ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
વિજયાદશમી (દશેરા) પર્વના પાવન અવસરે રાજકોટ ખાતે શ્રી ક્ષત્રિય રાજપૂત સમાજ, શ્રી રાજપૂત ક્ષત્રિય સુપ્રીમ કાઉન્સિલ તથા શ્રી ક્ષત્રિય કરણી સેના દ્વારા પરંપરાગત શસ્ત્ર પૂજન અને વિરાંજલી શહીદ વંદના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ શ્રી ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજ વાડી, રામનાથપરા ખાતે સાંજે 5 વાગ્યે યોજાયો હતો.વૈદિક પદ્ધતિથી શસ્ત્ર પૂજન: શાસ્ત્રોક્ત વૈદિક વિધિ દ્વારા શસ્ત્ર અને આયુધોનું પૂજન કરવામાં આવ્યું હતું. બાદમાં રાજપૂત સમાજના ભાઈઓએ શ્રી મહાકાળી માતાજી તથા શ્રી રામનાથ મહાદેવના દર્શન કરીને પૂર્ણાહુતિ કરી હતી. શહીદ સૈનિકોને વિરાંજલી: દેશના રક્ષણ માટે હંસતેહંસતા શહીદ થયેલા સમાજના સૈનિક વિરલાઓને આ અવસરે પુષ્પાંજલિ અર્પણ કરી વીરાંજલી આપવામાં આવી હતી.કાર્યક્રમમાં શ્રી કારડીયા રાજપૂત સમાજ, શ્રી નાડોદા રાજપૂત સમાજ, શ્રી ગુર્જર રાજપૂત સમાજ, શ્રી મારુ રાજપૂત સમાજ (પાબુજી) તથા શ્રી રાજસ્થાન રાજપૂત સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી. સૌએ મળીને પોતાનો સ્વધર્મ વહન કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.આ આયોજનને સફળ બનાવવા પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે સહકાર આપનાર તમામ સમાજબંધુઓનો આયોજક મંડળ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.