રાજકોટ ઉપરાંત જૂનાગઢમાં 150-150 તથા કડીમાં 100 MBBS બેઠકો સાથેની ખાનગી મેડિકલ કોલેજો નિર્માણ પામશે
રાજય સરકારે ખંભાળિયા, વેરાવળ, બોટાદ જેવા 10 શહેરોમાં મેડિકલ કોલેજ સ્થાપવા જાહેરાત કરી હોવા છતાં અરજી ન કરી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં રાજકોટ સહિત ત્રણ શહેરોમાં નવી મેડિકલ કોલેજો ખુલશે. રાજય સરકાર દ્વારા રાજકોટ, જુનાગઢ તથા કડીમાં નવી ખાનગી મેડિકલ કોલેજો શરૂ કરવા માટે નો ઓબ્જેકશન સર્ટીફીકેટ (એનઓસી) આપી દેવામાં આવ્યું છે. રાજકોટ તથા જુનાગઢની કોલેજોમાં 150-150 તથા કડીની કોલેજમાં 100 એમબીબીએસ બેઠકો છે. રાજય સરકારના સૂત્રોએ કહ્યું કે નવી મેડિકલ કોલેજો સ્થાપવા માટે નેશનલ મેડિકલ કમીશનમાં 31 ડિસેમ્બર 2023 સુધીમાં અરજી કરવાની હતી અને ત્યારપછી સરકારે તુર્ત એનઓસી આપી દીધા છે. હવે નવા શૈક્ષણિક વર્ષ પુર્વે નવી સૂચિત મેડિકલ કોલેજોને નેશનલ મેડિકલ કમીશનની મંજુરી મળી જવાની સંભાવના છે અને આ સાથે નવા વર્ષથી રાજયની મેડિકલ બેઠકોમાં વધુ 400નો ઉમેરો થવાનું શકય છે. રાજય સરકારે અગાઉ જાહેરાત કરી જ હતી કે ખેડા, આણંદ, ખંભાળીયા, છોટાઉદેપુર, મહીસાગર, ડાંગ, અરવલ્લી, વેરાવળ તથા બોટાદ સહિત 10 શહેરોમાં 10 મેડિકલ કોલેજો શરૂ કરાશે. જો કે, આ માટે એકપણ અરજી થઈ નથી. રાજય સરકાર દ્વારા નેશનલ મેડિકલ કમીશનમાં ઉક્ત 10માંથી એકપણ શહેરમાં મેડિકલ કોલેજ માટે મંજુરી માંગવામાં આવી નથી. આ સંજોગોમાં ઉક્ત 10 શહેરોમાં તુર્તમાં મેડિકલ કોલેજ શરૂ થવાની સંભાવના નથી. રાજય સરકારના સૂત્રોએ કહ્યું કે નવી 10 મેડિકલ કોલેજો તબકકાવાર શરૂ કરવાનો વ્યુહ છે એટલે આવતા અમુક વર્ષોમાં વારાફરતી નેશનલ મેડિકલ કમીશનની મંજુરી માંગવામાં આવશે. રાજય સરકારે નવી ત્રણ મેડિકલ કોલેજો માટે એનઓસી આપ્યા છે તે ત્રણેય ખાનગી ક્ષેત્રની છે. નેશનલ મેડિકલ કમીશનની મંજુરી મળી જવાના સંજોગોમાં નવા શૈક્ષણિક વર્ષથી રાજયની મેડિકલ બેઠકોમાં 400નો વધારો થઈ શકે છે. ગુજરાતમાં હાલ કુલ 40 મેડિકલ કોલેજ છે અને તેમાં 6850 એમબીબીએસ બેઠકો છે. 40માંથી 6 સરકારી મેડિકલ કોલેજ છે જયારે 13 જીએમઈઆરએસ સંચાલીત કોલેજો છે. રાજકોટ એઈમ્સની 50 બેઠકો તથા વડોદરાની બી.કે.શાહ મેડિકલ ઈન્સ્ટીટયુટ એન્ડ રીસર્ચ સેન્ટરની 150 બેઠકો કેન્દ્ર સરકાર હસ્તકની છે.