સ્કોર્પિયોએ રોંગ સાઈડમાં આવેલા એક્ટિવાચાલકને ઉડાડતાં 10 ફૂટ ઊંચો ઊછળી 20 ફૂટ દૂર ફેંકાયો: એક ઈજાગ્રસ્ત
રાજકોટ-જામનગર હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. રવિવારની મોડી રાત્રે બનેલ ઘટનામાં એક યુવાને જીવ ગુમાવ્યા બાદ સતત બીજા દિવસે અકસ્માતની ઘટના સામે આવી છે. ગઇકાલે મોડી રાત્રે રોંગ સાઈડમાં આવતા ડબલ સવારી એક્ટિવાને સ્કોર્પિયો કારે હડફેટે લેતા એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પાછળ બેઠેલા યુવકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, રોંગ સાઈડમાં આવતા એક્ટિવાચાલકને ફૂટબોલની જેમ સ્કોર્પિયો ઉડાડે છે. આ શ્ર્વાસ થંભાવી દેતા અકસ્માતમાં એક્ટિવાચાલક 10 ફૂટ ઊંચો ઊછળીને 20 ફૂટ દૂર ફેંકાઈ જાય છે.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ-જામનગર હાઇવે પર ગઇકાલે રાત્રિના 11 વાગ્યે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ઘંટેશ્ર્વરથી માધાપર જતી સ્કોર્પિયો કાર હડફેટે એક્ટિવા ચાલક આવતા ગમખ્વાર અકસમાત સર્જાયો હતો. જેમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એક્ટિવા સવાર યુવકને ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રાત્રિના 11 વાગ્યે સ્કોર્પિયો કાર ઘંટેશ્ર્વરથી માધાપર ચોક તરફ પસાર થઇ રહી હતી. આજ સમયે ડબલ સવારી એક્ટિવાચાલકો રોંગ સાઈડમાં આવતા પોતે ધડાકાભેર કાર સાથે અથડાયા હતા અને 20 ફૂટ ઊછળીને એક્ટિવા સાથે ફંગોળાયો હતો. જેમાં ઘટનાસ્થળે જ સૂરજસિંહ દાસ નામના યુવકનું મોત નીપજ્યું હતું.
રાત્રે બનેલી અકસ્માતની ઘટના બાદ હાલ મૃતકના જીજાજીની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે આઇ.પી.સી. કલમ 279, 337, 338, 304(અ) તથા એમ. વી. એક્ટ કલમ 134, 177, 184 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
સ્કોર્પિયોચાલક ગાડી સ્થળ પર મૂકી ફરાર
મૃતક સૂરજસિંહ લાલસિંહ દાસ (ઉં.વ.28) જામનગર રોડ ઘંટેશ્ર્વર પાર્ક હોટલમાં કામ કરતો હતો અને ત્યાં જ રહેતો હતો. સૂરજસિંહ તથા તેની સાથે કામ કરતો તેનો મિત્ર કમલ થાપા બંન્ને એક્ટિવા જીજે.03.સીએફ.6438નું લઇને ઘંટેશ્ર્વર પાર્ક હોટલથી તેનો મોબાઇલ ફોન લેવા માટે બહાર જતા હતાં. ત્યારે હોટલની સામે જામનગર રોડ ઉપર એક કાળા કલરની સ્કોર્પિયો કાર જેનો નંબર જીજે.03.એમએલ.8245ના ચાલકે પોતાની કાર પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી એક્ટિવા સહિત બંન્ને યુવકોને હડફેટે લેતા બન્નેને માથે અને શરીરે ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ સ્કોર્પિયો ચાલક તેની ગાડી સ્થળ પર મૂકી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં એક્ટિવાનો બુકડો બોલી ગયો છે, જ્યારે સ્કોર્પિયોના આગળના ભાગને પણ ભારે નુકસાન થયું છે.