પરિણામે આયાત જકાતમાં ઘટાડો થાય તો ભારતીય ગ્રાહકોને સસ્તા સૂકા ફળો મળી શકે છે.
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સતા સંભાળ્યા બાદ બે મહિનાથી ટેરિફ વોર શરૂ થયુ છે. ભારતને પણ બીજી એપ્રિલથી ઝટકો લાગી શકે છે. આ ટેરિફ વોરની એક પોઝીટીવ ઈફેકટ થવાની હોય તેમ ભારતમાં ડ્રાયફ્રુટ સસ્તા થઈ શકે છે. આયાતકારોના કહેવા પ્રમાણે બદામ પર પ્રતિકિલો રૂા.35થી100ની ડયુટી છે. ઉપરાંત 10 ટકા જેનો અન્ય ખર્ચ આવે છે. અમેરિકા સામે ઝુકીને ભારત ડયુટી ઘટાડે તો રીટેઈલ માર્કેટમાં ભાવ નીચા આવી શકે છે. ઓલ ઈન્ડિયા સ્પાઈસ ઈમ્પોટર્સ ફેડરેશનના સેક્રેટરી હિરેન ગાંધીએ કહ્યું કે, 2019માં ભારતીય સ્ટીલ- એલ્યુમીનીયમ પર ડયુટી વધારાતા ભારતે પણ અખરોટ પર 100 ટકા ડયુટી લાદી હતી.
અન્ય ડ્રાયફ્રુટ પર પણ ડયુટી વધારી હતી. અમેરિકન ડ્રાયફ્રુટના ભાવ ઘણા ઉંચા છે. ઉંચી ડયુટીને કારણે રીટેઈલ કિંમત મૂળ ભાવથી ડબલ થઈ જતી હોવાથી તે મધ્યમવર્ગની પહોંચની બહાર છે. બદામ જેવી આરોગ્યપ્રદ ચીજો પર પણ કિલોએ 100 રૂપિયાની ડયુટી છે. ટ્રેડવોરની સ્થિતિમાં અખરોટ, બદામ, કાજુ વગેરેની ડયુટીમાં ઘટાડો થવાના સંજોગોમાં રિટેઈલ ભાવ નીચા આવી શકે છે. 2019 પુર્વે અખરોટ પરની આયાત જકાત માત્ર 30 ટકા હતી. ડયુટી ઘટાડાના સંજોગોમાં અમેરિકાના ડ્રાયફ્રુટ સાથે ઓસ્ટ્રેલિયા, ઈરાન તથા ચીલી જેવા દેશોની સ્પર્ધા થશે. પરિણામે ભાવમાં વધુ રાહત મળી શકશે. ડ્રાયફ્રુટ પરનો ડયુટી ઘટાડો વ્યુહાત્મક રહી શકે છે અને તેની ભારતીય કૃષિક્ષેત્ર પર અસર થવાનો સવાલ ઉભો નહીં થાય. ડયુટી-ભાવઘટાડાના સંજોગોમાં ડ્રાયફ્રુટની ડીમાંડમાં પણ વધારો શકય છે.