શહેરમાં માથાનાં દુ:ખાવા સમાન ફાટકને લઇ કોઇ ઉકેલ આવતો નથી
વર્ષોથી લટકી રહેલો પ્રશ્ન કયારે હલ થશે તે નકકી નથી, પ્રજા હેરાન
- Advertisement -
જૂનાગઢનાં ભાજપનાં નેતાઓ મંત્રીને મળ્યાં: મંત્રીનું હકારાત્મક વલણ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેર મધ્યેથી પસાર થતી રેલવે લાઇનનાં ફાટક માથાનાં દુ:ખાવા સમાન છે. વર્ષોથી આ ફાટકો દુર કરવાની વાતો થઇ રહી છે. પરંતુ હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી. તેમા પણ ખાસ કરીને જોષીપરા ફાટકને લઇ અનેક વખતે રજુઆતો અને તૈયારી થઇ છે. પરંતુ કોઇ નકકર પરિણામ આવ્યું નથી. ત્યારે ભાજપનું પ્રિતીનીધી મંડળ મંત્રીને મળ્યું હતું. વધુ એક વખત જોષીપરા ફાટકને લઇ ખાતરી આપવામાં આવી છે. હવે કેટલા સમયમાં ફાટક દુર થાય તેના પર સૌકોઇની નજર રહેશે.
- Advertisement -
જૂનાગઢ શહેરમાંથી બે રેલવે લાઇન પસાર થાય છે. ટ્રેન નિકળે ત્યારે શહેરમાં ઠેર ઠેર ટ્રાફીક જામ થઇ જાય છે. પહેલા તો જૂનાગઢમાંથી પસાર થતી મીટર ગેઇઝ લાઇનને દુર કરવાની વાતો કરવામાં આવી હતી. મીટર ગેઈઝ માટે અલગ રેલવે સ્ટેશન ઉભી કરવાની વાતો કરવામાં આવી છે. તેમજ જોષીપરા અને બસ સ્ટેશન ફાટકને લઇ અનેક વખત રજુઆતો થઇ છે. તેમજ બ્લુપ્રિંટ પણ તૈયાર કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી કોઇ જ કાર્યવાહી થઇ નથી. વર્ષોથી આ બન્ને ફાટકનો પ્રશ્ર્ન હલ થયો નથી. આ બન્ને ફાટક દુર થાય તો લોકોને ટ્રાફીકમાંથી મુક્તી મળે તેમ છે. તેમજ લોકોનો સમય બચે તેમ છે.
અહીં અન્ડબ્રિજ અને ઓવરબ્રિજ બનાવવાની ચર્ચા ચાલી રહી છે. ત્યારે ગઇકાલે ભાજપનાં મનપાનાં મેયર ગીતાબેન પરમાર, ડે.મેયર ગીરીશભાઇ કોટચા, હરેશભાઇ પરસાણા, કિરીટભાઇ ભીંભા, પુનિતભાઇ શર્મા, નિલેશભાઇ ધુલેશીયા, મોહનભાઇ પરમાર સહિતનાં મંત્રી વિનોદભાઇ મોરડીયાને મળ્યાં હતાં અને જોષીપરા અને બસ સ્ટેન્ડ ફાટકને લઇ ચર્ચા કરી હતી. મંત્રીએ હકારાત્મક વલણ અપનાવી વહેલી તકે મંજુરી આપવાની ખાતરી આપી હતી.
તળાવ દરવાજાવાળુ ફાટક વધુ મુશ્કેલી સર્જે છે
જૂનાગઢમાં બધા ફાટક મુશ્કેલ સર્જે છે. પરંતુ તળાવ દરવાજા અને વૈભવ ફાટક વાળુ ફાકટ વધુ મુશ્કેલી સર્જે છે. આ ફાકટ બંધ થયા બાદ કલાકો સુધી ટ્રાફીક રહે છે. આ બન્ને ફાટક વહેલી તકે દુર થાય તે પણ જરૂરી છે.
1.50 લાખ વસતીને અસર કરતું ફાટક છે
કોંગ્રેસનાં કોર્પોરેટર લલીતભાઇ પણસારાએ જણાવ્યું હતું કે, જોષીપરા ફાટકા બંધ થવાનાં કારણે વોર્ડ નંબર 2(અડધો), 4, 6, 7ની 1.50 લાખ જેટલી વસતીને અસર કરતા છે. અહીં ઓવરબ્રિજ બની શકે તેમ છે. પરંતુ લાંબા સમયથી માત્ર વાતો થઇ રહી છે. હજુ સુધી ઉકેલ આવ્યો નથી.
2014નાં બજેટમાં સમાવેશ થયો હતો
લલીતભાઇ પણસારાએ કહ્યું હતું કે, વર્ષ 2014નાં સરકારે બજેટમાં સમાવશે કર્યો હતો.અનેક વખત રજુઆત થઇ છે. તેમજ ઓવરબ્રિજને તૈયારી પણ કરી છે. પરંતુ હજુ સુધી ફાટકમાંથી મુકતી મળી નથી.