ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર,
પોરબંદરના એસ.ટી. બસ સ્ટેશનના કર્મચારીઓ વતી ડેપો મેનેજર પી.બી. મકવાણાને સન્માનિત કરાયા છે. વિભાગીય કક્ષાએથી પોરબંદર ડેપોના બે કંડક્ટરોનું સન્માન કરાયું છે. સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે સૌપ્રથમ વખત ચાર-ચાર એવોર્ડ પોરબંદર ડેપો મેનેજરના કર્મચારીઓને એનાયત થયા છે. પોરબંદર એસ.ટી. વિભાગ દ્વારા તા. 9 થી 1પ ઓગષ્ટ સુધી ‘હર ઘર તિરંગા’ અભિયાનની ઉજવણી કરાઈ હતી.
બસ સ્ટેશન ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો. એસ.ટી. વિભાગના રાજ્યકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં પોરબંદર ડેપોના કર્મચારીઓને વર્ષ દરમિયાન સર્વોચ્ચ ડીઝલ માઈલેજ મેળવવા બદલ અને એકપણ ફેટલ અકસ્માત ન થવા બદલ પચ્ચીસ હજાર રૂપિયાનું ઈનામ તથા પ્રશસ્તિપત્રથી સન્માન મળ્યું છે. ગુજરાત એસ.ટી. ના ઉપાધ્યક્ષ અને વહીવટી સંચાલક (એમ.ડી.) અનુપમ આનંદના હસ્તે પોરબંદર એસ.ટી. ડેપો મેનેજર પી.બી. મકવાણાને બિરદાવાયા છે. જૂનાગઢ ખાતે યોજાયેલા વિભાગીય કક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં પોરબંદર ડેપોના અલ્પાબેન પીઠીયા, દિલાવરસિંહ લાખાણીએ દાખવેલી પ્રમાણિકતાને લઈને વિભાગીય નિયામક રાવલ દ્વારા પ્રશંસાપત્રથી સન્માન કરાયું છે. પોરબંદર એસ.ટી. ડેપોના કર્મચારીઓની નિષ્ઠાપૂર્વકની ફરજ બદલ એકસાથે ચાર સન્માનપત્ર મળ્યા છે.