ઈલેક્શનની તમામ વિગતો જણાવવા માટે નવતર અભિગમ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
- Advertisement -
જૂનાગઢ કલેકટર કચેરીની દીવાલો બોલે છે ! આ જાણીને આશ્ચર્ય પામશો. પરંતુ એક અર્થમાં આ ખરુ લાગશે. વાત એવી છે કે, જિલ્લા ચૂંટણી અધિકારી અનિલકુમાર માર્ગદર્શનમાં લોકશાહીનું મહાપર્વ એટલે કે લોકસભા સામાન્ય ચૂંટણી યોજવા માટે જરૂરી કામગીરી અને પ્રક્રિયા કરવામાં આવી રહી છે. લોકશાહીના આ મહાપર્વમાં લોકો ચૂંટણી પ્રક્રિયા વિશે જાણે. ખાસ કરીને ચૂંટણી સાથે જોડાયેલી શબ્દાવલીઓથી નાગરિકો પરિચિત થાય તે માટે ઇલેક્શનનુંએ ટુ ઝેડ એટલે કે, ચૂંટણી પ્રક્રિયામાં જેમની ભૂમિકા રહેલી છે, તેવા અધિકારીઓ અને તેમના હોદ્દાઓ. ઉપરાંત ઇલેક્શન માટેની અન્ય સુવિધાઓ, વસ્તુઓ વગેરે વિશે નાગરિકોને જાણકારી મળી રહે તે માટે એક આગવો અભિગમ અપનાવવામાં આવ્યો છે.
ઈલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ઇલેક્શનનું એ ટુ ઝેડ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યું છે. ત્યારે આ જાણકારી કલેકટર કચેરીએ આવતા લોકોને પણ મળી રહે તે માટે અને નાગરિકોના ચૂંટણી વિષયક જ્ઞાનમાં વૃદ્ધિ થાય તે માટે કલેકટર કચેરી દીવાલો પર ઇલેક્શન સાથે સંકળાયેલ શબ્દાવલીઓનો અર્થ અને અન્ય જરૂરી વિગતો દર્શાવવામાં આવી છે. એક આકર્ષક ફ્રેમમાં દર્શાવેલ આ ચૂંટણીલક્ષી માહિતી લોકોનું ધ્યાન ખેંચી રહી છે.
અન્ય પર્વોની જેમ લોકશાહીનું મહાપર્વ પણ નાવીન્યપૂર્ણ રીતે ઉજવાય અને નાગરિકોમાં પણ ઉત્સાહવર્ધન થાય તે માટે રચનાત્મક અભિગમ સાથે મતદાન જાગૃતિના કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.આમ નવતર અભિગમ સાથે ચૂંટણી સંબંધિત માહિતી અને શબ્દાવલીઓ દિવાલો પર દર્શાવવામાં આવી છે, ત્યારે દીવાલો બોલે છે તેમ કહેવું ખોટું ગણાશે નહીં.