ખાસ-ખબર ન્યૂઝ રાજુલા
પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારનું વિશેષ મહત્વ હોવાથી આજે રાજુલા શહેરમાં વહેલી સવારથી જ શિવજીના મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. સોમવાર મહાદેવનો વાર હોવાથી શ્રાવણના પ્રથમ સોમવારે શિવજીના મંદિરોને સુંદર રીતે શણગારવામાં આવ્યા હતા. ભક્તોએ ભગવાન શિવજી પર જળ અભિષેક, દૂધ અભિષેક અને બીલીપત્ર સહિતનો શૃંગાર ચડાવી પૂજા-અર્ચના કરી હતી. રાજુલા શહેરના કુંભનાથ-સુખનાથ મહાદેવ, ગોકળેશ્વર મહાદેવ, ધારનાથ મહાદેવ, કોટેશ્વર મહાદેવ મંદિર સહિતના વિવિધ શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરીને શિવજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. “હર હર મહાદેવ” ના નાદ સાથે રાજુલા શહેરના તમામ શિવાલયો ગુંજી ઉઠ્યા હતા.આ પવિત્ર અવસરે નગરપાલિકાના વોર્ડ નં-4 ના સદસ્ય અક્ષયભાઇ ધાખડા, પરેશભાઇ ગોહિલ, ચિરાગભાઇ જોષી સહિત અનેક ભક્તોએ શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.