– પાંચાળ પ્રદેશનો પ્રખ્યાત હુડો રાસ અને ગીરના સીદીઓનું ધમાલ નૃત્ય રજૂ થશે
જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાજકોટ શહેરમાં આગામી તા. 5 થી 9 સપ્ટેમ્બર સુધી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા “રસરંગ લોકમેળા”નું આયોજન કરવામા આવ્યું છે. જેના ઉદઘાટન કાર્યક્રમમાં વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ થનાર છે જેમાં પાંચાળ પ્રદેશના ભરવાડનો પ્રખ્યાત હુડો રાસ અને ગીરના સીદીઓનું ધમાલ નૃત્ય રાજકોટની ઉત્સવપ્રેમી જનતા માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.
- Advertisement -
હુડો રાસ વિશે જણાવતા એમ. જે. ફોક ડાન્સ ગૃપના મેઘાબેન વિઠલાણીએ કહ્યું હતું કે, હુડો એ ગુજરાતના લોકનૃત્યમાંનું એક જાણીતું લોકનૃત્ય છે. તે ગુજરાતના ભરવાડ સમુદાયના લોકોની આગવી ઓળખ છે. આ નૃત્યનો વિચાર ઘેટાંની લડાઈમાંથી ઉદભવ્યો છે, જેમાં બે ઘેટાંની હલનચલનની નકલ કરવામાં આવે છે. નર્તકો બળપૂર્વક અને લયબદ્ધ રીતે તાળીઓ પાડે છે. હુડો ડાન્સમાં પુરુષો અને સ્ત્રીઓ બંને ભાગ લે છે. સૌરાષ્ટ્રમાં આ નૃત્યને રાસડા પણ કહેવાય છે. હુડો સામાન્યત: શ્રી કૃષ્ણના ગીતો પર રમવામાં આવે છે. તરણેતરના મેળામા આ નૃત્યના અંતે જીવનસાથીઓની પસંદગી કરવાની પણ પરંપરા છે. લોકમેળાના પ્રારંભે ગોકુળ ગામનો ગોવાળિયો… લે ને તારી વાંસળી વગેરે કૃષ્ણ ગીતો પર હુડો રમવામાં આવશે, ત્યારે જન્માષ્ટમીએ યોજાતા આ મેળામાં કૃષ્ણની રાસલીલાનુ ચિત્ર તાદૃશ્ય કરી લોકોને રસતરબોળ કરવા હુડો રાસ રજૂ કરવામાં આવશે.
આ ઉપરાંત, ગીરના સીદી સમુદાયનું વિશિષ્ટ ધમાલ નૃત્ય લોકો માટે વિશેષ આકર્ષણ જગાવશે. મૂળ આફ્રિકાના વતનીઓ સીદીઓ જાફરાબાદ પાસે જાંબુર ગામમાં ત્રણસો વર્ષથી વસેલા છે. તેમણે આફ્રિકાનું પોતાનુ ગિલ નૃત્ય જાળવી રાખ્યું છે. જેને સૌરાષ્ટ્રમાં ધમાલ નૃત્ય કહેવામાં આવે છે.
- Advertisement -
10 વર્ષથી ગેબી સરકાર ગૃપ ચલાવતા સંચાલક ઈરફાનભાઇએ જણાવ્યું હતું કે, આ નૃત્યમા નાળિયેરની આખી કાચલીમાં કોડીઓ ભરીને એના પર લીલું કપડું વીંટાળીને તાલબદ્ધ રીતે ખખડાવામાં આવે છે જેને ‘મશીરા’ કહેવાય છે. આ મશીરાને મોરપીંછનાં ઝુંડ અને નાનાં ઢોલકાં સાથે હાથમાં લઈને સીદીઓ ગોળાકારે આ ધમાલ નૃત્ય કરે છે. આ નૃત્યમાં સૌથી આગળ સીદીઓનો મુખી ગાતો હોય છે અને અન્યોને ગવડાવતો હોય છે. તે કૂદકો મારે અને બધાના માથે મોરપીંછનો ઝૂડો ફેરવતો જતો હોય છે. સદીઓ અગાઉથી ગીરમાં વસેલા સીદી સમુદાયના અનેક ગૃપે વિવિધ પ્રસંગોએ આ પરંપરાગત નૃત્યને રજૂ કર્યુ છે. પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં દિલ્હી ખાતે પણ ધમાલ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.
રસરંગ લોકમેળો મનોરંજન સાથે જ વિવિધ સમુદાયોની સંસ્કૃતિને માણવાનો અલગ સંસ્કૃતિના પરંપરાગત નૃત્યને જાણવાનો અવસર બની રહેશે.