સતત બીજા દિવસે પણ દિલ્હીની તમામ સરહદો સીલ કરી દેવાઈ
ખાસ-ખબર સંવાદદાતા
ટેકાના ભાવ માટે કાયદો ઘડવા તેમજ ખેડૂતોના દેવા માફ કરવા સહિતની 10થી વધુ માગણીઓ સાથે 25 હજારથી વધુ ખેડૂતોએ આંદોલન શરુ કર્યું છે જેનો આજે બીજો દિવસ છે. મંગળવારે હરિયાણાના શંભુ બોર્ડર પર ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ખેડૂતોને રોકવા માટે આંસુ ગેસના શેલનો મારો ચલાવ્યો હતો. આ ઉપરાંત રબર બૂલેટ પણ ચલાવાઇ હોવાના અહેવાલો મળ્યા હતા. ત્યારે આજે ફરી ખેડૂતો શંભુ અને ખનૌરી બોર્ડરથી હરિયાણામાં પ્રવેશવાનો પ્રયાસ કરશે. કિસાન મજદૂર મોરચાના સંયોજક સર્વન સિંહ પંઢેરે કહ્યું કે તેઓ કોઈપણ સંજોગોમાં દિલ્હી જશે.
ખેડૂત આગેવાનો અને સરકાર વચ્ચે મંગળવારે ફરીથી વાટાઘાટો થઈ પરંતુ તે કોઈ નક્કર પરિણામ સુધી પહોંચી શકી નથી. ખેડૂતોએ આજે દિલ્હી તરફ કૂચ કરવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં દિલ્હીની તમામ સરહદો સીલ કરી દેવામાં આવી છે. ખેડૂતોને રાજધાનીમાં પ્રવેશતા અટકાવવા માટે મલ્ટિ-લેયર બેરિકેડ અને કાંટાળા તાર લગાવવામાં આવ્યા છે. આ સિવાય સરહદો પર આરએએફ, અર્ધલશ્ર્કરી દળ, એન્ટી રાઈટ વ્હીકલ તૈનાત કરવામાં આવ્યા છે. પોલીસ વાહનોની તપાસ કરી રહી છે. ટ્રાફિક જામથી લોકોને બચાવવા માટે પોલીસે એડવાઈઝરી જારી કરી છે.
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ અમરિંદર સિંહ રાજા વડિંગ મોડી રાત્રે શંભુ બોર્ડર પર ઈજાગ્રસ્ત ખેડૂતોની હાલત પૂછવા માટે રાજપુરાની સરકારી હોસ્પિટલમાં પહોંચ્યા હતા. અહીં તેમણે ઈજાગ્રસ્ત ખેડૂતોને રાહુલ ગાંધી સાથે ફોન પર વાત કરાવી હતી. રાહુલ ગાંધીએ ખેડૂતો પાસેથી તેમની ઈજાઓ વિશે જાણ્યું હતું.
પટિયાલા ડીસીએ અંબાલા ડીસીને પંજાબના વિસ્તારમાં ડ્રોન ન મોકલવા માટે પત્ર લખ્યો છે. તેણે આ અંગે અંબાલાના વરિષ્ઠ પોલીસ અધિક્ષકને પણ જાણ કરી છે. હવે સરહદ પર ડ્રોન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.