જિલ્લા ભાજપ પ્રમુખને વધુ એક હોદ્દો મળતાં ભાજપમાં કચવાટ
ખાસ-ખબર સંવાદદાતા
ભાજપમાં એક વ્યક્તિ એક હોદો એવો નિયમ હોવાનો દાવો કરવામાં આવે છે. પરંતુ આ નિયમ જૂનાગઢ ભાજપમાં લાગુ પડતો નથી. જૂનાગઢમાં એક જ વ્યક્તિ અનેક હોદા તેવો નિમય લાગુ પડતો હોય તેવું લાગી રહ્યું છે. જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને વધુ એક હોદો મળતા ભાજપમાં નારાજગી જોવા મળી રહી છે. કિરીટ પટેલને જીડીસીસી બેંકનાં ચેરમેન બનાવતા હવે કિરીટ પટેલ પાસે ત્રણ હોદા થયા છે.
- Advertisement -
જૂનાગઢ જિલ્લા સહકારી બેંકનાં ચેરમેનની મુદત પૂર્ણ થતા ચૂંટણી યોજાઇ હતી.જેમાં ચેરમેન પદે કિરીટ પટેલ,વાઇસ ચેરમેન પદે મનુભાઇ ખુટી અને ગુજરાત સ્ટેટ કો. ઓ.બેંકનાં પ્રતિનિધિ તરીકે પૂર્વ મંત્રી જશાભાઇ બારડની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. કિરીટ પટેલની વરણી થતા ભાજપમાં કચવાટ જોવા મળ્યો છે. ભાજપમાં એક વ્યકિત એક હોદાનાં નિયમનો દાવો કરવામાં આવે છે.પરંતુ એવું ભાગ્યે જ જોવા મળે છે. જૂનાગઢમાં સહકારી ક્ષેત્રે બે-બે હોદાનો તાજેતરમાં વિરોધ થયો હતો અને પ્રદેશ ભાજપે રાજીનામા પણ માંગી લીધા હતાં. બાદ ફરી કિરીટ પટેલ જિલ્લા સહકારી બેંકનાં ચેરમેન બનતા ફરી ચર્ચા જાગી છે. કિરીટ પટેલ પાસે જિલ્લા ભાજપ પ્રમુખ, જૂનાગઢ યાર્ડનાં ચેરમેન અને હવે જિલ્લા સહકારી બેંકનાં ચેરમેન બનાવવામાં આવ્યાં છે. કિરીટ પટેલ ત્રણ હોદા પર આરૂઢ થયા ગયા છે.