પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલાં મફત યોજનાઓની લહાણી: રાજસ્થાન-મધ્ય પ્રદેશની સરકારો મતદારોને આકર્ષવા મફત યોજનાઓ જાહેર કરી કરદાતાઓના નાણાંનો દુરુપયોગ કરતી હોવાનો આરોપ
સરકારો ચૂંટણી પહેલાં જ વચનો આપે છે, તેમને રોકી શકીએ નહીં : મુખ્ય ન્યાયાધીશ ચંદ્રચૂડ
- Advertisement -
પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ પૂર્ણ, કોઈપણ સમયે જાહેરાતની સંભાવના
ખાસ-ખબર સંવાદદાતા
દેશમાં આ વર્ષના અંત સુધીમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીના આયોજન માટે ચૂંટણી પંચની તૈયારી અંતિમ તબક્કામાં છે. હવે ગમે તે સમયે રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તેલંગણા અને મિઝોરમમાં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે. આ જાહેરાત પહેલાં દરેક રાજ્યોમાં પક્ષોએ મફત યોજનાઓની લ્હાણી શરૂ કરી દીધી છે. જોકે, હવે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારના આ રેવડી કલ્ચર સામે સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. આ મફત યોજનાઓ સામે સુપ્રીમમાં એક જાહેર હિતની અરજી થઈ છે. સુપ્રીમે આ મુદ્દે કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ અને રાજસ્થાન તથા મધ્ય પ્રદેશની સરકારોને નોટિસ ફટકારી છે. આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરમાં રાજસ્થાન, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, તેલંગણા અને મિઝોરિમમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી મુદ્દે ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે શુક્રવારે ચૂંટણીના કાર્યક્રમોની જાહેરાત પહેલાં નિરીક્ષકો સાથે બેઠક કરી હતી. આખો દિવસ ચાલેલી આ બેઠકમાં વિવિધ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી અંગે ચર્ચા થઈ હતી. આ બેઠકોમાં મોડેલ કોડ અસરકારક રીતે લાગુ કરવા અને નાણાં તથા બાહુબળનો ઉપયોગ ના થાય, હિંસા ના થાય તે સુનિશ્ચિત કરવા પર ભાર મૂકાયો હતો. આગામી કેટલાક દિવસોમાં ચૂંટણી પંચ પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી સંબંધિત જાહેરાત કરે તેવી સંભાવના છે. વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં મુખ્યમંત્રીઓએ અનેક યોજનાઓ જાહેર કરી દીધી છે. એટલે કે ચૂંટણી સમયે આ રાજ્યોમાં રેવડી કલ્ચરને પ્રોત્સાહન મળી રહ્યું છે. જોકે, આ મફત યોજનાઓ સામે સામાજિક કાર્યકર ભાટ્ટુલાલ જૈને સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની એક અરજી થઈ છે. આ અરજીના સંદર્ભમાં મુખ્ય ન્યાયાધીશ ધનંજય ચંદ્રચૂડના અધ્યક્ષપદે બેન્ચે કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશની સરકારોને નોટિસ પાઠવીને જવાબ માગ્યો છે. ન્યાયાધીશ જેબી પારડીવાલા અને ન્યાયાધીશ મનોજ મિશ્રાને સમાવતી બેન્ચ સમક્ષ કરાયેલી પીઆઈએલમાં આક્ષેપ કરાયો છે કે કરદાતાઓના રૂપિયાથી રોકડ અને અન્ય મફત સામાન અને સુવિધાઓનું વિતરણ કરાઈ રહ્યું છે. સુપ્રીમ કોર્ટે પીઆઈએલને ધ્યાનમાં લેતા મધ્ય પ્રદેશ અને રાજસ્થાનને નોટિસ ફટકારી છે. સાથે જ સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ પાસેથી 4 સપ્તાહમાં જવાબ માગ્યો છે. આ કેસને વરિષ્ઠ વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા અગાઉ દાખલ કરાયેલા જૂના કેસો સાથે લિસ્ટ કરાયો છે.